મેટિનીસ્પેશિયલ ફિચર્સ

બૈલ-બંદરિયા કા ખેલ દેખો!

મહેશ નાણાવટી

૬૦ના દાયકામાં બની રહેલી એક બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં એક બળદની જરૂર હતી. ફિલ્મનો હીરો હલકા વજનવાળી ‘સવારી ગાડી’ ચલાવે છે એવું સ્ટોરીમાં હતું. શૂટિંગની શરૂઆત થઈ ત્યારે પ્રોડકશન મેનેજર ક્યાંકથી એક બળદગાડીવાળાને શોધી લાવ્યો. ડિરેકટરે કહ્યું : ‘તારું ગાડું નહીં ચાલે, પણ બળદ અમને જોઈશે. બોલ, દિવસના કેટલા રૂપિયા લઈશ?’ હા-ના કરતાં બળદનો ‘રોજ’ બે રૂપિયાનો નક્કી થયો. ત્રણ-ચાર દિવસ શૂટિંગ ચાલ્યું. પછી બીજાં દૃશ્યોમાં તેની હાલમાં જરૂર નહોતી એટલે બળદને છૂટો કરવામાં આવ્યો.

મહિના પછી ફરી જ્યારે બળદગાડી સાથેનું કોઈ દૃશ્ય શૂટ કરવાનું થયું ત્યારે ફરી એ જ બળદની શોધ ચાલી… પ્રોડકશન મેનેજરનો માણસ બૂરી ખબર લાવ્યો કે, બળદગાડું તો ‘વરધી’માં બીજે ગામ ગયું છે, કાલે સાંજે આવશે.’

ત્યાં સુધી શું કરવું? કેમેરામેનનો આગ્રહ હતો કે બીજો કોઈ બળદ હશે તો ‘કન્ટિન્યુટી’ નહીં રહે. દર્શકને થશે કે આ બળદ કેમ બદલાતો રહે છે? ખેર, ડિરેક્ટરે એ વખતે તો કોઈ બીજાં દૃશ્યો ફિલ્માવી લીધાં, પણ જ્યારે બળદને સ્ટુડિયોમાં ફરી લાવવામાં આવ્યો ત્યારે પ્રોડકશન મેનેજરે સલાહ આપી કે ‘આપણે જે રીતે એક્ટરો અને ટેકનિશિયનોને પગાર પર રાખીએ છીએ એમ બળદને પણ પગાર ઉપર રાખી લઈએ તો કેવું? જેથી જ્યારે બોલાવીએ ત્યારે હાજર થઈ જાય.’

ફરી એકવાર હા-ના કરતાં બળદનો ‘પગાર’ મહિને ૧૫ રૂપિયા નક્કી થયો, પરંતુ બીજીવાર જ્યારે એનું શૂટિંગ નીકળ્યું ત્યારે લોચો એ થયો કે બળદના માલિકનું સરનામું બદલાઈ ગયેલું! એને શોધવામાં બે દિવસ બગડ્યા…

હવે પ્રોડક્શન મેનેજરે નિર્માતાને ‘પરમેનેન્ટ’ રસ્તો બતાડ્યો: ‘સાહેબ, આ બળદને ખરીદી જ લઈ તો કેવું?’

ગાડાવાળાને તો ખાસ્સા અઢીસો રૂપિયા ખણખણતા મળી ગયા, પણ ખરી જફા હવે શરૂ થઈ. બળદને રાખવો ક્યાં? વળી એના ‘ચારા’ની પણ વ્યવસ્થા કરવાની! એ સમયે લાલુ યાદવનું ‘ચારા-કૌભાંડ’ જાણીતું નહોતું એટલે એમાં ચારો ‘ખવાઈ’ જવાની દહેશત નહોતી, પણ બળદને સ્ટુડિયોમાં રાખવો, એને ચારો ખવડાવવો, નવડાવવો વગેરે માટે એક માણસ જોઈએ!

ચાલો, એ પણ પ્રોડ્યુસરે કર્યું, પરંતુ ફિલ્મનું શૂટિંગ ટુકડે ટુકડે થાય. બધાં દૃશ્યોમાં બળદનું કામ પણ ન હોય એટલે જે બળદને ખાસ ‘કન્ટિન્યુટી’ મારે રાખ્યો હતો એ બેટમજી કામકાજ કર્યા વિના ખાઈ-પીને જાડિયો થવા લાગ્યો!

આમ છતાં કેમેરામેનનું કહેવું હતું કે બળદનો ‘ફેસ’ તો મેચિંગ થાય જ છે! એટલે બળદ બદલવાનો પ્રશ્ર્ન નહોતો. ત્યાં બીજો પ્રશ્ર્ન ઊભો થયો. પેલો બળદ બેઠાં બેઠાં ખાઈને એવો આળસુ થઈ ગયો હતો કે હવે એ કોઈ ફિલ્મ સ્ટારની જેમ જ ‘નખરા’ કરવા લાગ્યો!

ઊઠાડે તો ઊભો ન થાય, ચલાડે તો ચાલે નહીં, ચાલુ કેમેરાએ ગમે ત્યાં જઈને બેસી પડે! આખરે કેમેરામેને જ્યારે ‘કન્ટિન્યુટી’નો આગ્રહ પડતો મુક્યો ત્યારે, જે રીતે મેન હીરોને બદલે ફાઈટિંગનાં દૃશ્યોમાં ‘ડુપ્લિકેટ’ને લેવામાં આવે છે એ જ રીતે આ ‘સ્ટાર-બળદ’ના બદલે ‘ડમી બળદ’થી કામ ચલાવવું પડ્યું! અને હા, બેલા બળદની ‘રિ-સેલ’ વેલ્યુ બહુ ઓછી મળી.

પ્રાણીઓ સાથે પનારો પાડવાનો બીજો એક રમૂજી કિસ્સો જૂની તામિલ ફિલ્મનો છે. ફિલ્મની સ્ટોરી જૂના રાજ-રજવાડાંની હતી, જેમાં મુખ્ય કોમેડિયનનો દોસ્ત એક ‘માંકડું’ હોય છે. પ્રોડ્કશન મેનેજરે સડક ઉપર માંકડાનાં ખેલ દેખાડનારા એક ઉસ્તાદને પણ શોધી કાઢ્યો હતો. સસ્તામાં પટાવવા માટે એને કીધેલું કે ‘તારા માંકડાનું કંઈ ખાસ અઘરું કામ નથી. બસ , અહીંથી તહીં ઠેકડા મારવાનું જ છે.’

જોકે, જેમ જેમ શૂટિંગ આગળ વધ્યું તેમ પેલા ઉસ્તાદને ખ્યાલ આવી ગયો કે આમાં તેના માંકડાનો તો બહુ મહત્ત્વનો રોલ છે! એમાંય, પેલું માંકડું પણ સ્માર્ટ નીકળ્યું. એક ગુલાંટ ખાવાની હોય ત્યાં બબ્બે ગુલાંટ ખાતું અને સડક ઉપર ખેલ કરતું હોય તેમ ડાન્સ પણ કરવા લાગતું !

આ નજારો જોઈને ડિરેક્ટરને પણ મઝા પડવા લાગી. એમણે માંકડા પાસે વધુ નવા કરતબ કરાવવા માંડ્યા. ટૂંકમાં કહીએ તો માંકડાનો ‘રોલ’ મોટો થઈ રહ્યો હતો એટલે એક દિવસ લાગ જોઈને માંકડાના ઉસ્તાદે કહ્યું:

‘દિવસના દસ રૂપિયામાં મારું માંકડું કામ નહીં કરે. ઓછામાં ઓછા ત્રીસ રૂપિયા કરી આપો, નહીંતર હું આ ચાલ્યો….! ’

પ્રોડકશન મેનેજરે વચ્ચે પડીને હા-ના કર્યા પછી રોજના વીસ રૂપિયા કરી તો આપ્યા, પણ શરત કરી કે હમણાં રોજના દસ જ મળશે, પછી છેલ્લે બધું શૂટિંગ પતે ત્યારે બાકીના પૈસા મળી જશે.

ઉસ્તાદ તે વખતે તો માની ગયો પણ પછી એને ગંધ આવી ગઈ કે અહીં તો ‘ગરજ મટી, ને વૈદ્ય વેરી’ એવો પ્લાન છે! મતલબ કે શૂટિંગ પતી જાય પછી રૂપિયાને બદલે માત્ર વાયદા જ મળવાના છે એટલે એ જીદ પર અડી ગયો કે ‘મારા બાકીના પૈસા હમણાં ને હમણાં જ આપો, નહિતર મારો બંદર લઈને હું આ ચાલ્યો!’

આને લઈને ચાલુ શૂટિંગે મોટો ઝઘડો થઈ ગયો. ફિલ્મના કલાકારો પણ આમાં જોડાયા. એમાં જાણે બળતાંમાં ઘી ઉમેરાતું હોય તેમ ઉસ્તાદે ફિલ્મના હીરો અને કોમેડિયનને સંભળાવી દીધું કે ‘તમારા કરતાં તો મારા આ માંકડાનું કામ સારું છે!’

આમાં હીરોની છટકી.. એણે કંઈ અપશબ્દો કહ્યા.. કોમેડિયન પણ એમાં જોડાયો! ઉસ્તાદને પણ ઉપરથી કહ્યું કે ‘થાય તે કરી લે હવે તો પૈસા નહીં જ મળે!’

આ ક્ષણે પેલા ઉસ્તાદે એના માંકડાને ‘કોડ-લેંગ્વેજ’માં શી ખબર શું કહ્યું તે માંકડું કૂદ્યું અને હીરો, કોમેડિયન તથા વિલનના માથે પહેરેલી વિગો ખેંચીને ભાગી છૂટ્યું! પાછળ પાછળ ઉસ્તાદે પણ ફટાફટ ‘એક્ઝિટ’ લઈ લીધી.

આપણને થાય કે એમાં વળી શું? પણ ફિલ્મ રાજ-રજવાડાંની હતી. પેલા ત્રણ કલાકારની સાઈઝની ખાસ ડિઝાઈનની નવી વિગો બનીને આવતાં ત્રણ દિવસ થઈ ગયા. ત્યાં સુધી પેલા ભવ્ય સેટનું ભાડું જે રોજના કંઈ હજારોમાં હતું તે ચડતું રહ્યું!

આ વાતનો ટૂંક સાર એ કે વાંદરાને વતાવવા નહીં..!

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button