મંદિરેથી ઘરે આવતા સમયે ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહીં તો પૂજાનું ફળ નહીં મળે! | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

મંદિરેથી ઘરે આવતા સમયે ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહીં તો પૂજાનું ફળ નહીં મળે!

હિંદુ ધર્મમાં પૂજા-પાઠનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આપણામાંથી પણ અનેક લોકો દરરોજ સવારે મંદિરે જઈને ભગવાનના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કરે છે. પરંતુ અજાણતામાં જ મંદિરેથી પાછા ફરતી વખતે કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ કે જેને કારણે પૂજા-પાઠનું એટલું ફળ નથી મળતું.

વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર મંદિરથી પાછા ફરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે અને જીવનમાં સકારાત્મક્તા આવે છે. ચાલો તમને જણાવીએ કે આખરે મંદિરેથી પાછા ફરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ-

આ પણ વાંચો: પિતૃપક્ષમાં ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરવું, જાણો અગત્યના નિયમો

પ્રસાદ ઘરે આવીને જ ખાવઃ

મંદિરમાં પૂજા-પાઠ બાદ ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. અનેક લોકો પ્રસાદ મળતાં ત્યાં જ ગ્રહણ કરી લે છે કે પછી આવતા આવતા રસ્તામાં ખાય છે. પરંતુ આવું ના કરવું જોઈએ. મંદિરેથી ઘરે આવ્યા બાદ જ પ્રસાદ આખા પરિવાર સાથે વહેંચીને ગ્રહણ કરવું જોઈએ. આવું કરવાથી આખા ઘર-પરિવાર પર ભગવાનની કૃપા રહે છે અને બરકત રહે છે.

ખાલી લોટો ઘરે ના લાવોઃ

અનેક લોકો મંદિરમાં ભગવાનને જળ ચઢાવવા માટે ઘરેથી જળ લઈને જાય છે અને ત્યાર બાદ ખાલી લોટો ઘરે લઈ આવે છે. પરંતુ હકીકતમાં આવું ના કરવું જોઈએ. ભગવાનને જળ ચઢાવ્યા બાદ લોટામાં થોડું જળ રહેવા દેવું જોઈએ. બચેલા આ જળનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સુખ-શાંતિ જળવાઈ રહે છે.

તરત જ પગ ના ધોવાઃ

મંદિરથી આવ્યા બાદ અનેક લોકોને એવી ટેવ હોય છે કે તરત જ આવીને પોતાના પગ ધોઈ નાખે છે. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવાની મનાઈ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે મંદિરથી ઘરે આવતા આવતા તમારી સાથે સાથે સકારાત્મકતા પણ આવે છે. આવી સ્થિતિમાં જો તમે તરત જ પગ ધોઈ નાખો છો તો સકારાત્મક ઊર્જાનો નાશ થાય છે, એટલે મંદિરથી આવ્યાના થોડા સમય બાદ પગ ધોવા જોઈએ.

મંદિરથી સીધા ઘરે જ આવોઃ

વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે મંદિરમાં પૂજા-પાઠ કર્યા બાદ બીજે ક્યાંય ન જતાં સીધા ઘરે પાછા ફરવું જોઈએ. આવું એટલા માટે દર્શન-પૂજાથી મળેલી શુભ શક્તિ તમારા ઘર સુધી પહોંચે છે. જો તમે ઘરે નથી જતાં તો એ શક્તિ બીજી જગ્યાએ જતી રહે છે અને તમારા ઘરની ખુશીઓ પર ગ્રહણ લાગી શકે છે.

મંદિરથી નીકળતી વખતે ઘંટ ના વગાડવોઃ

અનેક લોકોને એવી આદત હોય છે કે મંદિરથી પાછા ફરતી વખતે ઘંટ વગાડે છે, પરંતુ આવું ના કરવું જોઈએ. એવી માન્યતા છે કે મંદિરથી પાછા ફરતી વખતે ઘંટ વગાડવાથી પ્રાપ્ત થયેલી સકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે અને ઘર સુધી તેની અસર નથી પહોંચતી અને બહારની નકારાત્મક ઊર્જા તમારા સાથે ઘરે પહોંચે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button