સ્પેશિયલ ફિચર્સ

ભારતનું એ અનોખું રેલવે સ્ટેશન કે જ્યાં રવિવારે નથી વાગતો હોર્ન… કારણ જાણીને ચોંકી ઉઠશો…

ભારતીય રેલવે દુનિયાના સૌથી મોટા રેલ નેટવર્કમાંથી એક છે. ભારતીય રેલવે વંદે ભારત અને બુલેટ ટ્રેન જેવા આધુનિક યુગમાં પ્રવેશી રહી છે, પરંતુ આજે પણ ભારતમાં કેટલાક એવા રેલવે સ્ટેશનો છે જે પોતાની અજીબોગરીબ પરંપરાઓ અને વિશેષતાઓને કારણે દુનિયાને ચોંકાવી દે છે. આવું જ એક અનોખું રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જ્યાં રવિવારે ટ્રેનનો હોર્ન સુદ્ધાં સંભળાતો નથી!

ભારતનું એ અનોખું રેલવે સ્ટેશન કે જ્યાં રવિવારે ટ્રેનનો હોર્ન વાગતો નથી અને આ સ્ટેશનનું કોઈ નામ પણ નથી. ભારતમાં અનેક થોડા વિચિત્ર લાગતા રેલવે સ્ટેશનો આવે છે જેમ કે, નવાપુર રેલવે સ્ટેશન જે અડધું ગુજરાતમાં અને અડધું મહારાષ્ટ્રમાં છે કે પછી અટારી સ્ટેશન, જ્યાં જવા માટે વિઝાની જરૂર પડે છે. પરંતુ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં આવેલું આ સ્ટેશન પોતાની અલગ જ ઓળખ ધરાવે છે.

આ પણ વાંચો…ભારતીય રેલવેના આ જંક્શન પર ચારે બાજુથી આવે છે ટ્રેનો, છતાં નથી થતી ક્યારેય ટક્કર…

બર્ધમાન શહેરથી અંદાજે ૩૫ કિમી દૂર સ્થિત આ સ્ટેશન પર રવિવારે કોઈ ટ્રેનનો હોર્ન વાગતો નથી કે કોઈ એનાઉન્સમેન્ટ પણ સાંભળવા નથી મળતી. આનું મુખ્ય કારણ એ છે કે રવિવારે અહીં કોઈ ટ્રેન આવતી જ નથી. આ સ્ટેશન પર માત્ર બાંકુડા-માસાગ્રામ પેસેન્જર ટ્રેન ઉભી રહે છે, પરંતુ રવિવારે આ ટ્રેનનું સંચાલન બંધ રહે છે, જેને કારણે આખા સ્ટેશન પર પિન ડ્રોપ સાયલન્સ હોય છે.

આ અનોખા રેલવે સ્ટેશનની સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ સ્ટેશનનું કોઈ સત્તાવાર નામ નથી. નામ ન હોવા છતાં પણ આ સ્ટેશન સ્થાનિક પ્રવાસીઓ માટે ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે. બાંકુડા અને માસાગ્રામ વચ્ચે મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આ એક નાનકડું પણ જરૂરી સ્ટોપેજ છે.

વાત કરીએ આ સ્ટેશન રવિવારે કેમ બંધ રહે છે એની તો આ પાછળ ખૂબ જ રસપ્રદ કારણ છે. રવિવારે સ્ટેશન માસ્ટર પોતે ટિકિટ ખરીદવા માટે બર્ધમાન શહેર જાય છે, જેથી બાકીના દિવસોમાં પ્રવાસીઓને ટિકિટ મળી શકે. બસ આ જ કારણસર રવિવારે ટિકિટ કાઉન્ટર અને અન્ય તમામ સુવિધાઓ બંધ રહે છે.

સ્થાનિક લોકોની વાત પર વિશ્વાસ કરીએ તો આવા નાના નાના સ્ટેશનો જ પહેલાંના સમયમાં દૂરના વિસ્તારોમાં રહેતા લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યા હતા. આજે ભલે ઈ-ટિકિટ અને મોટા નેટવર્કનો જમાનો આવી ગયો હોય, પરંતુ આ નામ વગરનું સ્ટેશન આજે પણ જૂના જમાનાની યાદ અપાવે છે અને સ્થાનિક લોકો માટે મુસાફરીનો એકમાત્ર સહારો છે.

છે ને એકદમ અનોખી અને ઈન્ટરેસ્ટિંગ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.

આ પણ વાંચો…ભારતીય રેલવેની ગૂમ થયેલી ટ્રેન 43 વર્ષ બાદ મળી, નાસાની એક ભૂલને કારણે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button