સ્પેશિયલ ફિચર્સ

ટાઈફોઈડના લક્ષણો અને ઉપાયો: ઈન્દોર, ગાંધીનગરમાં વધતા કેસ વચ્ચે જાણો કેવી રીતે દૂષિત પાણી જિંદગી જોખમમાં મૂકે છે

ભારતમાં ટાઈફોઈડ આજે પણ એક સૌથી મોટી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા બની ગઈ છે. દર વર્ષે ટાઈફોઈડના અનેક કેસ સામે આવતા રહે છે એમાં પણ ખાસ કરીને ચોમાસા અને ત્યાર બાદ તો ટાઈફોઈડના કેસમાં વધારો જોવા મળે છે.

હાલમાં જ મધ્ય પ્રદેશના ઈન્દોર અને ગુજરાતના ગાંધીનગર ખાતે 100 લોકોને ટાઈફોઈડને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો. આને કારણે જ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ખરાબ પાણી અને સાફ-સફાઈના અભાવને કારણે આ બીમારી કેટલા ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ આ ટાઈફોઈડ શું છે, તેના લક્ષણો શું છે અને બચવાના ઉપાયો શું છે-

આપણ વાચો: ગાંધીનગરમાં ટાઈફોઈડનો ફફડાટ: સિવિલમાં 100થી વધુ બાળકો દાખલ, કેન્દ્રીય ગૃહ મંત્રી એક્શનમાં….

ટાઈફોઈડ એટલે…

વાત કરીએ ટાઈફોઈડ શું છે એની તો તે સાલ્મોનેલા ટાઈફી નામના બેક્ટેરિયાથી થાય છે, જે દૂષિત પાણી અને ખાવાનું ખાવાથી થાય છે. જો ટાઈફોઈડમાં સમય પર સારવાર ના મળે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. મેડિકલ ટર્મની વાત કરીએ તો ટાઈફોઈડ ફીવર એક ગંભીર ઈન્ફેક્શન છે, જેને મેડિકલ લેન્ગ્વેજમાં એન્ટરિંગ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતમાં દર વર્ષે 47થી 48 લાખ ટાઈફોઈડના કેસ સામે આવે છે અને એમાંથી કેટલાક લોકોના મૃત્યુ થાય છે. બાળકો અને યુવાનોમાં ટાઈફોઈડનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ સિવાય જે ઠેકાણે ગંદકી, દૂષિત પાણી પુરવઠો થાય છે એવા સ્થળો પર પણ લોકો ઝડપથી ટાઈફોઈડનો શિકાર બને છે.

આપણ વાચો: ગુજરાતના ગાંધીનગરના ટાઈફોઈડના કેસ વધતા સરકાર એક્શનમાં, 22 ડોકટરોની ટીમ તૈનાત…

ટાઈફોઈડના શું છે લક્ષણો?

ટાઈફોઈડના લક્ષણોની વાત કરીએ તો એને કારણે આંતરડા અને લોહીને સૌથી વધુ નુકસાન પહોંચે છે. આને કારણે તાવ, પેટમાં દુઃખાવો અને નબળાઈ અનુભવાય છે. ભૂખ ન લાગવી, ઉલટી, સુકી ખાંસી, માથામાં દુઃખાવો, પેટ અને છાતી પર ગુલાબી રંગના દાણા દેખાવવા સાથે સાથે તાવમાં પણ હાર્ટ બીટનું મંદ પડવું એ ટાઈફોઈડના મુખ્ય લક્ષણોમાંથી એક છે.

ભારતમાં અનેક ઠેકાણે ટાઈફોઈડના બેક્ટેરિયા પણ દવાઓને લઈને રેજિસ્ટેન્ટ થઈ ગયા છે જેને કારણે સારવાર વધારે મુશ્કેલ બની ગઈ છે.

ટાઈફોઈડનો ફેલાવો કઈ રીતે થાય છે?

ભારતમાં ટાઈફોઈડના ફેલાવાને લઈને વાત કરીએ તો તે મુખ્યત્વે ગંદગી, દૂષિત પાણીને કારણે થાય છે. અનેક ઠેકાણે ખુલ્લા કૂવા, હેન્ડ પંપ અને પાઈપલાઈનના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જે વરસાદ કે પૂરની પરિસ્થિતિમાં સીવેજને કારણે દૂષિત થાય છે. ખુલ્લામાં શૌચ, ઓવરફ્લો થતા નાળા અને નબળી સીવેજ સિસ્ટમ પણ બેક્ટેરિયાને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તમારા જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button