આપણે કદી ના કરવા પડે કિટ્ટા-બુચ્ચા…!
કૌશિક મહેતા
ડિયર હની,
અભેરાઈએ પડેલા વાસણ ક્યારેક ખખડતાં હોય છે. દામ્પત્ય જીવનમાં પણ એવું બને છે, પણ એવી તેવી કોઈ વાતે તું રિસાઈ જાય છે અને મારી સાથે બોલવાનું બંધ કરે છે ત્યારે મારી સ્થિતિ બહુ કપરી બની જાય છે. હું મનાવવાની કોશિશ કરું છું, પણ શરૂઆતમાં નિષ્ફળતા જ મળે છે અને મને ગાંધીજી – કસ્તુરબાનો પ્રસંગ યાદ આવી જાય છે.
‘પ્રબુદ્ધ જીવન’માં જ્યોતિબહેન ગાલાએ એ પ્રસંગ વર્ણવ્યો છે. બાપુ અને કસ્તુરબા વચ્ચે કોઈ રમૂજ મુદે વાંધો પડ્યો. ‘બા’ને માઠું લાગી ગયું. એ રિસાઈ ગયાં. બાપુને કહે, હવે હું તમને બાપુ કહી નહિં બોલાવું. બાપુએ સહજભાવે કહ્યું કે, હું ય તને બા કહી નહિં બોલાવું. વાત વધી પડી અને બંને વચ્ચે અબોલા થઇ ગયા.
Also read: મમતા આંધળી બને ત્યારે….વૃદ્ધ માતા-પિતાની મુશ્કેલીઓનું આ પણ છે કારણ
એ પછી એકબીજાને કોઈ કામ હોય તો બંને વચ્ચે ઈશારામાં જ વાત થાય. કોઈ કઈ બોલે નહિ. આમને આમ બે દિવસ વીતી ગયા. બન્નેએ મૌન પાળ્યું. બંનેને એમ તો થાય કે બોલું પણ બોલવાની પહેલ કોણ કરે?એવી ગાંઠ પડી હતી. ત્રીજો દિવસ થયો. બાપુ સવારે ક્રમ મુજબ વહેલા ઊઠી ગયા. બા રસોડામાં પ્રવેશે એની રાહ જોતા ડેલીમાં બેઠા હતા. એ દિવસે સમય પણ ધીમે ધીમે વીતતો હોય એવું બાપુને લાગતું હતું. આખરે એમનો ઇન્તજાર ખતમ થયો. રસોડામાં વાસણ ખખડવાનો અવાજ આવ્યો. બાપુને સમજાયું કે,બા રસોડામાં આવી ગયાં છે. એમણે ડેલીએથી જ સાદ દીધો : ‘ચા’ બા’ તૈયાર છે કે?’ આ રીતે બાપુએ અબોલા તોડ્યા. બા પણ એની જ રાહમાં હતા. એમણે પ્રતિસાદ આપતા કહ્યું : ‘છાપું’ બાપુ’વાંચી લીધું કે?!’
આમ બંનેના અબોલા તૂટ્યા. કિટ્ટા-બુચ્ચા થયા. પછી બન્ને એકસાથે બોલી ઉઠ્યા કે, ‘હવે આપણે કદી અબોલા નહિ લઈએ…!’. ને બંને ખરા દિલથી હસી પડ્યાં.
મારે ય તું રિસાઈ જાય ત્યારે બહુબધાં મનામણાં કરવાં પડે છે. એકવાર રવિવારે પ્રોમિસ કરેલું કે, સાંજે બહાર જમવા જઈશું, પણ મારા કામનાં કારણે હું બહારગામ ગયેલો. આવવામાં મોડું થયું ને આપણો બહાર જવાનો પ્રોગ્રામ રદ કરવો પડ્યો. આવું અગાઉ પણ બનેલું, પણ એ આપણા દામ્પત્ય જીવનના શરૂઆતનાં વર્ષો હતાં, પણ એકથી વધુવાર એવું બન્યું ને તું રિસાઈ. મારી સાથે બોલવાનું બંધ કર્યું. રાત્રે થાળી પીરસી પણ એક શબ્દ ના બોલી. રાત પણ એમ જ વીતી. સવારે ચાનો કપ ટેબલ પર મુક્યો. મને બોલાવ્યો નહિ પણ નાસ્તાની ડિશ ટેબલ પર થોડી પછાડી. હું સમજી ગયો કે, ચા થઇ ગઈ છે. મૌનાવસ્થામાં જ નાસ્તો થયો.
Also read: સોશિયલ મીડિયાનો વધુપડતો વપરાશ વાસ્તવિકતાથી પલાયન થવાનું માધ્યમ છે?
હું તો તૈયાર થઇ ઓફિસે નીકળી ગયો, પણ મારું મન વ્યાકુળ હતું. તારું ય એવું જ હતું પણ મને ખબર હતી કે,પહેલ મારે જ કરવાની છે. ઘેર જમવા આવું એ પહેલા ફોન કર્યો, તેં ઉપાડ્યો તો ખરો પણ કાઈ બોલી નહિ. મેં પહેલ કરી કે, ‘બજારમાંથી કંઈ જોઈએ છે?’
બે- પાંચ સેક્ધડ તો કાઈ ના બોલી પછી કહ્યું : ‘
કાઈ જોતું નથી. જમવાનું તૈયાર છે, કેટલીવાર છે?’ મને હાશકારો થયો. રિસામણાં- મનામણાં ચાલતા રહે છે. એ પણ જીવનનો એક ભાગ છે, પણ જો એ લાંબો સમય સુધી રહે તો દામ્પત્ય જીવનનું પોત નબળું પડે છે. ઘણા હાસ્યકારો હળવાશમાં કહે છે કે, ડોકટરો ય કહેતા હોય છે કે, મહિને પતિ- પત્ની વચ્ચે એકાદ બે ઝગડા થાય તો સમજવું કે બધું બરાબર છે. આપણી કવિતામાં પણ આવા રિસામણાં- મનામણાંની કેવી મજાની વાત કરવામાં આવી છે.
પત્ની પરણીને આવી હોય અને કોઈ વાતે અબોલા થાય તો પત્નીની હાલત કેવી હોય એ વિશે કવિ વિનોદ જોશીની જાણીતી રચના છે :
સખી! મારો સાહ્યબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં બાકી તું રિસાઈ છે ત્યારે વધુ સુંદર લાગે છે, તારો ચહેરો વધુ ગમતીલો બની જાય છે. પણ તું રિસાઈ એ મને ગમે ક્યાંથી? અને તું બોલે એ માટે હું શું નાં કરું ?..’
વિવેક ટેલરની રચના છે :
‘તું બોલે તો લખ લખ દરિયા રંગ-રંગના ફરી ફરી દઉં… મેસેજ એક જ શાને, વહાલી! આખી મારી જાત ધરી દઉં!’ આપણા વચ્ચે ભલે કોઈ મુદ્દે બોલાચાલી થાય.પણ રિસામણાં સુધી વાત ના પહોચે એવું જ હું ઈચ્છું. કિટ્ટા- બુચ્ચા ના કરવા પડે ને માની લે કે કોઈ વાર રિસામણાંની સ્થિતિ આવે તો એ વધુ લાંબો સમય ના ચાલે. બા – બાપુની જેમ બે દિવસ તો નહિ, પણ થોડા કલાકોમાં જ કિટ્ટા બુચ્ચા થઇ જાય… તારો બન્ની