સ્પેશિયલ ફિચર્સ

વિક્રમ સંવત ૨૦૮૦, રાજકીય દાવપેચનું વરસ

વિજય વ્યાસ

આજે દિવાળી છે.
વિક્રમ સંવત ૨૦૭૯નો આજે છેલ્લો દિવસ છે, કાલે પડતર દિવસ છે ને મંગળવારથી વિક્રમ સંવતનું વર્ષ શરૂ થઈ રહ્યુ છે. વિશ્ર્વમાં એક મહાસત્તા તરીકે ઉભરી રહેલા ભારત માટે દરેક વર્ષ મહત્વનું જ હોય તેથી ૨૦૮૦નું વર્ષ પણ મહત્ત્વનું જ હોય પણ ૨૦૮૦નું વર્ષ એ રીતે વધારે મહત્વનું છે કે, આ વર્ષ ભારતમાં લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. ઈસવી સન પ્રમાણે આવતા વર્ષે એટલે કે ૨૦૨૪માં જ્યારે વિક્રમ સંવત પ્રમાણે આ વરસે એટલે કે બે દિવસ પછી શરૂ થનારા ૨૦૮૦ના વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારની બીજી ઈનિંગ્સના પાંચ વર્ષ પૂરાં થશે ને લોકસભાની ચૂંટણી થવાની છે.
કોઈ પણ દેશે પ્રગતિ કરવી હોય તો રાજકીય સ્થિરતા અનિવાર્ય છે. ભારતમાં છેલ્લા અઢી દાયકા રાજકીય સ્થિરતાના છે. પહેલાં અટલ બિહારી વાજપેયીનાં છ વર્ષનું શાસન, પછી ડો. મનમોહનસિંહનું ૧૦ વર્ષનું શાસન ને છલ્લાં ૧૦ વર્ષથી નરેન્દ્ર મોદીનું શાસન છે. વાજપેયી અને મનમોહનસિંહે તો સ્પષ્ટ બહુમતી વિનાની મોરચા સરકારો ચલાવી હતી જ્યારે મોદી પાસે તો લોકસભામાં સ્પષ્ટ બહુમતી છે.

ભાજપ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ અને ૨૦૧૯માં સંપૂર્ણ બહુમતીથી લોકસભાની ચૂંટણી જીત્યો તેથી છેલ્લો દાયકો ભારત માટે મજબૂત રાજકીય સ્થિરતાનો રહ્યો. વિક્રમ સંવત ૨૦૮૦ના વર્ષમાં આ રાજકીય સ્થિરતા જળવાશે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ર્ન છે કેમ કે વાજપેયી અને મનમોહનસિંહ બંનેના કિસ્સામાં સફળતાપૂર્વક બે ટર્મ પૂરી કર્યા પછીની ચૂંટણીમાં કારમી હાર મળી હતી. નરેન્દ્ર મોદીના કિસ્સામાં તેનું પુનરાવર્તન થાય છે કે પછી ૨૦૨૪માં પણ જીતીને હેટ-ટ્રિક કરે છે એ ૨૦૮૦નો સૌથી મોટો સવાલ છે.

મોદીના નેતૃત્વમાં ભાજપે ૨૦૧૪ અને ૨૦૧૯માં સંપૂર્ણ બહુમતીથી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. બંને ચૂંટણીમાં વેરવિખેર વિપક્ષો આ વખતે ઈન્ડિયા મોરચાના રૂપમાં ભાજપ સામે એક થયા છે. ભૂતકાળમાં ૧૯૭૭માં અને ૧૯૮૯માં તમામ વિપક્ષોએ એક થઈને કૉંગ્રેસ સામે મોરચો માંડ્યો ત્યારે કૉંગ્રેસે હારનો સામનો કરવો પડેલો. અત્યારે કૉંગ્રેસ પતી ગયેલી છે અને કૉંગ્રેસના સ્થાને ભાજપ છે ત્યારે ૧૯૭૭ અને ૧૯૮૯ની વિપક્ષી એકતાની ફોર્મ્યુલા ભાજપ સામે કામ કરે છે કે નહીં તેની કસોટી પણ વિક્રમ સંવત ૨૦૮૦ના વર્ષમાં થશે.

આ બધું તો વિક્રમ સંવત ૨૦૮૦ના મધ્યમાં થશે પણ એ પહેલાં ૨૦૮૦ની શરૂઆતમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવશે. આ પૈકી ચાર રાજ્યો અત્યંત મહત્ત્વનાં છે અને લોકસભાની ચૂંટણી પર આ ચાર રાજ્યોનાં પરિણામોની બહુ અસર પડશે તેથી વિક્રમ સંવત ૨૦૮૦ના વર્ષમાં જે પોલિટિકલ થ્રીલર જોવા મળવાની છે તેનું ટ્રેલર તો વિક્રમ સંવત ૨૦૮૦ના વર્ષમાં શરૂઆતમાં જ જોવા મળી જશે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા તથા મિઝોરમ એમ દેશનાં ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ૩ ડિસેમ્બરે જાહેર થવાનાં છે તેથી બરાબર ૨૦ દિવસ પછી ભારત અને ભારતીયો માટે વિક્રમ સંવત ૨૦૮૦ની પોલિટિકલ થ્રીલર શરૂ થઈ જશે.

ભાજપ અને ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયા બંને માટે આ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ મહત્ત્વનાં છે. આ પૈકી મિઝોરમ ટચૂકડું રાજ્ય છે પણ બાકીનાં ચાર રાજ્યો લોકસભાની ચૂંટણી માટે પણ મહત્વનાં છે. મધ્ય પ્રદેશમાં ૨૯, રાજસ્થાનમાં ૨૫, છત્તીસગઢમાં ૧૧ અને તેલંગણામાં ૧૭ મળીને લોકસભાની ૮૨ બેઠકો આ ચાર રાજ્યોમાં છે. ભાજપે ૨૦૧૯માં રાજસ્થાનમા ૨૫માંથી ૨૪, છત્તીસગઢમાં ૧૧માંથી ૯, મધ્ય પ્રદેશમાં ૨૯માંથી ૨૮ જ્યારે તેલંગણામાં ૧૭માંથી ૪ બેઠકો જીતી હતી. મતલબ કે, ભાજપે આ ચાર રાજ્યોની ૮૨ બેઠકોમાંથી ૬૫ બેઠકો જીતી હતી. ભાજપે ચાર રાજ્યોની ૮૦ ટકા બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો હતો. ૨૦૨૪માં ભાજપ માટે આ દેખાવનું પુનરાવર્તન કરવું પડકારરૂપ બનશે કે નહીં તેની ખબર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પરથી પડશે. વિપક્ષો માટે ને ખાસ તો કૉંગ્રેસ માટે આ ચૂંટણી અત્યંત મહત્વની છે કેમ કે ૨૦૧૮માં કૉંગ્રેસે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં પોતાની સરકારો રચી હતી. મધ્ય પ્રદેશમાં ભાજપે ખેલ પાડી દીધો તેથી તેની સરકાર ગઈ પણ બાકીનાં બે રાજ્યોમાં હજુય તેની સરકાર છે.

કૉંગ્રેસ માટે એક સારો સંકેત એ છે કે, છ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે કર્ણાટક ફરી કબજે કર્યું છે. ભાજપને કારમી પછડાટ આપીને કૉંગ્રેસે કર્ણાટકમાં પોતાની સરકાર રચતાં દક્ષિણના બીજા રાજ્ય તેલંગણમાં પણ પોતાની સરકાર રચવાનો થનગનાટ છે. તેલંગણામાં કે.સી. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ને ઉખાડવા ભાજપ ક્યારનો મથે છે પણ ફાવતો નથી ત્યારે કૉંગ્રેસ ફાવે એવા સંકેત છે.

કેસીઆરની રાષ્ટ્રીય સ્તરે ચમકવાની મહત્ત્વાકાંક્ષા સળવળતાં તેમણે પોતાની પાર્ટીને તેલંગણા રાષ્ટ્ર સમિતિ(બીઆરએસ)માંથી ભારત રાષ્ટ્રીય સમિતિ (બીઆરએસ) કરી નાંખી છે. તેલંગણામાં ત્રીજી વાર ભવ્ય જીત હાંસલ કરી ખુદને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા ઈચ્છે છે. સામે કૉંગ્રેસ કેસીઆર પરિવારના ભ્રષ્ટાચાર અને સગાવાદને મુદ્દો બનાવીને પહેલી વાર સત્તા હાંસલ કરવા માગે છે. કૉંગ્રેસ તેલંગણા કે. ચંદ્રશેખર રાવના હાથમાંથી આંચકી લેવામાં સફળ થાય તો એ બહુ મોટી વાત કહેવાય ને લોકસભામાં કૉંગ્રેસ માટે જોરદાર ફાઈટનો તખ્તો તૈયાર થઈ જશે.

કૉંગ્રેસ અને બીજા ભાજપ વિરોધી પક્ષો માટે મહત્ત્વનાં રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ છે કેમ કે ભાજપને હરાવવો હોય તો આ રાજ્યોમાં તેનો સફાયો કરવો પડે. આ સફાયો કરવામાં બીજા પક્ષોની કોઈ ભૂમિકા નથી તેથી કૉંગ્રેસે જ તાકાત બતાવવી પડે કેમ કે રાજસ્થાન અને છત્તીસગઢ એ બે રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર છે. કૉંગ્રેસનું નામું સાવ નંખાઈ નથી ગયું ને કૉંગ્રેસ હજુય ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે એ સાબિત કરવા કૉંગ્રેસે બંને રાજ્યોમાં સત્તા જાળવવી જરૂરી છે. કૉંગ્રેસ તેમાં સફળ થશે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત પડકાર બનીને ઉભરશે.

કૉંગ્રેસ માટે સારો સંકેત એ છે કે, રાજસ્થાન અને છત્તીસગઢ પૈકી છત્તીસગઢમાં કૉંગ્રેસ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે જ્યારે રાજસ્થાનમાં ભાજપ હાવી થઈ જાય એવા સંકેત છે. તેના બદલામાં કૉંગ્રેસ મધ્ય પ્રદેશમાં ભાજપને હરાવી શકે એવી સ્થિતીમાં છે તેથી રાજસ્થાન ભાજપના હાથમાંથી જાય તો પણ કૉંગ્રેસ મધ્ય પ્રદેશનો ગઢ પાછો મેળવીને હિસાબ સરભર રાખી શકે છે.

છત્તીસગઢમાં કૉંગ્રેસના ભૂપેશ બઘેલ ધાર્યા કરતાં વધારે શક્તિશાળી સાબિત થયા પછી કેન્દ્ર સરકારે મહાદેવ એપના કૌભાંડના બહાને તેમને ભિડાવવાનો પ્રયત્ન કર્યો છે. તેની કેટલી અસર થશે એ ખબર નથી પણ બઘેલ સત્તા જાળવે એવી પબરી શક્યતા છે. બઘેલે ગાયના ગોબરને મહત્ત્વ આપવા સહિતનાં હિંદુત્વ કાર્ડ ખેલીને ભાજપના પ્રભાવને ખાળ્યો છે તેથી એ ફરી સત્તામાં આવી શકે છે.

રાજસ્થાનમાં અશોક ગેહલોતે ભાજપ સામે ઝીંક ઝીલીને અને સચિન પાયલોટના બળવાને દબાવીને કૉંગ્રેસનો ગઢ સાચવ્યો છે. ગેહલોત સામે પણ કેન્દ્રીય એજન્સીઓ ખાઈખપૂચીને પડી ગઈ છે પણ ગેહલોત મચક આપી રહ્યા નથી. અલબત્ત રાજસ્થાનમાં છેલ્લા કેટલાકં વરસોથી પાંચ વરસે સરકાર બદલાઈ જાય છે તેથી ભાજપને ગેહલોતને હરાવવાનો વિશ્ર્વાસ છે પણ ગેહલોત હારી જ જશે એવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી.

મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાને કમલનાથ રોકી નહોતા શક્યા તેથી કૉંગ્રેસે સત્તા ગુમાવી પણ કમલનાથે હતાશ થયા વિના જંગ ચાલુ રાખ્યો તેમાં કૉંગ્રેસ ભાજપને જોરદાર ટક્કર આપી રહી છે. કમલનાથે કેન્દ્રીય નેતાઓને મધ્ય પ્રદેશથી દૂર રાખ્યા છે અને કૉંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપને ધોવામાં પણ સફળતા મેળવી છે તેથી મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ જીતી શકે છે.

કૉંગ્રેસ જીતશે તો ઈન્ડિયા મોરચો મજબૂત થશે એ કહેવાની જરૂર નથી. તેના કારણે ભાજપ પર દબાણ વધશે અને લોકસભાની ચૂંટણીમાં ભાજપે નવી વ્યૂહરચના વિચારવી પડશે. ૨૦૧૮માં કૉંગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી જીતી હતી. ભાજપ એ વખતે ચેતી ગયેલો અને ૨૦૧૯ની શરૂઆતમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરીને દેશભરમાં દેશપ્રેમનો જુવાળ પેદા કરીને કૉંગ્રેસને ધોબીપછાડ આપેલી.

આ દેશપ્રેમના જુવાળના જોરે ૨૦૧૯ની લોકસભામાં ભાજપે ત્રણેય રાજ્યોમાં કૉંગ્રેસનાં સૂપડા સાફ કરી નાખેલાં. આ ત્રણ રાજ્યોની ૬૫ લોકસભા બેઠકોમાંથી સત્તાધારી કૉંગ્રેસને ફાળે ગણીને ત્રણ બેઠકો ગયેલી જ્યારે ભાજપે ૬૨ બેઠકો જીતી હતી.

વિક્રમ સંવત ૨૦૮૦ની શરૂઆતમાં જ આવનારાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોના કારણે આ વખતે પણ મોદી સરકાર કોઈ મોટું પગલું ભરે એવી શક્યતા નકારી ના શકાય. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને ભારતમાં ભેળવવા આક્રમણ પણ થઈ શકે ને બીજાં પગલાં પણ લેવાઈ શકે.

જોઈએ ૨૦૮૦ના વર્ષમાં શું થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button