તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

વસિયતનામું કેવું હોવું જોઈએ?

ગૌરવ મશરૂવાળા

‘મારે બાળમંદિરના મારા શિક્ષકને ૨૫,૦૦૦ રૂપિયા આપવા છે. મારા ઘડતરને અને શિક્ષણમાં એમનું બહુ મોટું યોગદાન છે….’
‘મારા એક ક્લાયન્ટ આ કહી રહ્યા હતા. એ વ્યવસાયે ડૉક્ટર હતા. એમની વાત સાંભળીને મને ઘણું સારું લાગ્યું.
પરંતુ મારા વસિયતનામામાં પહેલો મુદ્દો આ રાખજો, જેથી આખી દુનિયાને ખબર પડે કે મેં આવું કંઈક કર્યું છે….’
આવું એમણે કહ્યું ત્યારે મારા અચરજનો પાર ન રહ્યો. ‘આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા’ એ ઉક્તિથી વિપરીત આ ડૉક્ટર પોતાના મૃત્યુ બાદ પણ પોતાના કોઈ કાર્ય પ્રત્યે સમાજનું ધ્યાન દોરવા માગતા હતા…. મેં મનમાં વિચાર્યું:

આ માણસ પોતાનું વસિયતનામું શું આખી દુનિયાને વંચાવવા માગે છે? ફાઈનાન્સિયલ પ્લાનર તરીકે મારા કાર્યકાળમાં આવું તો અનેક વાર બન્યું છે. પોતાની લાગણીઓને વસિયતનામામાં વ્યક્ત કરવા માગતા હોય એવા ઘણા ક્લાયન્ટ મને મળ્યા છે. એમાંથી કાંતાબહેન નામના વડીલે કહ્યું હતું:

મારી સૌથી મોટી પુત્રવધૂએ મને સારી રીતે રાખી નથી તેથી મારે મારાં ઘરેણાંમાંથી એને એક પણ ઘરેણું આપવું નથી…. સાસુને નહીં સાચવવાના પરિણામનું પુત્રવધૂને ‘ભાન’ થાય એ માટે કાંતાબહેનને એમની વસિયતમાં આવું લખાવવું હતું!
પરિવારની વ્યક્તિને મિલકતમાં હિસ્સો આપવો કે નહીં એ પોતાની મુનસફી પર હોય છે, પરંતુ તમારી અંગત લાગણીઓને વસિયતનામામાં સ્થાન આપવાની કોઈ જ જરૂર નથી.


Also read: પ્રાસંગિક: કેમ વધી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસક હુમલા ?


વસિયતનામું કેવી રીતે બનાવવું એ કહેવા માટે તો ઢગલાબંધ વેબસાઈટ અને લેખો ઉપલબ્ધ છે એટલે અહીં આપણે વસિયતનામું કેવી રીતે બનાવવું એના કરતાં તેમાં રહેલી માનવીય લાગણીઓના તાણાવાણા વિશે વધારે વાત કરીશું.
ઘણા લોકો વસિયતનામું એકદમ જટિલ બનાવી દેતા હોય છે.

કોઈક પોતાની મિલકતમાંથી ટ્રસ્ટ બનાવવા માગતું હોય છે તો કોઈક કેટલીક શરત રાખીને મિલકતોની વહેંચણી કરતું હોય છે માટે શક્ય હોય ત્યાં સુધી વસિયતનામું એકદમ સરળ હોવું જોઈએ. જટિલ વસિયતનામું માણસની અસલામતીની લાગણીનું પ્રતિબિંબ પાડતું હોય છે. માણસ પોતાના મૃત્યુ પછી પણ અંકુશ છોડવા માગતો નથી એ પણ કેવી વિચિત્ર વૃતિ કહેવાય!

કોઈ પણ વસિયતનામું પરિપૂર્ણ હોઈ ન શકે. ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને વસિયતનામું શક્ય તેટલું વધારે સરળ બનાવવું.
વસિયતનામું કઈ ઉંમરે બનાવવું જોઈએ એવો પ્રશ્ર્ન પણ વારંવાર પુછાતો હોય છે. તેના માટે મારો સ્ટાન્ડર્ડ જવાબ એ છે કે તમે જે દિવસે પોતાનું પહેલું બૅન્ક અકાઉન્ટ ખોલવો એ જ દિવસે વસિયતનામું બનાવવું જોઈએ…. બૅન્ક અકાઉન્ટ ખોલાવવામાં આવે એ જ દિવસથી સંપત્તિસર્જન શરૂ થઈ જતું હોય છે.

ટૂંકમાં, એટલું જ કહેવાનું કે વસિયતનામું બનાવવામાં વિલંબ કરવો નહીં. વસિયતનામું એ મૃત્યુનું વૉરંટ નથી કે તમે વસિયતનામું બનાવી દીધું એટલે યમરાજ આવી ચડશે એવું નથી. ઊલટાનું, જો તમે વસિયતનામું બનાવવામાં મોડું કરશો અને યમરાજ આવી જશે તો એ વખતે સમસ્યા ઊભી થઈ શકે છે. યમરાજને કેટલીક વખત કહ્યું કે તમારે નોટિસ આપ્યા વગર આવવું નહીં, પરંતુ એ સાંભળતા જ નથી!

જેમને મિલકતમાં ભાગ મળવાના હોય એ લોકો સહેલાઈથી વહેંચણી કરી શકે એ રીતનું વસિયતનામું બનાવવું જોઈએ. પોતે જેની સાથે રહેતા હોય એ દીકરાને અડધો ફલૅટ અને અમેરિકામાં રહેતી દીકરીને બાકીનો અડધો ફલૅટ આપવાનું કહેતું વસિયતનામું કેટલું જટિલ કહેવાય એ સમજી શકાય એવી વાત છે.

મારા દાગીના દીકરીઓ અને પુત્રવધૂઓ વચ્ચે સરખે ભાગે વહેંચી લેવા’ એવું લખવાનું બદલે ઘરેણાંના ફોટા પાડીને કોને કયું ઘરેણું આપવું એ લખી લેવાનું યોગ્ય કહેવાય.
કોઈક કારણસર જો દાગીનાની વહેંચણી સરખા ભાગે કરવાનું શક્ય ન હોય તો- (૧) સરકારી વેલ્યુઅર પાસે જવું અને એમણે આપેલા વેલ્યુએશનના આધારે વહેંચણી કરવી અને કોઈ ઘટ પડે તો રોકડ આપવી અથવા તો (૨) ઘરેણાં ભંગાવીને વહેંચણી કરવી, જેવા વિકલ્પ આપી શકાય.

આમ તો ઘરેણાં ભંગાવવાની વાત ઘણાને ગમતી નથી, પરંતુ ‘આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા’ હોય તો પછી શેની ચિંતા કરવાની હોય? વસિયતનામું લખતી વખતે વિરકત થઈ જવું જોઈએ…. આ તો મારા પેઢીઓ જૂના દાગીના છે, તેમને ભંગાવી શકાય નહીં’ એવું મેં લોકોને કહેતાં સાંભળ્યા છે.

જો રિયલ એસ્ટેટની વહેંચણી એક કરતાં વધુ વ્યક્તિઓમાં કરવાની હોય તો એ રિયલ એસ્ટેટનું મૂલ્ય કોણ નક્કી કરશે અને કેટલા સમયની અંદર વહેંચણી કરવી એ બધું વિગતે લખવું જોઈએ. મિલકત માટે ઝઘડા થવાનું એક કારણ અસ્પષ્ટ વસિયતનામું પણ હોય છે. મિલકત મેળવનારી અનેક વ્યક્તિઓમાંથી કોઈકની ઇચ્છા તરત જ મિલકત વેચી દેવાની હોય અને કોઈક ભાવ વધવાની રાહ જોવા માગતું હોય એવું બની શકે છે.

તમારા ગયા પછી પરિવાર પ્રેમથી રહે અને વસિયતનામું કજિયાનું કારણ બને નહીં એ રીતે વસિયતનામું બનાવવું એ ડાહ્યા માણસનું કામ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button