સ્પેશિયલ ફિચર્સ

lવેર વિખેર – પ્રકરણ-૫૯

કિરણ રાયવડેરા

સર, દીવાન પરિવારના પુત્ર એક ખૂન કેસમાં થાણામાં જાય તો કોઈ પણ ટ્રાયલ વિના મીડિયા વિક્રમભાઈને ખૂની જ જાહેર કરી દેશે… તો શું એ યોગ્ય ગણાશે?

વિક્રમને શાંતિ થઈ : હાશ, શ્યામલીને કંઈ થયું નથી પણ ઈન્સ્પેક્ટર અહીંયા શા માટે આવ્યો છે? ખૂનના ખબર તો છાપામાં વાંચવા મળી જાય તો એના માટે પોલીસ ઘરે ખબર આપવા ન આવે. જરૂર કંઈક ગરબડ છે. વિક્રમના મનમાં એક અજાણ્યો ભય પેસી પડ્યો.

‘ઈન્સ્પેક્ટર, મને એ નથી સમજાતું કે તમે આ વાત અમને શા માટે કરો છો? વિક્રમ, કમિશનરને ફોન લગાડ. મારે એમને ફરિયાદ કરવી પડશે… સોરી ઈન્સ્પેક્ટર, મારો સમય ખૂબ જ કીમતી છે…’

‘એમ અકળાઈ ન જાઓ, મિ. દીવાન. વિક્રમભાઈ દીવાન કમિશનરને ફોન નહીં જ લગાવે એની મને ખાતરી છે… રાઈટ મિ. વિક્રમ દીવાન?’
પોતાના મોબાઈલ પર ફોન લગાડવા તૈયાર વિક્રમ ઈન્સ્પેક્ટરની વાત સાંભળીને અટકી ગયો. એનું આખું શરીર ધ્રૂજી ઊઠ્યું. આ ઈન્સ્પેક્ટરને જરૂર મારી અને શ્યામલીના સંબંધ વિશે ખબર પડી ગઈ લાગે છે.

‘ઈન્સ્પેક્ટર, આ વર્દી પહેરવાથી તમને નાટકીય રીતે વાત કરવાનો અધિકાર નથી મળી જતો… હું તમને પાંચ મિનિટનો સમય આપું છું. જો પાંચ મિનિટમાં તમે વાત પૂરી કરીને રવાના નહીં થાવ તો હું કમિશનરને ફોન લગાડીશ…’

‘ઓ.કે. મિ. દીવાન, આજે સાંજના ૬.૦૫ કલાકે શ્રીમતી ગાંગુલીનું ખૂન થયું. ખૂન થયાના બરાબર અડધા કલાકે પોલીસ સ્ટેશન પર એક નનામો ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું કે દીવાન પરિવારનો એક સભ્ય નિયમિતપણે આ મકાનની મુલાકાત લે છે…!’
વિક્રમ પોતાની જગ્યાએ જડવત્ ઊભો રહી ગયો.

‘ઓ.કે. ઈન્સ્પેક્ટર, માની લઈએ કે અમારામાંથી કોઈ એ મકાનની નિયમિત મુલાકાત લેતું હતું, બટ સો વ્હોટ? એનો અર્થ એ કે ખૂન એણે કર્યું?’ જગમોહન વિફર્યો હતો.
વિક્રમને આશ્ચર્ય થયું કે કોણ એ મકાનની મુલાકાત લે છે એ પૂછવાને બદલે પપ્પાએ ઈન્સ્પેક્ટર પર વળતો હુમલો કર્યો.
‘મિ. દીવાન, અમને ફોન કરનાર વ્યક્તિએ અમને ખાસ જણાવ્યું કે જગમોહન દીવાનના મોટા પુત્ર વિક્રમ દીવાન અવારનવાર એ મકાનમાં આવે છે અને એમની પૂછપરછ કરશો તો ખૂનીની ભાળ મળી જશે…’


ફોન મૂક્યા બાદ કુમાર ચક્રવર્તીના ચહેરા પર સંતોષની લાગણી છવાઈ હતી.
હવે મજા આવશે… કુમાર વિચારતો હતો. હવે પોલીસ ઈન્કવાયરી શરુ થશે અને વિક્રમ દીવાન પાર્ક સર્કસ તો શું પોતાના ઘરની બહાર મહિનાઓ સુધી નહીં નીકળે.
કુમાર મહિનાઓ બાદ આજે પહેલી વાર મુક્તમને હસી રહ્યો હતો
આજે સાંજના જ શ્યામલીનો ફોન હતો,
‘કુમાર, મારા નીચેના ફ્લેટમાં કોઈ એક મિસિસ ગાંગુલી નામની ઓલ્ડ લેડીનું મર્ડર થયું છે… મને ખૂબ ડર લાગે છે… તું અહીં આવી જાને…’
ત્યારે કુમારે એને સમજાવતાં કહ્યું હતું :
‘શ્યામલી, હાલમાં મારું ત્યાં આવવું ઉચિત નથી.મકાનમાં ચોતરફ પોલીસ હશે. દરેક ફ્લેટમાં જઈને એ લોકો પૂછપરછ કરશે. એ સંજોગોમાં મારી હાજરીથી એ લોકો વહેમાશે… હું કાલે આવવાની ટ્રાય કરીશ…’

કુમાર પોતાની પત્નીને સમજાવતો હતો.
‘ તો કુમાર, હું વિક્રમને બોલાવું?
શ્યામલીના શબ્દો સાંભળીને કુમારને ઝાળ લાગી ગઈ હતી :
શ્યામલીને સાચે જ વિક્રમ વિના નથી ચાલતું? કુમારને લાગ્યું કે વિક્રમ સાથેની દોસ્તી કામચલાઉ હોવી જોઈએ અને એ પણ નાણાકીય ભીડમાંથી બહાર નીકળવા પૂરતી જ પણ આ શ્યામલીએ આ સંબંધ કદાચ વધુ ગંભીરતાથી લીધો છે. ક્યાંક એવું તો નથીને કે શ્યામલી શ્રીમંત નબીરાના પ્રેમમાં પડી ગઈ છે…? કુમારના મનમાં શંકા ઘોળાતી હતી.

શ્યામલીનો ઉપયોગ કરીને કુમારને નાણાં જોઈતાં હતાં, પણ શ્યામલીના ભોગે તો
નહીં જ…
એવું ન બને કે રૂપિયા મળી જાય ને પણ શ્યામલીને ખોવી પડે?
કુમારે ત્યાર બાદ ગેસ્ટ હાઉસ બહારના પબ્લિક ફિન બુથમાંથી અલિપુર થાણામાં નંબર જોડીને બોલ્યો હતો:
‘પાર્ક સર્કસ મર્ડર કેસ વિશે મારે એક ઈન્ફોર્મેશન આપવી છે..! ’


‘દીવાનસર, તમે મારી મજબૂરી સમજી શકો છો. અમારા પર ફોન આવ્યો છે એટલે અમારે વિક્રમ દીવાનની પૂછપરછ કરવી જ પડશે.’ ઈન્સ્પેક્ટર પ્રમાણિક વિનમ્રતાથી સમજાવતો હતો.
‘પૂછપરછ તમે અહીં પણ કરી શકો છો…’ વિક્રમે કહ્યું . એને પપ્પાની ખામોશી ખટકી.
‘ના, મિ. દીવાન, હું અહીં ઈન્ટરોગેશન ન કરી શકું. મકાનનો ચોકીદાર, લિફ્ટમેન વગેરે થાણા પર આપણી રાહ જુએ છે. એ લોકો સમક્ષ તમારી ઓળખવિધિ થઈ જાય એટલે મારું કામ પત્યું… આ તો જસ્ટ ફોર્માલિટી છે…’

‘પણ, હું તમને થોડી વાર પહેલાં જ કહી ચૂક્યો છું કે હું એ મકાનમાં કોઈ દિવસ ગયો નથી… તો તમે મારો વિશ્વાસ કેમ નથી કરતા? પપ્પા, તમે કમિશનરને વાત કરીને… આ તો આપણું અપમાન છે…’
વિક્રમને પપ્પાનું મૌન સમજાતું નહોતું. એણે પપ્પા સામે જોયું, એની નજરમાં ડર, ગુસ્સો અને નારાજગીના મિશ્રિત ભાવ ડોકાતા હતા.

‘વિક્રમ, ઈન્સ્પેક્ટરની વાત ખોટી નથી,’ જગમોહને મૌન તોડ્યું :
‘જો મકાનના લિફ્ટમેન અને ચોકીદાર ત્યાં હોય તો તારે ત્યાં જવું જોઈએ. આમેય તું તો એ મકાનમાં કદી ગયો નથી તો ડર શા માટે?’

‘શું પપ્પા, તમે પણ ! પ્રશ્ન ડરનો નથી, દીવાન પરિવારના સમ્માન, ખાનદાનની ઈજ્જતનો સવાલ છે. દીવાન પરિવારના કોઈ વારસદારને પોલીસ સ્ટેશન પર લઈ જાય અને તમે તમાશો જોયા કરશો..? .’ વિક્રમના અવાજમાં કડવાશ છલકતી હતી.

‘શું તમે પણ તમારી જીદ પકડીને બેઠા છો નાના છોકરાની જેમ ?’ પ્રભાથી ન રહેવાયું :
‘તમે ધારો તો કમિશનર સાહેબ સાથે વાત કરીને તોડ કાઢી શકો છો… તો શા માટે નથી કરતા?’
‘પ્રભા ને વિક્રમ, તમે બન્ને વાત સમજવાની કોશિશ કરો દરેક વખતે આપણા અધિકારોનો ઉપયોગ કરવો યોગ્ય નથી અને આ તો અધિકારોનો દુરુપયોગ લેખાશે. એક સામાન્ય મર્ડર કેસ છે. વિક્રમે માત્ર થાણા પર જઈને પોલીસને સહકાર આપવાનો છે. બી અ ગુડ સિટીઝન, વિક્રમ…’
‘માય ફુટ ગુડ સિટીઝન…’ વિક્રમે પગ પછાડ્યો.
‘કાકુ’ અત્યાર સુધી ચૂપ રહેલી ગાયત્રી બોલી ઊઠી :
‘વિક્રમભાઈ જ્યારે કહે છે કે એ કદી એ મકાનમાં ગયા નથી તો આપણે એમનો વિશ્વાસ કરવો જોઈએ. હું એમ નથી કહેતી કે આપણે કોઈ ગેરકાયદેસર કામ કરીએ પણ ઈન્સ્પેક્ટર…’
ગાયત્રીએ ઈન્સ્પેક્ટર તરફ ફરી:

‘સર, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, દીવાન પરિવારના જ્યેષ્ઠ પુત્ર એક ખૂન કેસમાં થાણામાં જાય તો ટી.વી. અને છાપાવાળા વાતનું વતેસર કરી નાખે. કોઈ પણ ટ્રાયલ વિના મીડિયા વિક્રમભાઈને ખૂની જ જાહેર કરી દેશે… તો શું એ યોગ્ય ગણાશે? તમે તો તમારી રૂટિન ઈન્કવાયરી કરીને છૂટી જશો, પણ અમારા કુટુંબને જે નુકસાન જશે એની ભરપાઈ કોણ કરશે?’
ઈન્સ્પેક્ટર પ્રમાણિક વિચારમાં પડી ગયો.

‘મિ. દીવાન, મેડમની વાતમાં તથ્ય છે. મીડિયાને તો દૂધમાંથી પોરા કાઢવાની આદત હોય જ છે. તમારા કુટુંબ પર કોઈ કાદવ ઉછાળે એ તો અમને પણ નહીં ગમે…’
‘જુઓ, તમને ઠીક લાગે તેમ કરો…’ જગમોહને કહ્યું.

‘ઓકે,સર હું હમણાં પાછો જાઉં છું. અમારી રીતે અમે કેસમાં આગળ વધીએ છીએ. હું મારા સિનિયર સાથે વાત કરીશ. જરૂર લાગશે તો ચોકીદાર અને લિફ્ટમેનને અહીં લેતો આવીશ… એટલે તમારે કોઈને થાણા પર ન આવવું પડે… બાય… મિ. દીવાન, સોરી ફોર ધ ટ્રબલ…’

ઈન્સ્પેક્ટરની વિદાય પછી નારાજ વિક્ર્મ ખિજવાઈ ગયો :
‘પપ્પા, મેં તમારી પાસેથી આવી આશા નહોતી રાખી. આનો અર્થ એ થાય કે કાલે સવારના એ લોકો મને ખોટા મર્ડર કેસમાં ફાંસી લટકાવી દે તો તમે મને ન બચાવો, ખરું ને? ગાયત્રી, થેન્ક યુ વેરી મચ. તમારી મદદને હું યાદ રાખીશ.’ કહેતાં વિક્રમ ગુસ્સામાં લાંબા ડગ ભરતો હોલની બહાર નીકળી ગયો. પ્રભા પણ દીકરાની પાછળ મોઢું ફુલાવીને નીકળી ગઈ.

‘વાહ ક્યા ફિલ્મી સીન હૈ’ એવું બબડતા જતીનકુમાર અને રેવતી પણ નીકળી ગયાં.
‘સોરી, કાકુ, મારે કારણે બધાં તમારાથી નારાજ થઈ ગયા.’
જગમોહન ચૂપ રહ્યો. કરણથી બોલ્યા વિના ન રહેવાયું:
‘ગાયત્રી, યુ આર સિમ્પલી ગ્રેટ… તારું મગજ બહુ જ શાર્પ છે…’
જગમોહન મનમાં ખુશ થતો હતો. ઘરનાં બધાં એનાથી નારાજ હતાં, પણ એ કોઈ નવી વાત નહોતી.પણ ઘરનાં બધાં
ગાયત્રીને પસંદ કરવા લાગ્યાં હતાં અને એ નવી વાત હતી. જગમોહનને એ જ જોઈતું હતું.


‘શ્યામલી,’ વિક્રમ હજી ગુસ્સામાં હતો :
મારે ઘરે પોલીસ આવી હતી.’
‘કેમ… વિક્રમ શું થયું? ’ શ્યામલી વિહ્વળ થઈ ઊઠી.’
‘તારા મકાનમાં કોઈ મિસિસ ગાંગુલીનું ખૂન થયું અને કોઈએ પોલીસને ફોન કરીને કહ્યું કે હું એ મકાનની અવારનવાર મુલાકાત લઉં છું. ફોન કરનારે ખાસ કહ્યું કે વિક્રમ દીવાનને પૂછપરછ કરવાથી ખૂનીનો પત્તો લાગી જશે.’

‘ઓહ માય ગોડ… કોણ હશે એ?’ શ્યામલી ચિંતામાં પડી ગઈ.
‘મને તો તારો પેલો નકલી પતિ
લાગે છે…’
‘વિક્રમ, તું મને થોડો સમય આપ, હું એનો પતો લગાડીને જ જંપીશ…’ વિક્રમને ટાઠો પાડવા શ્યામલીએ કહ્યું .
વિક્રમે લાઈન કાપી નાખી , પણ શ્યામલીનું મગજ વિચારે ચડી ગયું હતું. એણે ફોન જોડ્યો:
‘કુમાર, મારે તારી સાથે એક વાત કરવી છે, હમણાં જ…’


વિક્રમને ખબર હતી કે આજે રાતના એને ઊંધ નહીં આવે.
ઈન્સ્પેક્ટર હાલ પૂરતો તો ચાલ્યો ગયો, પણ જ્યારે ચોકીદાર અને લિફ્ટમેનને લઈને આવશે ત્યારે?

વિક્રમને લાગ્યું કે કોઈ એની પાછળ પડ્યું છે, જ્યારથી શ્યામલીએ એના જીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારથી અણધારી આફતો પણ જીવનમાં દાખલ થઈ છે.
વિક્રમે બાજુમાં બેડ પર સૂતેલી પૂજા સામે જોયું. પૂજા આંખ ખુલ્લી રાખીને આડી પડી હતી. કદાચ કંઈક વિચારતી હતી.
‘પૂજા, શું વિચારે છે?’
‘પૂજા, શું વિચારે છે ? શું લાગે છે?’
‘વિક્રમ, તમે એ મકાનમાં રેગ્યુલર જાઓ છો એ મને ખબર છે…’ પૂજા બોલી.
‘હું ત્યાં જાઉં છું એટલે ? શા માટે હું ત્યાં જાઉં ? ?’ વિક્રમના પેટમાં ફાળ પડી.
‘એ નથી ખબર, પણ તમે પોલીસ સામે ખોટું બોલ્યા એ હકીકત છે…’ પૂજા નિર્લેપભાવે બોલતી હતી.

વિક્રમ ચૂપ રહ્યો.પૂજા સામે જોતો રહ્યો:
‘વિક્રમ…’ પૂજા અચાનક બેઠી થઈ
ગઈ:
‘વિક્રમ, મને લાગે છે કે આપણા ઘરમાં કંઈક બનવાનું છે… કદાચ કોઈ દુર્ઘટના!’
(ક્રમશ :)

Show More

Related Articles

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને