મેટિનીસ્પેશિયલ ફિચર્સ

વેર- વિખેર -પ્રકરણ -૮૪

પેલા ખૂનીને મીટિંગમાં બોલાવ્યો છે કે નહીં? જેને કોઈ ન પહોંચે એને એનું ખૂન નહીં, ખૂની જ પહોંચે…!

કિરણ રાયવડેરા

‘કાકુ, વિક્રમ કે કરણને તમે કંઈ ન આપો એ સમજી શકાય છે, પણ રેવતીબહેનને ખાલી હાથે પાછાં મોકલ્યાં એ સારું ન કર્યું. એમનો શું વાંક હતો?’

‘હા પણ મારા લબાડ જમાઈએ એને સમજાવી-ધમકાવીનીને મોકલી હતી. રેવતીએ હવે તો સમજવું જોઈએ કે આવા વર સાથે રહેવું એના કરતાં એકલા રહેવું સારું.’

‘શું કાકુ, તમે પણ…જિંદગીમાં કોઈ પણ સંબંધનો વિચ્છેદ ઉતાવળે ન કરી શકાય. પૈસા દેવાથી દીકરી-જમાઈ વચ્ચે સંબંધ ટકતો હોય તો તમને શું ફરક પડે છે? દેવાથી તમારી દોલત ઘટવાની નહોતી, ઊલટું, એમના વચ્ચે સંબંધ વધવાનો છે…. તો પછી શું વાંધો હતો?’

| Read More: વેર- વિખેર -પ્રકરણ -૮૩

જગમોહન ચૂપ રહ્યો.

‘કાકુ, હજી પણ તમે પ્રેક્ટિકલ થતા નથી, દુનિયા આખી આપણા નિયમો અને સિદ્ધાંતો પર ન ચાલે. તમારું ચાલે તો ચંદ્ર અને સૂર્યને પણ તમારા નિયમ પ્રમાણે ઊગવાનું કહો.’

જગમોહન જવાબ આપી ન શક્યો.

‘કાકુ, દરેકનું પોતાનું જીવન છે. શ્રીમંત બાપના દીકરા હોય એટલે સંતાનોને સામાન્ય બાળકો કરતાં જુદી અપેક્ષા હોય. જમાઈ પણ એમ જ વિચારતા હોય કે મારી વિપરીત પરિસ્થિતિમાં મારા સસરા પડખે ન ઊભા રહે તો કોણ ઊભું રહે? એ લોકો કેટલા સાચા કે ખોટાં એનું હંમેશાં મૂલ્યાંકન કરવાની જરૂર નથી.’

‘પણ ગાયત્રી, પૈસા ઝાડ પર ઊગતા નથી કે ખંખેરો એટલે ટપકવા માંડે.’

‘કોઈ એમ નથી કહેતું કાકુ, કે પૈસા એટલા સહેલાઈથી મળી જાય. મારું તો એમ કહેવું છે કે બેન્ક લોનની અરજી ફગાવી દે એમ એક બાપ એના સંતાનોની માંગણીને ઠુકરાવી ન શકે. તમે વિચારી જોજો.
એમની સાથે પ્રેમથી કામ લીધું હોત તો પ્રેમ પણ ટકત અને એટલા રૂપિયા પણ ન આપવા પડત.’

જગમોહનન વિચારમાં પડી ગયો.એને લાગ્યું કે ગાયત્રીની વાત સાચી છે.

‘પણ ગાયત્રી, આપણી આજુબાજુ આટલો બધો સ્વાર્થ જોઈને મન ખાટું થઈ જાય છે. એવું લાગે છે કે મારી પાસે પૈસો ન હોત તો કોઈ મને બોલાવત જ નહીં. એવું લાગે છે જાણે પૈસો જ મારો દુશ્મન બની બેઠો છે.’ જગમોહને હતાશ સ્વરે કહ્યું.

‘પિતા સાધનસંપન્ન હોય તો બધા આશા તો રાખે ને… અને કાકુ, આપણે બધા ઓછે-વત્તે અંશે સ્વાર્થી હોઈએ છીએ. એ લોકોના સ્વાર્થ તમને નજર પડે છે કેમ કે એ લોકો તમારી પાસેથી કંઈ માગવા આવ્યા હતા. ઘણી વાર સંબંધ સાચવવાનો થોડો સ્વાર્થ ચલાવવો પડે અને આંખ આડા કાન કરવા પડે. જો આવું ન કરીએ તો દુનિયામાં આપણે એકદમ એકલા પડી જઈએ.’

| Read More: વેર- વિખેર -પ્રકરણ -૮૧

‘ગાયત્રી, કંઈ સમજાતું નથી. મને તો એવું લાગે છે કે જાણે બધાં મારી પાસે કંઈ લેવા આવે છે. હું કોઈની પાસે કંઈ મેળવી નથી શકતો.’

‘કાકુ, તમારે તો ભગવાનનો પાડ માનવો વોઈએ કે એણે તમને બધાને દઈ શકો એટલા સક્ષમ બનાવ્યા અને આપણે ક્યાં બધું લૂંટાવી દેવું છે…? પ્રેમથી માથે હાથ ફેરવીને એમને સાચવી લેવાનાં છે.’
‘તો હવે હું શું કરું, ગાયત્રી?૩૯; તું ઇચ્છે છે કે એમને પાછા બોલાવું?’ જગમોહનને હથિયાર હેઠાં મૂકી દીધાં.

‘પહેલાં દીકરાને બોલાવીને એને સમજાવજો. જતીનકુમારને તો થોડા ઘણા મળી જશે તો પણ સંતોષ માની લેશે.’

‘ઠીક છે ગાયત્રી, તારી વાત પર વિચારીશ. હા, પણ તું શા માટે આવી હતી એ તો પૂછતાં જ ભૂલી ગયો.’ જગમોહને પૂછ્યું.

‘હું પણ રૂપિયા જ માંગવા આવી હતી.’ કહીને ગાયત્રી ખડખડાટ હસી પડી.

જગમોહનને લાગ્યું કે ગાયત્રીના એ ખડખડાટ હાસ્ય એ એની હતાશા અને નિરાશાની લાગણીને દૂર કરી દીધી હતી.ઘરમાં કોઈ આવું હસવાવાળું હોય તો જિંદગી સામે કોઈ ફરિયાદ જ ન રહે.
એ જ ક્ષણે જગમોહનનો મોબાઈલ રણકી ઊઠ્યો.

જગમોહને ‘હલ્લો’; કર્યું અને સામે છેડે કોઈ હસવા લાગ્યું. એ અટ્ટહાસ્ય ભયંકર હતું.


કુમારે હાથમાં રિવોલ્વરને રમાડી.

હવે મઝા આવશે, રામપૂરી ચાકુ વિશે તો વિક્રમને ખબર છે. આ રિવોલ્વર વિશે તો કોઈને ખબર નથી.

એને આશ્ચર્ય થયું કે શ્યામલીના ફ્લેટ પર કોઈએ એને જોયો નહીં. વહેલી સવારના ઊઠીને એ સીધો ફ્લેટ પર પહોંચી ગયો હતો. એની ધારણા મુજબ મકાનની બહાર પોલીસ નહોતી. શ્યામલી મરી ગઈ હતી અને પોલીસ હવે એના મૃત્યુને અકસ્માતનું નામ આપીને ફાઈલ બંધ કરી દેશે.

પછી પોલીસ બંદોબસ્તની શું જરૂર?

એણે ડુપ્લિકેટ ચાવીથી શ્યામલીનો ફ્લેટ ખોલ્યો.

ફ્લેટમાં દાખલ થતાં જ મન ગમગીન થઈ ગયું. કબાટમાંથી રૂપિયા કાઢી એ તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયો.

પિસ્તોલ ખરીદવું તો સરળ કાર્ય હતું. એક જૂના મિત્રને ફોન કરતાં એણે મોમિનપુરમાં રહેતા એક માણસનું નામ સૂચવ્યું. એક કલાકમાં તો એના હાથમાં પિસ્તોલ આવી ગઈ હતી. પૈસા આપો તો કોઈ પ્રશ્ન પણ નથી પૂછતું.

હવે એના ગેસ્ટહાઉસની રૂમમાં બેસીને એ સવા લાખની રિવોલ્વરને તપાસી રહ્યો હતો. એણે રિવોલ્વરમાં ગોળી ભરવાનું શરૂ કરી દીધું.


| Read More: વેર- વિખેર -પ્રકરણ -૮૦


આજે છેલ્લો દિવસ… આજ પછી એ કદી કોલકાતા પાછો નહીં ફરે.

એ જ પળે ગેસ્ટહાઉસની સામે ચા પીતો માણસ એના મોબાઈલમાં કહી રહ્યો હતો:

‘સર, આજે આ કબૂતર સમડી થઈ ગયું છે… ગઈ કાલે એણે ચાકુ ખરીધું. આજે એણે રિવોલ્વર ખરીદી છે…. હવે મારા શું કરવાનું છે એ કહો…’


બીજા દિવસે દીવાન પરિવારમાં રાબેતા મુજબની સવાર પડી પણ એવું લાગતું હતું કે કોઈ કોઈની સાથે વાત નહોતું કરતું. બધાં ચૂપચાપ પોતાનું કામ કર્યે જતાં હતાં.

જગમોહન સાથે વાત કરવાનું પ્રભાએ ટાળ્યું હતું. એ દીકરીને સમજાવીને મોડી રાતે રૂમમાં આવી ત્યારે જગમોહન જાગતો હતો પણ જાણે ઊંઘમાં હોય એવો ડોળ કરતો રહ્યો.
જગમોહને બુમ મારી લખુકાકાને બોલાવીને કહ્યું: ‘રેવતીને બોલાવો.’ થોડી વારમાં લખુકાકા પાછા ફર્યા.

‘રેવતીબહેન કહે છે કે એમને આવતાં મોડું થશે.’ આટલું કહીને લખુકાકા માથું ઝુકાવીને ઊભા રહ્યા.

‘શું થયું, કાકા? જગમોહને પૂછ્યું.

‘ભાઈ, જમાઈબાબુ કહે છે કે કહી દો કે તમારી દીકરી હવે કોઈ દિવસ તમને મળવા નહીં આવે.’

‘ઠીક છે, લખુકાકા, તમે જાઓ.૩૯;
લખુકાકાની વિદાય બાદ જગમોહને સામેથી રેવતી પાસે જવાનું વિચાર્યું પણ પછી વિચાર માંડી વાળ્યો. હમણાં જમાઈને જેમ તેમ કહેવાનો મોકો મળી જશે.
એણે કબીરને ફોન જોડ્યો.

‘કબીર, તું આજે સાંજના આવે છે ને?’ એણે પૂછ્યું.

‘હા, ભાઈ, તું શા માટે આટલી ચિંતા કરે છે. હું આવીશ. તને મળીશ અને તારી સાથે જ રહીશ. યાદ છે, તેં પ્રોમિસ આપ્યું હતું કે
આપણે સાથે દાર્જિંલિંગ જશું. જગ્ગે, હું આવું જ છું. આઈ એમ કમિંગ…’


એ વ્યક્તિ દીવાન પરિવારના મકાનની થોડે દૂર ટેક્સીમાંથી ઊતરી ટેક્સીવાળાને ભાડું ચૂકવીને એ મકાનની ઊંધી દિશામાં ચાલવા માંડી. ગોગલ્સ ઠીક કરતાં એણે આજુબાજુ નજર નાખી લીધી.
પોલીસના માણસો મોજૂદ છે, એણે વિચાર્યું. એના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

હવે એક કલાક… એક કલાકની અંદર એ મકાનમાં પ્રવેશ કરશે અને જગમોહન દીવાનનો ખેલ ખતમ કરી નાખશે…..

જગમોહન દીવાન અને એના મોત આડે ફક્ત એક કલાક…

૬૦ મિનિટ જ બચ્યાં હતાં.

એને ખડખડાટ હસવાની ઈચ્છા થઈ આવી. ના, હવે તો જગમોહન દીવાનના મોત બાદ જ ખડખડાટ હસવું છે. એણે વિચાર્યું.

ગોગલ્સ ફરી ઠીક કરતાં એણે એક નજર જગમોહન દીવાનના મકાન તરફ ફેંકી અને ખિસ્સામાં રહેલી રિવોલ્વરને સ્પર્શ કરી લીધો….


હું ઈચ્છું છું કે આજે કોઈ ઘરની બહાર પગ ન મૂકે…’ જગમોહને બેડરૂમમાં હાજર પરિવારના સર્વે સભ્યો તરફ એક નજર દોડાવીને એલાન કર્યું. જગમોહનનું ફરમાન કોઈને રૂચ્યું હોય એવું લાગતું નહોતું.

વાસ્તવમાં કોઈ આજની બેઠકમાં હાજરી આપવા પણ માગતું નહોતું. પપ્પાએ સાળા સામે પોતાનું અપમાન કર્યું એ બદલ વિક્રમ હજી ચણભણતો હતો. વારંવાર એક જ વિચાર એના મનમાં આવ્યા કરતો હતો.

પિસ્તાલીસ લાખ નહોતા આપવા તો ના પાડી દેવી હતી, સાળા સામે એને હડધૂત કરવાની શું જરૂર હતી? એટલે જ સવારના લખુકાકાએ આવીને કહ્યું કે ભાઈએ તાકીદની મિટિંગ બોલાવી છે ત્યારે એક વાર તો જવાબ આપવાની ઈચ્છા થઈ આવી કે ‘કહી દો તમરા ભાઈને કે હું નહીં આવું…’ પણ એમ કરવા જતાં બાજી બગડી જશે એવો ભય લાગતા એણે કહ્યું: ‘તમારા ભાઈને કહેજો અમે આવીએ છીએ.’ વિક્રમના અવાજમાં રહેલી કડવાશ લખુકાકાથી છૂપી નહોતી રહી, પણ એમણે જગમોહનને રિપોર્ટ આપતી વખતે એનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો. મોટા ઘરમાં તો આવું ચાલ્યા કરે અને અહીં ટકી રહેવું હોય તો આંખ અને કાન ખુલ્લાં રાખી મોઢું બંધ રાખવું જોઈએ એ મંત્ર લખુકાકાએ વરસોથી શીખી લીધો હતો.

‘રૂમમાંથી નીકળતી વખતે પૂજાના શબ્દો એમના કાને પડ્યા હતા: આ તમારા પપ્પા વારંવાર બધાંને બોલાવીને એમનો ડર ઓછો કરવા માગે છે.’

લખુકાકાએ આ વાત પણ જગમોહનને નહોતી કરી.

જગમોહનનું કહેણ પહોંચાડતાં જ કરણ વિફર્યો હતો ‘આ શું માંડ્યું છે તમારા ભાઈએ? ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે બધાને બોલાવી લે છે? અમારી તકલીફ વખતે
તો એ પડખે ઊભા નથી રહેતા અને
એમનો પ્રોબ્લેમ અમારી પાસે સોલ્વ કરાવવા ઈચ્છે છે!’

લખુકાકા ચૂપચાપ સાંભળતા ઊભા રહ્યા એટલે કરણ વધુ ગરમ થયો – ‘મને ખબર હતી કે તમે મારી હા સાંભળ્યા વગર અહીંથી ખસવાના નથી. ઓ.કે. કહેજો, હું આવું છું પણ વધુ સમય આપી નહીં શકું.’
લખુકાકા બહાર જતા હતા ત્યારે કરણના ધગધગતા શબ્દો એમના કાને પડ્યા : ‘ઘરની નવી વહુ માટે પચ્ચીસ લાખ આપવા જોર પડે છે. અને હવે પગ નીચે રેલો આવ્યો છે એટલે વારંવાર અમારો સમય વેડફે છે.’

લખુકાકાને લાગ્યું કે એક બાપ દીકરા માટે આખી જિંદગી વેડફી નાખે છે એ વાત કરણને સમજાવવી નિરર્થક છે.

જતીનકુમારે તો લખુકાકાને જોઈને નાટકીય અંદાજમાં સંવાદો બોલવા માંડ્યા હતા: લ્યો આવી ગયા. હમણાં ઢોલનગારાં વગાડીને રાજામહારાજાનો આદેશ સંભળાવશે. બોલો, શું હુકમ છે અમારા માટે?’ લખુકાકાએ મીટિંગ બાબત કહ્યું ત્યારે રેવતી કંઈ બોલી નહીં , પણ જમાઈ ચૂપ ન રહી શકાય :

| Read More: વેર- વિખેર -પ્રકરણ -૭૮

‘હા, હા, કેમ નહીં? અમે તો નવરાધૂપ છીએ જ્યારે બોલાવશો ત્યારે આવી જશું. લખુકાકા, પેલા ખૂનીને મીટિંગમાં બોલાવ્યો છે કે નહીં? જેને કોઈ ન પહોંચે એને એનું ખૂન નહીં, ખૂની જ પહોંચે…’

લખુકાકાને માલિકની ખિલાફ વાત સાંભળીને ચાટી ગઈ અને એ પણ જતાં જતાં બોલતાં ગયા :

‘કોને ખબર સાહેબ, કોણ એમના લોહી માટે તરસ્યો થયો છે? કોઈના કપાળ પર થોડું લેબલ ચીટકાડેલું હોય છે કે હું ખૂની છું?’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button