સ્પેશિયલ ફિચર્સ

ત્રણ વર્ષમાં 4000 મૂરતીયાના બાયોડેટા આવ્યા પણ કન્યા ક્યાં

દીકરીને સાપનો ભારો કહીને નકારતો, દૂધ પીતી કરતો અને તેને જન્મ પહેલા જ માતાના ગર્ભમાં મારી નાખતો સમાજ આજે પોતાના કર્યા જ ભોગવે છે. ગામે ગામે અને ઘરે ઘરે મોટી ઉંમરના અપરિણિત છોકરાઓ બેઠા છે કારણ કે છોકરી જ નથી મળતી. એક તો છોકરીઓની ઓછી સંખ્યા અને તેમાં પણ ગામડાઓમાં કે ખાસ કોઈ વ્યવસાય કરતા છોકરાઓ સાથે ન પરણવા માગતી છોકરીઓને કારણે નાના ગામડામાં રહેતા યુવકોની હાલત વધારે કફોડી બની છે. આનું એક ઉદાહરણ સુરતનું નારી સંરક્ષણ ગૃહ છે.

અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર આ ગૃહમાં અનાથ છોકરીને પરણવાની ઈચ્છા સાથે આવતા યુવકોની સંખ્યા 4000 કરતા વધારે છે. લગભગ 4000 જેટલા યુવકોના બાયોડેટા પેન્ડિંગ પડયા છે, પરંતુ સામે કોઈ છોકરી નથી. પૂછપરછથી કંટાળેયા ગૃહના કર્મીઓએ બહાર બોર્ડ મારવાની ફરજ પડી છે.

અહીંના અધિકારીઓનું કહેવાનું છે કે આ નારી સંરક્ષણ ગૃહ લગ્ન કરાવનારી સંસ્થા નથી. અહીં અનાથ બાળકીઓ આવતી નથી. છેલ્લા ચારેક વર્ષમાં અહીં કોઈ અનાથ યુવતી કે એવી યુવતી નથી આવી જે લગ્નની ઉંમરની હોય. પરિવારો તેમ છતાં અહી અપેક્ષાઓ સાથે આવે છે. તેમને સમજાવવા છતાં સમજતા ન હોવાથી અમારે બહાર બોર્ડ લગાવવાની ફરજ પડી છે.


અહીં એક મહિલાએ જણાવ્યું હતું કે હું વર્ષ 200માં અહીં આશરો લેવા આવી હતી અને અહીંથી જ મારા લગ્ન થયા હતા. આથી હું મારી પુત્રવધુ શોધવા અહી આવી છું.


જોકે એક હકીકત તો છે જ દિકરા ને દીકરીમાં આજે પણ ભેદ થાય છે અને સમાજ માટે આ એક મોટી ઘાત સાબિત થઈ રહી છે. આ સાથે અમુક સમાજમાં છોકરાઓ કરતા છોકરીઓ વધારે ભણેલી અને સફળ હોવાથી જ્યારે મોટે ભાગે ખેતીનો વ્યવસાય કરતા યુવકો નાના ગામડામાં રહેતા હોવાથી પણ લગ્ન માટે યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ બન્યું છે. આ સાથે આજે પણ શિક્ષિત અને કારકિર્દી ધરાવતી છોકરીઓ ઘણા પરિવારો પસંદ કરતા નથી, આથી પોતાના સમુદાય કરતા છોકરીઓ પોતાની સાથે કામ કરતા છોકરાઓની પસંદગી વધારે કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button