આ વીડિયો જોઈને તમે જ નક્કી કરો આમા માણસ કોણ અને જાનવર કોણ?
સ્પેશિયલ ફિચર્સ

આ વીડિયો જોઈને તમે જ નક્કી કરો આમા માણસ કોણ અને જાનવર કોણ?

માણસ તું માણસ થા તો પણ ઘણું, તેમ આપણે ઘણીવાર કહીએ છીએ અને વારંવાર સાબિત કરીએ છીએ કે આપણે પ્રાણીઓ કરતા પણ હલકા થઈ જઈએ છીએ. આવી ઘટના ફરી પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લામાં બની છે. અહીં એક હાથીને જે રીતે ટોળું હેરાન કરી રહ્યું છે તે જોતા ખરેખર આપણે જાનવરવૃત્તિ ધરાવતા હોઈએ, તેમ લાગે છે.

આવી હરકતોનો એક વીડિયો પણ બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈ નેટીઝન્સ ભારે નારાજ થયા છે. જો લોકો પ્રાણીઓને આ રીતે હેરાન કરે તો પછી પ્રાણીઓ અને માનવો વચ્ચે સંઘર્ષ કેમ ન થાય તેવો સવાલ પણ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક જંગલ વિસ્તારમાં એક ટોળું હાથીઓની આસપાસ છે. માત્ર સશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે એક 16-17 વર્ષનો છોકરો તેની પાસે પાછળથી જાય છે અને તેની પૂંછડી ખેંચે છે. હાથી થોડો અસ્થિર થઈ જાય છે અને ત્યાંથી ઉલટા પગે નીકળવાનું કરે છે ત્યારે આ ટોળાના લોકો હસી રહ્યા છે. બીજા એક ફૂટેજમા હાથી પર પથ્થરા ફેંકતા લોકો પણ દેખાઈ રહ્યા છે.

જેણે વીડિયો પોસ્ટ કર્યો છે તેમણે સવાલ કર્યો છે કે આ વીડિયોમાં બે હાથી છે અને લોકો તેને પરેશાન કરી રહ્યા છે. આમાં જંગલી કોણ છે?

એકવાર હાથી યાદ રાખી લેશે તો…
આ વીડિયો જોયા બાદ ઈન્ટરનેટ પર લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. લોકો વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ આ લોકો સામે સખત પગલા લેવાની માગણી કરી રહ્યા છે. એક નેટીઝને લખ્યું છે કે આ લોકોને હાથીની યાદશક્તિ વિશે માહિતી નથી. હાથી એકવાર કોઈને જોઈ લે તો તેને ભૂલતો નથી અને સારી કે ખરાબ વાત તે યાદ રાખે છે. પછી જ્યારે પેલી વ્યક્તિ તેની નજરની સામે આવે ત્યારે તે પોતાનો ભાગ ભજવી લે છે.

સ્થાનિકોનું કહેવાનું છે કે જંગલ વિસ્તાર ઓછો થતો જતો હોવાથી હાથીઓ અવાર નવાર દેખાતા રહે છે. આથી માત્ર આ ટોળું જ નહીં, પરંતુ સમગ્ર વ્યવસ્થા જંગલી પ્રાણીઓ વિરુદ્ધ છે, તેમના રક્ષણ માટેની આપણી જવાબદારી આપણે ચૂકી રહ્યા છીએ.

આ પણ વાંચો…હાથીઓની સૌથી વધુ વસતિ કયા દેશમાં? જાણો ભારત કયા સ્થાને છે આ યાદીમાં?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button