એવું તે શું થયું કે મુકેશ અંબાણીએ ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઊભી રાખી દીધી?
મુકેશ અંબાણી અને નીતા અંબાણી બિઝનેસ અને પેજ-થ્રી વર્લ્ડમાં ખૂબ જ હેપનિંગ નામ છે. કોઈને કોઈ કારણસર સતત આ કપલ ચર્ચામાં અને લાઈમલાઈટમાં રહેતું હોય છે. લોકોને તેમની પર્સનલ લાઈફ વિશે જાણવામાં ખૂબ જ રસ હોય છે. નીતા અંબાણી એક કુશળ બિઝનેસમેન હોવાની સાથે સાથે જ એક કુશળ નૃત્યાંગના છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. પણ શું તમને એ વાત ખબર છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્ન કરાવવામાં પણ આ ડાન્સે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી? ચાલો, આજે તમને એમની લવસ્ટોરી વિશે જણાવીએ.
કેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની કહાની કોઈ ફિલ્મી પ્લોટથી કમ નથી. 1985માં બંનેએ લગ્ન કરી લીધા હતા. નીતા અંબાણી એક શિક્ષક અને સારા ક્લાસિકલ નૃત્યાંગના હતા અને આ ક્લાસિકલ ડાન્સ પ્રત્યેના પ્રેમે જ તેમને અંબાણી પરિવારની પૂત્રવધુ બનાવી હતી.
વાત જાણે એમ છે કે નીતા અંબાણી નવરાત્રીના નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ક્લાસિકલ ડાન્સ પર પર્ફોર્મ કરી રહ્યા હતા અને એ સમયે આ કાર્યક્રમમાં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી હાજર હતા. બંનેને નીતાનું ડાન્સ પરફોર્મન્સ ખૂબ જ ગમ્યું અને તેમણે નક્કી કર્યું કે તેઓ તેમના મોટા પુત્ર મુકેશ અંબાણીના લગ્ન આ છોકરી સાથે કરાવશે. ધીરુભાઈ અને કોકિલાબહેને શોના આયોજકો પાસેથી નીતા અંબાણી વિશેની માહિતી મેળવી લીધી હતી.
ધીરુભાઈના કહેવા પર નીતા પહેલીવાર મુકેશ અંબાણીને મળવા પહોંચ્યા ત્યારે સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેરેલા એક યુવકે એમના માટે દરવાજો ખોલ્યો અને નીતા તરફ હાથ લંબાવતા કહ્યું કે હાય, હું મુકેશ છું. એ સમયે તો નીતાને વિશ્વાસ પણ ન થયો કે તે આટલા મોટા વ્યક્તિની સામે ઉભા છે.
આ પ્રેમથી ભરેલી મુલાકાતો દરમિયાન, એક દિવસ નીતા અને મુકેશ સાંજે સાડા સાત વાગ્યે મુંબઈના પેડર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહી, ત્યારે મુકેશે ફિલ્મી અંદાજમાં નીતાને પૂછ્યું, શું તમે મારી સાથે લગ્ન કરશો? ?? આના પર નીતાએ શરમાતા મુકેશને ગાડી ચલાવવાનું કહ્યું.
પરંતુ મુકેશ અંબાણીએ નીતાને કહ્યું કે જ્યાં સુધી તે જવાબ નહીં આપે ત્યાં સુધી તે કાર નહીં ચલાવે. એ જ સમયે, સિગ્નલ ખુલી ગયું હતું અને તેની કારની પાછળ ઘણા વાહનો ઉભા હતા. આ પછી નીતાએ મુકેશનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને પરિણામ આજે આપણા બધાની સામે જ છે. બંને જણ આદર્શ કપલની વ્યાખ્યામાં એકદમ બંધ બેસે છે.