તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

વેર- વિખેર -પ્રકરણ -૮૧

કિરણ રાયવડેરા

મુરબ્બી, તમે રૂપિયા મને આપો છો મારા ધંધા માટે. હવે હું એને સટ્ટાના ધંધામાં લગાડું તો એમાં ખોટું શું? માફ કરજો, હં તર્ક કરવા નથી માગતો પણ…

દરવાજા પર ટકોરા પડતાં જગમોહનના વિચારોમાં ખલેલ પડી:
‘બારણું ખુલ્લું છે. કમ ઈન…’ જગમોહને આંખ બંધ કરીને બૂમ મારી.

‘પપ્પા, તમારી સાથે વાત કરવી છે.’ વિક્રમ રૂમમાં પ્રવેશતાં બોલ્યો. વિક્રમની પાછળ જય પણ દાખલ થયો.

જગમોહને આંખ ખોલી. વિક્રમની પાછળ જયને જોઈને એ બેઠો થયો: ‘આવ જય, ક્યારે આવ્યો? ડાઈનિંગ ટેબલ પર મેં તને ન જોયો?’
‘પપ્પા, એ એના મિત્રને મળવા ગયો હતો. એ આજે બપોરના જ નાગપુરથી આવ્યો છે.’
જય ગેંગેંફેંફેં કરે એ પહેલાં જ વિક્રમે જવાબ આપી દીધો.

‘બેસ… બેસ, વિનાયકભાઈ કેમ છે?’ જગમોહને વેવાઈના ખબર પૂછીને ઔપચારિકતા દાખવી.

‘પપ્પા, મજામાં છે. આપને બહુ યાદ કરે છે.’ જયને કંઈ સૂઝયું નહીં.

પૈસા માગવા એ જીવનની સૌથી આકરી પરીક્ષા છે કદાચ, વિક્રમ વિચારતો હતો.

‘પપ્પા, જય એક કામ માટે કોલકાતા આવ્યો છે.’ વિક્રમે વાતની પહેલ કરી. જો એ વાતની શરૂઆત નહીં કરે તો જય આખી રાત ‘મજામાં છું.’,‘મજામાં છું.’ બોલ્યા કરશે ને એ ખાલી હાથે પાછો જશે તો વિક્રમને પૂજા તતડાવી નાખશે…. આ સાલી કોઈ જિંદગી છે.?કોઈ દિવસ શેરબજારમાં સટ્ટો રમ્યો નથી અને આજે સટોડિયા સાળાબાબુને મદદ કરવા નીકળી પડ્યો છું… વિક્રમને ખીજ ચડતી હતી.

‘હા, બોલો, શું કામ હતું? જો હું કંઈક મદદ કરી શકું તો મને અવશ્ય જણાવજો.’ જગમોહને ફરી શિષ્ટાચાર દાખવ્યો. થોડી મિનિટો માટે પણ ખૂન અને દુશ્મન જેવા શબ્દોથી મુક્તિ તો મળશે એણે વિચાર્યું.
‘મુરબ્બી, શેરબજારમાં થોડું નુકસાન થયું છે!’ જયની હિંમત જોઈને વિક્રમને નવાઈ લાગી.

જગમોહન ચૂપ રહ્યો. જયની વાતનું અનુસંધાન વિક્ર્મએ મેળવતાં કહ્યું:
‘પપ્પા, જયને પિસ્તાલીસ લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર પડી છે. એ આપણી પાસે મદદ લેવા આવ્યો છે. એ કહે છે કે બહુ જ જલદી એ આપણી રકમ પરત કરી દેશે.’ વિક્રમને લાગ્યું કે આટલું બોલતાં એને હાંફ ચઢી ગઈ હતી.

જગમોહને એક દૃષ્ટિ જય સામે ફેંકી અને પછી વિક્રમને સામે જોઈને કહ્યું:
‘વિક્રમ, હજી હમણાં જ આપણા ઘરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે.’
‘હા, મુરબ્બી મેં પણ જોયું, શું થયું હતું?’ જય નિર્દોષ ભાવે પૂછયું
‘પપ્પા, આગ તો બુઝાઈ ગઈ અને કોઈને કંઈ નુકસાન પણ નથી થયું. હવે એનું શું છે?’ વિક્રમ થોડોક ચિડાઈ ગયો .

‘વિક્રમ, આપણે કાલે સવારના આ વિશે વાત કરીએ તો?’

જગમોહને બંનેને ટાળવાનો પ્રયાસ કર્યો. અત્યારે મગજ ઠેકાણે ન હોવાના કારણે આડું અવળું બોલાઈ જશે તો વાત વણસી જશે.

‘ના, પપ્પા, કાલ કોણે દીઠી છે!’ વિક્રમથી બોલાઈ ગયા બાદ એણે જીભ કચરી. પૂજાના શબ્દોને અહીં દોહરાવવાની જરૂર નહોતી.

જગમોહન દિગ્મૂઢ થઈ ગયો.વિક્રમની વાત ખોટી નહોતી…. કાલ કોણે દીઠી છે? કદાચ, એ ખુદ આવતીકાલ જોઈ ન શકે એવું બને ખરું. શું વિક્રમ એવું જ કહેવા ઈચ્છતો હશે?

‘વિક્રમ, મને એ નથી સમજાતું કે તું આટલી સેન્સિટીવ વાતની અત્યારે જ ચર્ચા કરવાનો આગ્રહ શા માટે રાખે છે? એ પણ તારા સાળાની હાજરીમાં. બીજું, તું સારી પેઠે જાણે છે કે હું સટ્ટો નથી રમતો એટલે કોઈ સટોડિયાને પ્રોત્સાહન મળે એવું હું કરવા ન ઈચ્છું. જયકુમાર, તમે વિનાયકભાઈને કહેજો કે આ બાબત હું કંઈ પણ કરવા અસમર્થ છું.’

જયનું મોઢું પડી ગયું. વિક્રમનો ચહેરો લાલ પીળો થઈ ગયો.

‘પપ્પા, આ રૂપિયા તમે જયને નથી આપતા. તમારે મારા કહેવા પર જયને મદદ કરવાની છે. તમને શું મારા પર બિલકુલ ભરોસો નથી?’

વિક્રમના સ્વરમાં તીખાશ હતી. સાળાની હાજરીમાં એનું અપમાન થાય એ વાત એ હરગિઝ સાંખી નહીં લે.

‘વિક્રમ, મદદ બહુ સહેલાઈથી મળે છે ત્યારે માણસ પાંગળો બની જાય છે. જયને કોશિશ કરી લેવા દે. એનાં અન્ય સગાંવહાલા હશે ને… એ બધા પાસે જઈ આવે. છેલ્લે બે-પાંચ લાખ ખૂટતા હશે તો આપણે કંઈ વિચારશું, પણ પિસ્તાલીસ લાખ… નો વે..!.’ જગમોહને મક્કમતાથી સુણાવી દીધું.

‘પપ્પા, તમે મારા સાળા સામે મારું અપમાન કરી રહ્યા છો.’ વિક્રમ વિફર્યો.

‘તારું સમ્માન કરવા જેવું તેં કામ કર્યું પણ નથી. મેં એટલે જ કહ્યું હતું કે આપણે આવતીકાલે સવારના આ વિશે વાત કરીએ તો હમણાં જ ચર્ચા કરવાની જીદ કરી તો હું શું કરું? તને ખબર નથી કે હું સટ્ટાના વ્યસનને પોષતો નથી? અને વિક્રમ, પિસ્તાલીસ લાખ રૂપિયા નાની રકમ નથી.’

જય સૂનમૂન થઈ ગયો હતો. બાપ-દીકરા વચ્ચે ચાલતા ઉગ્ર સંવાદમાં એ બોલશે તો દાઝી જશે એ ખબર હોવા છતાંય મૌન રહેવું એના માટે નુકસાનકારક હતું.

‘મુરબ્બી, તમે રૂપિયા મને આપો છો મારા ધંધા માટે. હવે હું એને સટ્ટાના ધંધામાં લગાડું તો એમાં ખોટું શું? માફ કરજો, હું તર્ક કરવા નથી માગતો પણ…’ જયને ડર હતો કે જગમોહન હમણાં એને ‘ગેટઆઉટ’ કહી દેશે.
‘જય, મારા – અમારા ઘરના – અમારા બિઝનેસના અમુક નિયમ- સિદ્ધાંત છે. એ મારે અને બધાએ માનવા પડે. એક બીજી વાત મારે તમને કહેવી ન જોઈએ, પણ હવે તમે વાત ઉપાડી છે તો મને કહી દેવા દો. તમારા પિતાજી પણ હજી છ મહિના પહેલાં મારી પાસેથી એક મોટી રકમ ઉછીની લઈ ગયા છે. મેં એમને શેરબજારમાં નહીં લગાડવાની શરતે રૂપિયા આપ્યા હતા. મારું કામ નાણાં ધીરવાનું નથી. જય, આ વાત હું કરત પણ નહીં. મારી જૂની ઉધારીની વાત કરવાને બદલે તમે આજે નવી રકમ માગો છો તો એ શક્ય નથી… આઈ એમ સોરી!’

વિક્રમ અને જય બંને અવાક થઈ ગયા.જયના ચહેરાને જોઈને સાફ દેખાતું હતું કે એના પપ્પાની આવી મોટી ઉધારી વિશે એને પણ જાણ નહોતી.

‘માફ કરજો, મને આ વાતની ખબર નથી, હું જરૂર પપ્પાને પૂછીશ.’ જયના મોઢામાંથી અસ્પષ્ટ શબ્દો સરી પડ્યા.

‘ના, તમારે બિલકુલ વચ્ચે પડવાની જરૂર નથી. એ મારા અને વિનાયકભાઈ વચ્ચેની વાત છે… તો વિક્રમ, અગાઉ રકમ દેતી વખતે મેં તારી ભલામણની આશા નહોતી રાખી. હવે તમે લોકો જઈ શકો છો.’ જગમોહને ફેંસલો સુણાવી દીધો.

વિક્રમને ધીમે ધીમે કળ વળતી હતી.

‘પપ્પા, તમે ભલે પહેલાં મદદ કરી હોય પણ હમણાં મારા કહેવા પર તમે જયને આ મુસીબતમાંથી બહાર કાઢી શકો તેમ છો. હું મારી પૂજાને શું જવાબ આપીશ?’ વિક્રમથી બોલાઈ ગયું.

‘ઓહ, તો એમ બોલને કે પત્નીને કેમ મોઢું દેખાડવું એની અવઢવમાં તું છો. એનો રસ્તો હું તને સૂચવીશ. બાકી રહી મુસીબતમાંથી બહાર કાઢવાની વાત. આપણને ખબર હોય કે આજુબાજુ કોઈ મદદ કરવાવાળું નથી તો મુસીબત આવે પણ નહીં. આ તો કોઈ ને કોઈ આપણો હાથ ઝાલી લેશે એ ખાતરી હોય એટલે આપણે સમસ્યા સામેથી નોતરીએ છીએ…. આઈ એમ સોરી, મને તો ડર છે કે મારી આગલી રકમ પણ શેરબજારમાં જ ડૂબી ગઈ છે. જય, મારી કમાણી કાળી મજૂરીની છે અને એમાં નસીબને કોઈ અવકાશ નથી. પ્લીઝ… મને માફ કરો.’

જગમોહન થાકી ગયો હતો. હજી તો ઘણું વિચારવાનું બાકી હતું. કાલ માટેની વ્યૂહરચના બનાવવાની હતી અને આ લાકો બાલિશ વાતમાં એનો સમય વેડફી રહ્યા હતા.

‘પપ્પા, તમે આ સારું નથી કરતાં. પહેલાં તમે મને પોલીસમાંથી ન બચાવ્યો. હવે મારા કહેવા પર મારા સાળાને રૂપિયા ન આપીને મારી પત્ની સામે મને નીચો પાડવા માગો છે. તમે શું ઈચ્છો છો વ્હોટ ડુ યુ વોન્ટ?’ વિક્રમનો અવાજ ઊંચો થઈ ગયો.

‘આઈ વોન્ટ ટુ બી લેફ્ટ અલોન… મને એકલો રહેવા દો પ્લીઝ, હું આ મેટરમાં કોઈ મદદ નહીં કરી શકું. જય… વન્સ અગેઈન …આઈ એમ સોરી’
‘ઓકે, હું જોઈ લઈશ, તમે કેમ રૂપિયા નથી આપતા.’ બોલતો વિક્રમ ધમ… ધમ કરતો બહાર નીકળી ગયો. જય પણ એની પાછળ ધીમા પગલે બહાર સરકી ગયો.

ગાયત્રીએ રૂમમાં પ્રવેશીને પૂછયું: ‘શું થયું કાકુ. વિક્રમભાઈ કેમ ગુસ્સામાં લાગતા હતા?’
‘ગાયત્રી, નાનાએ મારી ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી લીધાં. મોટો મારી પાસેથી બળજબરી રૂપિયા પડાવવા માગે છે. પત્ની માનતી જ નથી કે મારું જીવન જોખમમાં છે. તું એક કામ કર, મારા દુશ્મનને કહે કે હું આ રહ્યો, આવ અને મને ગોળી મારી દે. હવે હું કંટાળ્યો છું આ ન જીવી શકાતી જિંદગીથી અને ન આવતા મોતથી..!’


રૂપા… રૂપા.. રૂપા..’ રૂપાના ખભા પકડીને કરણે એને હચમચાવી નાખી.

‘તું આગળ વધીશ કે ફક્ત મારું નામ બોલ્યા રાખીશ? શું થયું? રૂપાએ કંટાળીને કહ્યું.

‘સાંભળીને તો તું ગાંડી થઈ જઈશ.’ કરણે કહ્યું.

‘એ તો હું આમેય તારી સાથે રહીને થઈ જવાની છું.’

‘સાંભળ રૂપા, મેં પપ્પાને કહી દીધું છું કે મેં તારી સાથે લગ્ન કરી લીધાં છે અને આવતા અઠવાડિયાથી તું મારી સાથે આવીને રહીશ.!’ કરણે ઉન્માદમાં રૂપાને વાત કરી.

‘વેરી ગુડ. આખરે તારામાં હિંમત આવી ખરી. પછી ?’

‘પછી શું? આ વાર્તા થોડી છે? હવે આવતા અઠવાડિયાથી તું મારા ઘરે રહેજે. કેમ તું ખુશ નથી? ’

રૂપા વિચારમાં પડી ગઈ.

‘રૂપા, શું થયું? મેં કંઈ ખોટું કર્યું? કરણનો ઉત્સાહ ઓસરવા લાગ્યો.

‘ના, ના, તેં તો બરાબર કર્યું છે, પણ તું જ કહે. તેં તારા પપ્પાને વાત કરી અને હવે હું આવતા અઠવાડિયેથી તારે ત્યાં રહેવા આવું… હાઉ બોરિંગ! કરણ, લગ્ન આવી રીતે કંઈ થોડું થાય ? કોઈ બેન્ડવાજા નહીં, વરઘોડો નહીં, કપડાં નહીં, સોના અને હીરાનાં ઘરેણાં નહીં.?!’

‘અરે ગાંડી, એ બધું થઈ રહેશે. દીવાન પરિવારમાં આવીશ કે આ બધી વસ્તુઓ ગૌણ થઈ જશે.’

‘ના હું એવી રીતે નથી આવવાની. મારું પણ કોઈ આત્મસન્માન છે કે નહીં? મારા માતા-પિતા મને જે આપે એ તો ઠીક છે, પણ તારા ઘરે તો મને વહુની જેમ આવકાર મળવો જોઈએ. આ કોઈ હોટલ છે કે ચેક ઈન કરાવીને સીધા રહેવા જતાં રહેવાનું?’ રૂપા નારાજ થઈ ગઈ.

‘તું નારાજ નહીં થા. મને તો એમ કે તું ખુશીથી ઊછળી પડીશ. એની વે, તું કહે કે તારે શું કરવું? પપ્પાને કહું છે કે ચાલો, આપણે બેન્ડવાજાં લઈને રૂપાને તેડી આવીએ!’

રૂપાએ જવાબ ન આપ્યો. એ ઊંડા વિચારોમાં ખોવાયેલી રહી.

‘રૂપા બોલને, કેમ ચૂપ છે? ’

‘સાંભળ, તારા પપ્પા પાસે ઘણા રૂપિયા છે ને?’ રૂપાએ આસ્તેથી પૂછયું.

‘અરે, એટલા બધા કે તું ગણતાં ગણતાં થાકી જાઈશ .!’

‘ના, મારે એટલા રૂપિયા નથી ગણવા. સાંભળ કરણ, આપણે નવા જીવનની શરૂઆત કરીએ ત્યારે આપણી પાસે પોતાના રૂપિયા તો હોવા જોઈએ કે નહીં? માણસ પ્રવાસમાં જાય તો ખિસ્સામાં નાણાં હોય કે નહીં? તું શું મારા માટે કોઈ વસ્તુ ખરીદતી વખતે તારા બાપ પાસે રૂપિયા માંગીશ?’

‘યસ, ધેટ ઈઝ અ પોઈન્ટ. તો બોલ, મારે શું કરવું?’

તારા પપ્પાને જઈને કહે કે અમે નવજીવન શરૂ કરી રહ્યાં છીએ. અમને હમણાં પચ્ચીસ લાખ આપો. મારીપત્નીને હું પહેરેલા કપડે નથી લઈ આવવાનો!’ કરણના ગાલ પર ટપલી મારતાં રુપાએ કહ્યું.

‘તું આ પહેલાં કેમ ન બોલી? એક સાથે બંને વાત થઈ જાતને! એની વે, હું આજે જ પપ્પાને વાત કરીશ. હવે રાજી?’

‘કરણ, આ ફક્ત મારે માટે નથી. આપણા બંને માટે છે….તારે જવું હોય તો જા નહીંતર રહેવા દે.’ રૂપા રિસાઈ ગઈ.

‘અરે ડાર્લિંગ, તું નારાજ નહીં થા. હું આજે જ પપ્પા પાસેથી રૂપિયા લઈ લઈશ. ઓ. કે.?’

‘આજે નહીં, તું હમણાં જ જા, નહિતર વળી ભૂલી જઈશ. ’


‘પપ્પાએ તને ના પાડી અને તું ખાલી હાથે પાછો આવી ગયો?!’ જાણે માની ન શકતી હોય એ રીતે પૂજા કહેતી હતી.

‘તો શું હું પપ્પાનું ગળું દબાવીને એમ કહેત કે હમણાં જ રૂપિયા આપો નહીંતર… ’ વિક્રમ ચિડાઈ ગયો.

‘એમ નહીં, પણ તારા હકની વસ્તુ તું ક્યારેય માગી નથી શકતો. ગામમાં જે વસ્તુ અને વ્યક્તિ તારી નથી એની પાછળ પડ્યો રહે છે’ પૂજાએ કડવાશથી કહ્યું. થોડી ક્ષણો બાદ ઉમેર્યું:
‘હવે હું મારા ભાઈને કેવી રીતે મોઢું દેખાડીશ?’

મને વિચારવા તો દે. હું પણ શાંતિથી બેઠો રહું એવો નથી. કંઈ ને કંઈ તો કરીશ જ. કોઈ પ્લાન બનાવવો પડશે.’

‘અરે, તમે પ્લાન બનાવો એ પહેલાં તો મારો ભાઈ ઉકલી જશેએટલો સમય નથી. જે કરવું હોય એ એક-બે દિવસમાં કરો તો સારુ ! ’ પૂજાની આંખમાં આંસુ ધસી આવ્યાં.

‘હવે તું રડવા ન બેસ. આ ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં તમે લોકો આંખમાં પાણી કેવી રીતે લાવી શકો છો? મને થોડો સમય તો આપ.’ વિક્રમ બોલ્યો.

‘તમારે જે કહેવું હોય એ કહો પણ મારી પાસે ઝાઝો સમય નથી. જે કરવું હોય એ કાલ સુધી કરી લેજો’

‘ઠીક છે… ઠીક છે…. હવે મારે જ કંઈ કરવું પડશે. આમ કંઈ ચાલતું હશે? મારે રૂપિયા જોઈએ અને મને ન મળે? તો પછી શ્રીમંત થવાનો લાભ શું? પૂજા, તું ચિંતા નહીં કર. હું કંઈક વિચારું છું.’
પૂજા છણકો કરતાં રસોડામાં ગઈ ત્યારે વિક્રમના મગજમાં એક યોજના આકાર લઈ રહી હતી…. (ક્રમશ:)

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker