વાલ્મિકી દ્વારા લિખિત રામાયણ અને રામચરિત માનસનો ઉર્દૂ અનુવાદ એશિયાના સૌથી મોટા મદરેસામાં આજે પણ સલામત….
સહરાનપુર: 22 તારીખને હવે ફક્ત છ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે અયોધ્યામાં પ્રભુ રામના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આફણને રોજે રોજ પ્રભુ રામ વિશે અવનવી વાતો જાણવા મળી રહી છે. આજે તમને એવી જ એક નવી બાબત જણાવું. આપણે રામાયણ અને રામચરિત માનસ સંસ્કૃત, હિન્દી,ગુજરાતી અને બીજી ઘણી ભાષામાં જોઈ અને વાંચી પણ હશે પરંતુ શું તમે ક્યારેય રામાયણ અને રામચરિત માનસ ઉર્દૂમાં વાંચી છે. તેમને જાણીને આનંદ થશે કે ઉર્દૂમાં લખાયેલ વાલ્મિકી રામાયણ અને શ્રી રામચરિત માનસ એશિયાના સૌથી મોટા મદરેસા દારુલ ઉલૂમની લાઇબ્રેરીમાં આજે પણ સંગ્રહિત છે.
શ્રી રામચરિત માનસનો ઉર્દૂ અનુવાદ મહર્ષિ સ્વામી શિવ બારત લાલ બર્મન દ્વારા 1921માં કરવામાં આવ્યો હતો. 1321 પાનાનો આ અનુવાદ જેએસ સંત સિંહ એન્ડ સન્સ ઓફ લાહોર નામના પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મહર્ષિ વાલ્મીકિ દ્વારા લખાયેલ મહાકાવ્ય રામાયણનો 272 પાનાનો ઉર્દૂ અનુવાદ 1949 માં કીર્તન કલાનિધિ બાની ભૂષણ નાટ્ય આચાર્ય મહાકવિ શિવ નારાયણ તસ્કિન દ્વારા કરવામાં આવ્યો હતો. તે ગેલારામ એન્ડ સન્સ ઓફ દિલ્હી નામના પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેની બીજી આવૃત્તિ પણ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે.
લાઈબ્રેરીના ઈન્ચાર્જ મૌલાના શફીકે જણાવ્યું હતું કે આ બંને પુસ્તકો ઘણા જૂના છે અને તેના કારણે તેના પાના ખૂબ જ ખરાબ થઈ ગયા છે. પાનાઓનો રંગ પણ બદલાઈ ગયો છે. હાલમાં આ બંને પુસેતકોને કેમિકલ લગાવીને સાચવવામાં આવ્યા છે. આ બંને ગ્રંથોને શોકેસમાંથી બહાર કાઢવા અને જોવા માટે સંસ્થાના વરિષ્ઠ અધિકારીની લેખિત પરવાનગી લેવી પડે છે.