સ્પેશિયલ ફિચર્સ

વેર-વિખેર – પ્રકરણ-૬૧

પ્રેમમાં પડવા માટે હૃદયની જરૂર પડે, પણ સંબંધ આપણા યોગ્ય છે કે નહીં એ સમજવા દિમાગની મદદ લેવી પડે…

કિરણ રાયવડેરા

‘ગુડ, ઇન્સ્પેક્ટર, હવે તમારી કિંમત બોલો…’ વિક્રમ હવે મૂડમાં આવી ગયો હતો. ગુનો કરનારને લોભિયા ઇન્સ્પેક્ટર મળી જાય તો કેવો ગેલમાં આવી જાય!

‘સાહેબે, કિંમત તો ક્રાઇમ પ્રમાણે નક્કી થાય. એમાંય તમારો ગુનો એક વારનો નથી. તમે તો વારંવાર એ મકાનમાં જતા આવતા રહેવાના. ક્રાઇમ ચાલુ રહે તો કિંમત પણ ચાલુ રહે…’

ઓહ, તો આ ઇન્સ્પેક્ટર લાલચુ પણ છે. વિક્રમને ગુસ્સો ચડ્યો. આ માણસ પોતાની જાતને શું સમજે છે એવો વિચાર પણ આવી ગયો પણ તુરત જ એણે પોતાના પર કાબૂ મેળવી લીધો.
‘ઇન્સ્પેક્ટર, જો હું તમારી કિંમત ન ચૂકવું તો? તો તમે શું કરો?’

‘મને ખાતરી છે કે તમે એવી ભૂલ નહીં કરો. લિફ્ટમેન અને દરવાન બંને તમને ઓળખી લેશે. જગમોહન દીવાન એક અત્યંત પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એમની આબરૂ કેટલી કીમતી છે એ મારે તમને સમજાવવાની જરૂર ન હોય. અને હા, મારી સાથે સોદો કરીને તમે ફાયદામાં જ રહેશો. તમને ઉપયોગી નીવડે એવી એક ઇન્ફોર્મેશન તમને આપી શકું છું.’

ઇન્સ્પેક્ટર પ્રમાણિક ચાલાક છે, વિક્રમના ચહેરા પર સ્મિત ફરકવા માંડ્યું હતું.

‘ઓ.કે. ઇન્સ્પેક્ટર, તમને નિયમિતપણે તમારી કિંમત મળી જશે. બે શરત છે: એક તો બીજી વાર મારા ઘરે પગ નહીં મૂકતા અને બીજી શરત એ કે તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ તમારે મને હમણાં જ કહેવાની…’

‘કબૂલ, મિ. દીવાન, તમે ચેતીને ચાલજો. એ મકાનમાં જ એ ફ્લેટની મુલાકાત લેનાર તમે એકલા નથી…’

વિક્રમ સ્તબ્ધ થઈ ગયો.

‘તમને વિશ્વાસ નથી આવતો ને, મિ. દીવાન? આજે જ મને મારા એક ઇન્સ્પેક્ટર મિત્રએ ખબર આપ્યા કે શ્યામલી ચક્રવર્તીને મળવા એક દાઢીવાળી વ્યક્તિ આવી હતી. મારા મિત્રએ તપાસ કરીને જાણી લીધું છે કે તમારા ઉપરાંત એ દાઢીવાળો માણસ શ્યામલી ચક્રવર્તીને મળવા લગભગ રોજ આવે છે.’

વિક્રમને લાગ્યું એને ચક્કર આવી જશે. શ્યામલીના ઘરની બહાર એક દાઢીવાળો એની સાથે અથડાયો હતો એ એને યાદ આવી ગયું.

તો શું શ્યામલી એની સામે ખોટું બોલતી હતી? એ દાઢીવાળો શ્યામલીનો સાગરીત હતો કે પછી એનો પતિ?

શું બંને મળીને મને છેતરે છે?

‘ઇન્સ્પેક્ટર, તમે આટલી ઇન્ફોર્મેશન આપી છે તો મારું વધુ એક કામ કરી આપો. રૂપિયાની ચિંતા નહીં કરતા. તમે ધાર્યું હશે એના કરતાં તમને વધુ જ મળશે.. તમે તમારા માણસને એ દાઢીવાળા પાછળ લગાડીને એ કોણ છે અને શ્યામલી સાથે એનો શું સંબંધ છે એની રજેરજની માહિતી મને આપો. તમે નુકસાનમાં નહીં રહો, ઇન્સ્પેક્ટર.’

‘અરે હવે ફાયદા-નુકસાનની કોને ચિંતા છે… તમે સાથે છો તો ફાયદો જ છે. તમે ફિકર નહીં કરો, એ દાઢીવાળા વિશે બધી, ઇન્ફોર્મેશન હું તમને ટૂંક સમયમાં આપીશ… હા, પણ એક વણગામી સલાહ આપીશ…’

‘બોલો, ઇન્સ્પેક્ટર, ફરમાવો.’

‘સાહેબ, બેઝિકલી તમે એક સારા માણસ છો. તમારા પત્ની પણ ભલી સ્ત્રી દેખાય છે તો આ પરાઈ બાઈના ચક્કરમાંથી નીકળી જાઓ તો સારું… આ લાઇનમાં કોઈનું ભલું થયું નથી.’

વિક્રમને લાગ્યું કે આજકાલ ગમે તે લોકો સલાહનો લાફો મારી જાય છે.


‘રૂપા, આ છે ગાયત્રી, ગાયત્રી મહાજન. બહુ જ ટેલેન્ટેડ અને સમજુ છોકરી છે.’ કરણે રૂપા સાથે ગાયત્રીનો પરિચય કરાવતાં કહ્યું.

‘હાય…’ રૂપાએ હાથ લંબાવ્યો.

‘હાય…’ ગાયત્રીએ ઉષ્માભેર રૂપાનો હાથ દબાવ્યો.

રૂપાના હસ્તધૂનનમાં ગર્મજોશીનો, ઉમળકાનો અભાવ હતો એવું ગાયત્રીને લાગ્યું.

ગઈકાલ રાતથી જે ઝડપથી દીવાન પરિવારમાં બધું બનતું રહ્યું એનાથી ગાયત્રી થોડી થાકી ગઈ હતી. ગઈકાલે ઘરમાં અચાનક પોલીસ આવી ચડી ત્યારે જગમોહનના વલણથી ગાયત્રી થોડી નિરાશ થઈ ગઈ હતી.

જગમોહન ધારત તો વિક્રમનો પક્ષ લઈ શકત. ગાયત્રીને લાગ્યું કે જગમોહનનો અભિગમ વ્યવહારુ ન હતો. જડ જેવા સૈદ્ધાંતિક વલણથી આપણા જ માણસો આપણાથી વિમુખ થઈ જાય, એવું એ માનતી હતી. દીવાન પરિવારમાં પણ એવું જ બન્યું.

વિક્રમ અને જગમોહન વચ્ચે એક ઊભી તિરાડ ખેંચાઈ ગઈ હતી.

ડાઈનિંગ ટેબલ પર પણ પોતાનો જે રીતે જગમોહને પરિચય કરાવ્યો એ ગાયત્રીને રૂચ્યું નહોતું. કોઈ પણ કુટુંબમાં અચાનક કોઈ આગંતુકને ઘરની વ્યક્તિ તરીકે બેસાડવામાં આવે તો પ્રતીકારની લાગણી જન્મે એ સ્વાભાવિક હતું.

ગાયત્રીને લાગ્યું કે એક યા બીજા કારણે દરેકના મનમાં જગમોહન પ્રત્યે ફરિયાદ હતી, દરેક માણસ એક યા બીજી રીતે જગમોહનથી દુભાયેલો હતો.

પ્રભાવથી લઈને રેવતી સુધી દરેકને જગમોહન વિરુદ્ધ કંઈક કહેવું હતું. સહાનુભૂતિ ધરાવનાર શ્રોતા મળે કે દરેક જણ બોલવાનું શરૂ કરી દે એટલી હદ સુધી ગળે આવી ગયાં હતાં.

આ વાતાવરણમાં મારે મારું સ્થાન બનાવવું હશે તો જગમોહનની પડખે રહીને નહીં પણ એનાથી દૂર રહીને જ બનાવવું પડશે. ગાયત્રી વિચારતી હતી.

ગઈકાલ રાતથી કરણ એની પાછળ પડ્યો હતો કે મારી મિત્રને મળો.

આજે સવારના એને મળ્યાં તો એવું લાગતું હતું જાણે રૂપાને એને મળવામાં રસ ન હોય.

‘કેમ કરણ, આજકાલ ફોન નથી કરતો? નારાજ છો કે શું?’ રૂપાએ ફરિયાદ કરી, પછી ધીમેથી ઉમેર્યું, ‘કે પછી મારાથી વધુ સુંદર કોઈ મિત્ર મળી ગઈ?’

ગાયત્રી સમસમી ગઈ.

કરણે આ છોકરીમાં શું ભાળ્યું હશે, એ વિચારતી હતી.

‘ના, એવું નથી રૂપા, આજકાલ ગાયત્રી અમારે ત્યાં રહેવા આવી છે એટલે સમય નથી મળતો…’ કરણને લાગ્યું એને બચાવ કરવાની કોઈ જરૂર નહોતી. રૂપાના પ્રશ્નથી ગાયત્રીને ખરાબ લાગી શકે કદાચ.

‘ઓહ, ગ્રેટ, ગાયત્રી હવે તારે ત્યાં જ છે તો આ રવિવારે અમારો ફેશન શો છે તો એને લઈને આવજે ને… ગાયત્રી, પ્લીઝ યુ કમ, મઝા પડશે. કરણ, હું કૈલાશને કહી દઈશ તને બે કાર્ડ્સ પહોંચતાં કરે…’

એક મિનિટ પણ નથી થઈ અને કૈલાશનું નામ આવી ગયું, કરણે વિચાર્યું.

‘તમે ફેશન શોમાં ભાગ લો છો?’ ગાયત્રીએ પૂછ્યું.

‘હા, યુ સી મને મોડેલ બનવાની ખૂબ જ ઇચ્છા છે. એક વાર આ લાઇનમાં સફળ થઈ જવાય કે પૈસા જ પૈસા છે, આખો દિવસ પાર્ટી, ફરવાનું, ખાવાનું, પીવાનું… તમે કેમ ટ્રાય નથી કરતાં? તમે પણ બ્યુટીફૂલ છો!’ રૂપાએ સૂચન કર્યું.

‘નો થેન્કસ, મને આ ક્ષેત્રમાં રસ નથી.’ ગાયત્રીએ હસીને વાત ઉડાવી દીધી.

‘રૂપા, ગાયત્રી, સાઇકીયાટ્રિસ્ટ બનવાની છે. એ તો ખૂબ જ હોશિયાર છે.’ કરણે પોરસતાં કહ્યું. ગાયત્રીને હસવું આવી ગયું. હવે રૂપા સામે પણ એ વિલન થઈ જશે.

‘હોશિયાર તો હશે જ… એટલે જ તારા ઘરમાં રહે છે. બાકી સાઇકીયાટ્રિસ્ટ એટલે શું? ગાંડાઓને ઠીક કરે એ જ ને?’ રૂપાના અવાજમાં અજ્ઞાન હતું કે તુચ્છકાર એ કરણ ન સમજી શક્યો.
ગાયત્રી હસી પડી, ‘ના રૂપા, એવું નથી. કોઈ વાર નિરાંતે બેસશું ત્યારે સમજાવીશ.’ પછી કરણ તરફ ફરીને કહ્યું: ‘ચાલ કરણ, હવે નીકળશું? મારે બીજું કામ છે.’

કરણ સમજી ગયો કે ગાયત્રીને ગમતું નથી.

‘યસ… યસ… ગાયત્રી, લેટ અસ ગો…’ બંને રૂપાને બાય કરીને નીકળી ગયાં.

‘ગાયત્રી, શું થયું? માઠું લાગ્યું?’ રૂપાથી દૂર ગયા બાદ કરણે પૂછી નાખ્યું.

‘ના… ના મને કોઈની બેવકૂફીથી દુ:ખ ન લાગે, હા, ઇરાદાપૂર્વકના કૃત્યથી મને તકલીફ જરૂર થાય.’ ગાયત્રીએ જવાબ આપ્યો.

‘તું રૂપાના વર્તનથી નારાજ તો જરૂર થઈ હોઈશ?’ કરણે બીનો પ્રશ્ન પૂછી નાખ્યો.

‘કરણ, મને એ નથી સમજાતું કે છોકરીઓની બાબતમાં છોકરાઓ આટલા બેવકૂફ કેમ હોય છે? કરણ, તું સીધો અને સરળ છો. શ્રીમંત ખાનદાનનો દીકરો હોવા છતાં વધુ છોકરીઓના સંપર્કમાં આવ્યો નથી. તું કદાચ છોકરીઓથી દૂર ભાગતો રહ્યો હોય એવું પણ બની શકે… આ સંજોગોમાં રૂપા સાથે આકસ્મિક રીતે મેળાપ થઈ ગયો અને તારા જીવનમાં પ્રવેશેલી પહેલી છોકરીના ગળાડૂબ પ્રેમમાં તું પડી ગયો.’

કરણ ગાયત્રીની વાત તન્મયતાથી સાંભળતો રહ્યો. આ છોકરી જ્યોતિષ તો નથી ને… એવો એક પશ્ન પણ એના મનમાં ઉદ્ભવ્યો.

‘કરણ, હવે એના પ્રેમમાં પડ્યા બાદ તને એમ જ લાગે છે કે દુનિયામાં રૂપા સિવાય બીજી સારી છોકરી હોઈ જ ન શકે. ધીરે ધીરે તને તારી પસંદગી પર શંકા થવા માંડે પણ એની સાથેના સંબંધમાંથી નીકળી જવાની નૈતિક હિંમતના અભાવને કારણે તું સંબંધ તોડી ન શકે… એટલે છેવટે તને મનમાં ઊંડે ઊંડે રૂપા તારે લાયક નથી એ ખબર હોવા છતાં, બીજો કોઈ વિકલ્પ નથી એમ માનીને સંબંધને વેંઢારતો રહે છે.’

‘બાપ રે, ગાયત્રી, તું તો સાચે જ સાઇકીયાટ્રિસ્ટ છે. હવે સમજાય છે મારા પપ્પા તારાથી આટલા પ્રભાવિત કેમ છે. હવે મને સમજાવ મારે શું કરવું?’ કરણે પ્રશ્ન કર્યો.

‘રૂપા તારે લાયક નથી. કરણ, તું એની સાથે લગ્ન કરીને કદી સુખી નહીં થઈ શકે એવું મારું માનવું છે. તું પણ આ વાત જાણે છે. તારું માઇન્ડ એને સ્વીકારતું નથી પણ તારું હૃદય એને છોડવા તૈયાર નથી. કરણ, પ્રેમમાં પડવા માટે હૃદયની જરૂર પડે, પણ સંબંધ આપણા યોગ્ય છે કે નહીં એ સમજવા દિમાગની મદદ લેવી પડે.’

કરણ ચૂપ રહ્યો.

ગાયત્રીને લાગ્યું કે કરણને ખરાબ લાગી ગયું છે. બાપ-દીકરો બંને સરખખા છે. બંને જ્યારે એક યા બીજી રીતે ‘આત્મહત્યા’ કરવાનું વિચારે છે ત્યારે એમને પાછા વાળવા મુશ્કેલ થઈ જાય છે.
મેટ્રોના પાટા પરથી કોઈને વાળવો સરળ છે, પણ છોકરીના સકંજામાંથી કોઈને પાછો વાળવો વધુ મુશ્કેલ છે.

‘ગાયત્રી, રૂપા સાથે લગ્ન કરીને સુખી થવાશે એવી કોઈ ખાતરી નથી. પણ એને નહીં પામી શકું તો બરબાદ થઈ જઈશ એવો ભય છે… એના વગરનું જીવન શું કલ્પી નથી શકતો…’

ગાયત્રીને લાગ્યું કે બાપ કરતાં દીકરો વધુ જિદ્દી નીવડશે, કદાચ વધુ બેવકૂફ પણ.

‘ગાયત્રી, તારે એક ફેવર કરવાની. તું મારા પપ્પાને રૂપા વિશે સમજાવજે. એ તારી વાત નહીં ટાળી શકે…’

‘અને કાકુ ન માને તો?’

‘તો પછી મારી રીતે હું રસ્તો કરીશ.’ કરણે વિચારીને જવાબ આપ્યો.


જગમોહનને લાગ્યું એણે વિક્રમ પ્રત્યે આટલા રુક્ષ થવાની જરૂર નહોતી. વિક્રમની અપેક્ષા હતી કે એના પપ્પા એનો પક્ષ લેશે, દરેક પુત્રની એવી ઇચ્છા હોય કે એના પિતા એને બચાવી લે. જગમોહનને અફસોસ થતો હતો. ઘણી વાર એ ઉતાવળે નિર્ણય લઈ લે છે અને ભૂલ કરી બેસે છે. પ્રભા પણ નારાજ છે પણ પત્નીની નારાજગીનું કારણ ગાયત્રી છે. જગમોહન વિચારતો હતો.

પણ વિક્રમ પાર્ક સર્કસના એ મકાનમાં શા માટે જાય? એવો પ્રશ્ન જગમોહનને થયો.

વિક્રમે આક્ષેપને રદિયો આપ્યો પણ જગમોહનને લાગ્યું કે વિક્રમનો બચાવ પાંગળો હતો.
ત્યાં જ જગમોહનનો સેલ રણકી ઊઠ્યો.

‘હા, કબીર, બોલ… શું ખબર છે?’ કબીરનું નામ વાંચીને જગમોહને સીધી વાતચીતની શરૂઆત કરી.

‘બે ખબર આપવાના છે, જગ્ગે!’

‘પહેલી ખબર એ કે તારા મોટા પુત્રનાં લક્ષણ કંઈ સારાં દેખાતાં નથી, એના પર નજર રાખજે. એ કોઈ મુસીબતમાં મુકાઈ શકે તેમ છે. વધુ વિગત હું પછી આપીશ…’

‘અને બીજી ખબર?’ જગમોહને પૂછ્યું. આ પોલીસવાળાની દોસ્તી હોય એટલે ગમે ત્યારે આવા સમાચાર/ઇન્ફોર્મેશનની તૈયારી રાખવી પડે.

‘બીજી ખબર એ કે તારા દુશ્મનોની હિલચાલ વધી ગઈ છે. મારી પાસે વધુ ઇન્ફોર્મેશન નથી પણ એટલી ખબર પડી છે કે એ લોકો એક-બે દિવસમાં કંઈક કરવાના છે એટલે ચેતતો રહેજે.’

‘કબીર, એક વાત કહું?’

‘હં… બોલને…!’

‘કબીર, હવે મળવાની ઇચ્છા થાય છે… એક વાર અહીં આવી જાને… એક વાર તું આવી જઈશ પછી હું વધુ સલામતી પણ અનુભવી શકીશ. પછી મારા વતી તું ચેતતો રહેજે…’

‘ઓ.કે. ડન… હું બે-ત્રણ દિવસમાં કોલકાતા આવીશ…’

‘થેન્કયુ, યાદ છે ને કબીર… મળીએ ત્યારે ધૂમ પીને ધમાલ મચાવવાની વાત યાદ છે ને?’

‘યસ, ડીયર, હવે મને વધુ ઇમોશનલ ન બનાવ…’ કબીરે લાઇન મૂકી દીધી.

પણ માણસ ધારે છે કંઈક અને થાય છે કંઈક…! (ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે…