
કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે જે શરીરની ત્વચાને કસાયેલી રાખવા તેમજ નખ, વાળની હેલ્થને મેઇનટેઇન રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આમ તો આપણું શરીર કુદરતી રીતે જ કોલેજનનું ઉત્પાદન કરે છે પરંતુ ઉંમર વધવાની સાથે સાથે કોલેજનનું ઉત્પાદન ઓછું થવા લાગે છે. ખાસ કરીને જ્યારે વ્યક્તિ 30ની ઉંમર એકવાર પાર કરી લે છે તે પછી કોલેજનનું ઉત્પાદન ઘટતા તેને વાળ અને ત્વચા સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કોલેજનને કારણે ત્વચા હાઇડ્રેટેડ રહે છે. શરીરમાં જ્યારે કોલેજનનું ઉત્પાદન ઓછું થઇ જાય ત્યારે તેની અસર ચહેરા પર દેખાવા લાગે છે. ચહેરા પર રેખાઓ, કરચલીઓ પડવા લાગે છે. ત્વચા ઢીલી લાગવા માંડે છે. આથી રોજિંદા આહારમાં શરીરને કોલેજન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
મજબૂત વાળ અને નખ માટે કોલેજન અત્યંત જરૂરી છે. શરીરમાં કોલેજન લેવલ ઓછું થાય તો નખ પણ તૂટવા માંડે છે, ક્યુટિકલ્સમાં તિરાડો પડેલી જોવા મળે છે તેમજ નખના કુદરતી રંગમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ઉપરાંત વાળ સંબંધી સમસ્યાઓ પણ સર્જાઇ શકે છે.
ચહેરા, નખ, વાળ ઉપરાંત કોલેજન આપણા શરીરના સ્નાયુઓ માટે પણ જરૂરી છે. તે લિગામેન્ટ, સાંધાના સ્નાયુઓની રક્ષા કરવા માટે પણ જરૂરી છે. અનેક લોકો જે વારંવાર સાંધા જકડાઇ જવાની ફરિયાદો કરતા હોય છે તે સમસ્યા કોલેજનના ઘટતા પ્રમાણને કારણે જ સર્જાય છે. આ ઉપરાંત હાડકાઓના સ્વાસ્થ્ય માટે પણ કોલેજન જરૂરી છે. બોન ડેન્સિટીને સુધારવા માટે કોલેજન નિયમિતપણે લેવું જોઇએ.
દરેક હાઇ પ્રોટીન ખોરાકમાં કોલેજન મળી શકે છે. વેજ-નોનવેજ બંને પ્રકારના ભોજનના એવા પદાર્થો કે જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તે દરેક વ્યક્તિએ લેવા જોઇએ. આ ઉપરાંત ટેબલેટ્સ પાવડર સ્વરૂપે પણ કોલેજન સપ્લીમેન્ટ્સ લઇ શકાય છે.