ફરી એક સુદામા થેલામાં કાકડી લઈને વિધાનસભ્ય મિત્રને મળવા આવ્યો પણ… જુઓ વીડિયો…

આપણે બધાએ કૃષ્ણ સુદામાની મિત્રતાની વાર્તા સાંભળી છે. દ્વારકાના નાથ બની ગયેલા ક્રિષ્ણને મળવા ગરીબ સુદામા આવ્યા અને પોટલીમાં માત્ર બે મુટ્ઠી તાંદુલ લઈને આવ્યા હતા. આવી જ દોસ્તીની દાસ્તાન કળીયુગમાં પણ બની છે. અહીં એક મિત્ર સાત વાર વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને તેમને મળવા આવેલા બીજા ખેડૂત મિત્ર તેમની માટે ખેતરમાં તાજી ઉગેલી કાકડી-ખીરા લઈને આવ્યા હતા.
જોકે કમનસીબે બીમાર મિત્રને મળે તે પહેલા જ મિત્ર દુનિયા છોડીને જતો રહ્યો. તેમની આ મિત્રતાની વાત કોઈએ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી, જેને બે કરોડ વ્યુઝ મળ્યા છે અને લોકો ઈમોશનલ થઈ રહ્યા છે.
આ વાત છે રાજસ્થાનની. અહીંના કદાવર નેતા નંદલાલ મીણાનું નિધન થયું ત્યારે તેમની શોકસભામાં એક વૃદ્ધ આવ્યા હતા.
મિત્ર મીણા બીમાર હોવાની ખબર મળી હતી એટલે આ વૃદ્ધ આવ્યા હતા. જોકે અહીં આવી તેમને જાણ થઈ કે તેમનો બાળપણનો મિત્ર તો તેમને મળ્યા વિના જ દુનિયા છોડી ચાલ્યો ગયો. વૃદ્ધ માટે આ ઘડી ભારે વિહવળ હતી. તેઓ મિત્રના ફોટા સામે બેઠા, તેમને ફૂલ ચડાવ્યા અને પછી રડતી આંખે ત્યાથી નીકળી ગયા.
સાવ જ સૂકાયેલી કાયા અને લગભગ 80 વર્ષ કરતા પણ વધારે ઉંમરના લાગતા આ વૃદ્ધ સાથે એક પોટલું હતું અને એક કાળા કલરનું પાકિટ હતું. આ પાકિટમાં તેઓ પોતાના ખેતરમાં ઉગાડેલા ખીરા-કાકડી લાવ્યા હતા. તેમનું આ પાકિટ જોઈ લોકો ઈમોશનલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો…‘શ્યામ’ મળતો હોય તો સુદામા થવામાં પણ મજા છે