પરણીશ તો ફક્ત રૂપાને જ… બીજી કોઈને નહીં, પછી ભલે મને પણ પ્રેમલગ્નના ફળ ભોગવવાં પડે જીવનભર…!
વેર- વિખેર -પ્રકરણ -૬૮
કિરણ રાયવડેરા
દૂરથી શ્યામલીને આવતી જોતાં વિક્રમનું હૃદય એક ધબકાર ચૂકી ગયું. હજી પણ શ્યામલી એની પાસે આવીને એની માફી માગે તો એ માફ કરી દેવા મનોમન તૈયાર હતો…
શ્યામલી રસ્તો ક્રોસ કરતી હતી.
એણે જોયું કે શ્યામલી વિચારમાં હતી. એ શું વિચારતી હશે! ત્યાં જ વિક્રમની નજર ડાબી બાજુથી ધસમસતી આવી રહેલી એક કાર પર પડી….
‘શ્યામલી સંભાળ…’ વિક્રમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
વિક્રમનો અવાજ શ્યામલીને પહેોંચે એ પહેલાં તો શ્યામલી પેલી કારની હડફેટમાં આવીને દૂર ફંગોળાઈ ગઈ હતી.
બધું થોડી પળોમાં જ બની ગયું.વિક્રમની ચીસ ગળામાં જ થીજી ગઈ હતી. પેલા દાઢીવાળાએ પણ દૂરથી અકસ્માતને જોઈ લીધો હતો. શ્યામલીના શરીરને હવામાં ફંગોળાઈને થોડે દૂર પટકાતાં એણે પણ જોઈ લીધું હતું.પેલી તરફથી દાઢીવાળો દોડ્યો.
આ તરફથી વિક્રમ પણ દોડ્યો. ચોતરફ કોલાહલ મચી ગયો.
પ્રાઇવેટ કારનો ડ્રાઇવર આ અંધાધૂંધીમાં પલાયન થઈ ગયો. લોકોનું ટોળું શ્યામલીના લોહીલુહાણ શરીરની આસપાસ ઉમટી પડયું.
‘શ્યામલી મરી જશે તો…’ વિક્રમ દોડતાં દોડતાં વિચારતો હતો. અચાનક એણે જોયું દાઢીવાળો એની લગોલગ આવી ગયો હતો. બંનેની નજર મળી. વિક્રમ દોડતાં અટકી ગયો. દાઢીવાળો દોડતો રહ્યો.
એ મને જોઈ ગયો હશે… વિક્રમ વિચારતો હતો.
એને પણ ઘટનાસ્થળેથી ભાગી જવાની ઇચ્છા થઈ, પણ શ્યામલીનું શું થયું એ જાણવું જરૂરી હતું.
એ રસ્તો ઓળંગીને સામે છેડેથી ટોળામાં ઘૂસ્યો.
શ્યામલીના માથામાંથી વહેતું ચહેરા પર પ્રસરી રહ્યું હતું . એ બેશુદ્ધ હતી. દાઢીવાળો આજુબાજુના માણસોને મદદ કરવા વિનંતી કરતો હતો.
થોડી વારમાં ત્રણ-ચાર માણસોએ ઘવાયેલી શ્યામલીના ઘ શરીરને એક ટેક્સીમાં નાખ્યું. સાથે દાઢીવાળો પણ બેઠો.
પોલીસ આવીને કાર્યવાહી કરે એ પહેલાં તો દાઢીવાળો શ્યામલીને ઘટનાસ્થળથી લઈ ગયો હતો.
ટોળામાં કોઈ ગણગણતું હતું : ‘બચને કા ચાન્સ કમ હૈ…’
વિક્રમનું ધ્રૂજી ઊઠ્યો : શ્યામલી મરી જશે તો…
એણે ગાયત્રી અને પપ્પા પાસે ચોવીસ કલાકનો સમય માગ્યો હતો, જેથી એ શ્યામલી અને એના પતિને પાઠ ભણાવી શકે, પણ વિક્રમ બંને સુધી પહોંચે એ પહેલાં બીજુ કોઈ શ્યામલી સુધી પહોંચી ગયો હતો….
ઘટનાસ્થળે લાંબા સમય સુધી રહેવું ઠીક નહીં રહે એમ વિચારીને વિક્રમે ચાલવાનું શરૂ કર્યું.
વારંવાર એના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવતો હતો:
ઉપરવાળાએ ન્યાય કર્યો હતો કે શ્યામલીને કોઈએ પતાવી નાખી…આ અકસ્માત હતો કે ધોળે દિવસ્ર હત્યા…?
ઘરે આવેલા કોઈ બે વિશે કબીરે ફોન પર કહ્યું કે એણે કોઈને મોકલ્યા નથી. કોના માણસો હતા એ?
લખુકાકાને એ લોકોએ કહ્યું હતું કે, અમે પોલીસના માણસો છીએ, જગમોહન દીવાનને બોલાવો.
એ લોકોને ઘરે આવવાનું પ્રયોજન શું હતું?
એમને કેવી રીતે ખબર પડી કે જગમોહને જ વિક્રમ પર નજર રાખવા કબીરને કહ્યું છે.શું એના ફોન ટેપ થતા હશે? જગમોહને વિચાર્યું.
જગમોહન ભૂલી ગયો હતો કે બબલુ, ઈરફાનને ક્નટ્રોલ કરનારો એનો મુખ્ય દુશ્મન હજી છૂટો ફરે છે.બે માણસને એના ઘરે મોકલવાનું કામ એનું જ હશે.
બે દિવસથી ઘરના વાતાવરણમાં, ઘરની સમસ્યામાં એ એટલો અટવાઈ ગયો હતો કે જગમોહન એના દુશ્મન વિશે ભૂલી ગયો હતો.
એના દુશ્મને એને બરબાદ કરી નાખવાની ધમકી આપી હતી.
જગમોહન વિચારતો હતો ત્યાં જ એની નજર સામેથી પસાર થતા કરણ પર પડી. કરણ પોતાની રૂમમાં જઈ રહ્યો હતો.
‘કરણ…’
‘યસ પપ્પા…’ આજ્ઞાંકિત પુત્રની જેમ અદબ વાળીને કરણ એની સામે ખડો થઈ ગયો.
‘કરણ, મારે તારી સાથે વાત કરવી છે… મારા બેડરૂમમાં બધાં બેઠાં છે. ચાલ, તારા રૂમમાં..’ જગમોહને કહ્યું.
‘પપ્પા… હું ગાયત્રીને બોલાવી લઉં…’
‘શા માટે એને ? આ આપણી બંને વચ્ચેની વાત છે.’ જગમોહને નરમાશથી કહ્યું.
‘ના પપ્પા, ગાયત્રી હશે તો ઠીક રહેશે, જો તમને વાંધો ન હોય તો…’
‘ઓ.કે. એઝ યુ વીશ…’ ઘરના દરેક હવે ગાયત્રીની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે. અમુકના વ્યક્તિત્વમાં એવો પ્રભાવ, એવો જાદુ હોય કે દરેકને એ વ્યક્તિ પોતાની લાગવા માંડે.
થોડી વારમાં ગાયત્રીને લઈને કરણ કમરામાં દાખલ થયો.
‘ઓહ, તો તું તારી વકીલને આખરે લઈ આવ્યો ખરો…’ જગમોહન હસ્યો.
‘વકીલની તો ત્યારે જરૂર પડે જ્યારે તમારી સમક્ષ કોઈ ગુનેગાર ઊભો હોય…’ ગાયત્રીએ કહ્યું. એ પણ હસતી હતી.
ફક્ત કરણ નતમસ્તકે ઊભો હતો. પપ્પા કયા વિષય પર વાત કરવાના છે એનો અંદેશો એને આવી ગયો હતો.
‘ગુનેગાર તો ખરો જ, ગાયત્રી, દીવાન પરિવારનો આ અનુજ એમ સમજે છે કે એ હવે મોટો થઈ ગયો છે…’ જગમોહનનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો.
‘પપ્પા, મેં શું ભૂલ કરી?’ કરણ બોલ્યો પણ એનો અવાજ દબાયેલો હતો. પપ્પા જો રૂપાની વાત ઉચ્ચારે તો કેવી રીતે બચાવ કરવો એની ગડમથલ એના દિમાગમાં ચાલતી હતી.
‘ગાયત્રી, કરણકુમારે પોતાના માટે એક ક્ન્યા શોધી રાખી છે.’
‘મને ખબર છે, હું એને મળી છું…’ ગાયત્રીના જવાબથી કરણને પણ આશ્ચર્ય થયું. આ છોકરીમાં ખરેખર હિંમત છે.
જગમોહનને હતું કે એની વાતથી એક વિસ્ફોટ થશે, પણ સુરસુરિયું થઈ જતાં એ ખિજાયો.
‘ઓહ, તો એની પસંદગી પર તમારી મહોર પણ લગાડી દીધી?’ જગમોહનના અવાજમાં કડવાશ ભળી.
‘મેં કહ્યું કે હું એને મળી છું, બસ… ધેટ ઈઝ ઓલ.’ ગાયત્રીએ મક્કમતાથી સુણાવી દીધું.
‘એની વે, કરણ, તેં આ શું માંડ્યું છે?’ ગાયત્રીનો મૂડ જોઈને જગમોહને કરણ પર નિશાન તાક્યું.
‘પપ્પા, મેં તો કંઈ ખોટું નથી કર્યું. રૂપા એક સારી મિત્ર છે . સારી છોકરી છે. હું તમને એના વિશે કહેવાનો જ હતો પણ…’ ગમે તેટલી હિંમત એકત્ર કરો તો પણ પપ્પાની સામે બોલી નથી શકાતું, કરણે વિચાર્યું.
‘કરણ, ગર્લફ્રેન્ડ હોવી એ એક વાત છે, પણ લગ્ન કરવાનો નિર્ણય લેવો એ તદ્દન જુદી વાત છે. તને એક વાર પણ તારા પપ્પાનો વિચાર ન આવ્યો?’
ગાયત્રીને હસવું આવતું હતું. બાપને આત્મહત્યાના વિચાર કરતી વખતે દીકરાનો વિચાર આવ્યો હતો?
‘પપ્પા, તમે એક વાર રૂપાને મળો પછી મને કહેજો કે મારી પસંદગી કેવી છે. તમે ગાયત્રીને પૂછી શકો છો.’ કરણે ફરી હિંમત એકઠી કરીને કહી નાખ્યું.
ગાયત્રીને થયું કે કરણ પેલી રૂપાને જગમોહન સાથે ન મેળવે તો સારું… એ છોકરી એના ફેશન કેરિયર વિશે જ જગમોહન સાથે વાત કર્યા કરશે.
‘કરણ, હું એ બધું ન જાણું. તારે એ છોકરીને તારી જીવનસાથી બનાવવાના મોહમાંથી નીકળી જવું પડશે. આપણા ખાનદાનની આબરૂનો પણ તને વિચાર ન આવ્યો?’
જગમોહનનો સ્વર ઊંચો થયો. પણ તેના અવાજમાં બોદાપણાનો રણકો હતો.ગાયત્રી વિચારતી હતી…
આ કાકુને થયું છે શું? કેવી વાહિયાત વાતો કરે છે. પ્રેમમાં પડતી વખતે કોઈ ખાનદાનની ઇજ્જતનો વિચાર કરે? એને થયું કે પોતે હસ્તક્ષેપ કરે પણ પછી કંઈક વિચારીને એ ચૂપ રહી.
‘પપ્પા, પ્લીઝ… તમે એક વાર રૂપાને મળો પછી નક્કી કરજો. એને મળ્યા બાદ તમે મને પરણવાની ના પાડશો તો હું તમારી વાત માની લઈશ.’ કરણનો અવાજ રડમસ થઈ ગયો હતો.
‘નથિંગ ડુઇંગ, કરણ મેં