સ્પેશિયલ ફિચર્સ

ત્રણ ગુણોથી પર થવાનું શીખવે છે ત્રિશૂળ

શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા

અગાઉ આપણે જોયું કે માનવીના ઘણા જન્મ થાય છે અને ઘણા મૃત્યુ પણ થાય છે. આ બધા શિવજીની સૃષ્ટિ દ્વારા રચાયેલાં બંધનો જ છે. આ બધાં બંધનોમાંથી પણ મુક્ત થવું હોય અર્થાત્ મોક્ષ મેળવવો હોય અર્થાત જન્મ, વૃદ્ધાવસ્થા, બીમારી, મૃત્યુ આ ચક્ક્રમાંથી છૂટવું હોય, જીવને શિવમય બનાવવો હોય તો ત્રિગુણાતીત થવું પડે.

માણસ જન્મ લે ત્યારે ત્રણ પ્રકારના સ્વભાવ અર્થાત્ ગુણોથી બંધાય છે. સાત્ત્વિક, રાજસી અને તામસી.

સાત્ત્વિક એટલે પ્રકૃતિના લયમાં રહેતો, કુદરત સાથે તાદાત્મ્ય સાધતો, કોઇને પણ મન, વચન કે કર્મથી હાનિ ન થાય એ રીતે સહુ સાથે હાર્મનીથી રહેતો માનવ. આવો માનવ જ્ઞાની હોય છે. નમ્ર હોય છે. દેવત્ત્વની નજીક હોય છે. તેની ઇચ્છાઓ આકાંક્ષાઓ પર તેનો સારો એવો કાબૂ હોય છે.

રાજસી વ્યક્તિ મધ્યમ માર્ગી હોય છે ક્યારેક દેવત્ત્વ (સૂર) તરફ તો ક્યારેક રાક્ષસીપણું (અસૂર) તરફ ઢળતો હોય છે. ઇચ્છાઓ, આકાંક્ષાઓથી ઘેરાયેલો હોય છે. ઇચ્છાઓ કે વાસનામાં ડૂબી જવાના ગંભીર પરિણામો આવે તેની તેને ખબર હોય છે છતાંય તેને વશ થઇ જતો હોય છે. તે ક્યારેક પ્રકૃતિના તાલ સાથે લય(સૂર)માં રહે છે તો ક્યારેક પ્રલય (આસૂરી તત્ત્વ) તરફ ધકેલાય છે.

તામસી વ્યક્તિ તદ્ન અજ્ઞાની, જડ અને અંધકારમાં ડૂબેલો હોય છે. તદ્દન સ્વાર્થી અને પાંચે ઇન્દ્રિયોને વશ હોય છે. સાચા-ખોટાનું ભાન કે જ્ઞાન નથી હોતું. પોતાની ઇચ્છાઓ – આકાંક્ષાઓ પૂર્ણ કરવા કોઇ પણ હદે જતો હોય છે. પ્રકૃતિના લયથી વિરુદ્ધ દિશામાં જતો જણાય છે. સૂરત્ત્વ છોડીને આસુરી વૃત્તિમાં આનંદ શોધે છે.

આવી પ્રકૃતિવાળા ત્રણ પ્રકારના અલગ અલગ માણસો પણ હોય છે કે પછી એક જ વ્યક્તિમાં આ ત્રણે પ્રકારના અલગ અલગ ગુણો સમય સમય પર જોવા મળે છે. સાત્ત્વિક વૃત્તિ શ્રેષ્ઠ લાગે, દૈવી ગુણોથી ભરેલી લાગે, પણ તેનેય રાજસી અને તામસી પ્રકૃત્તિેનાં આક્રમણો સહન કરવા પડે છે. દેવોને પણ દાનવનો અને રામને પણ રાવણનો સામનો કરવો પડ્યો હતો. સાત્ત્વિક વૃત્તિ પણ માનવ જાતને ઝકડી રાખતું એક બંધન છે. એટલે મોક્ષ મેળવવો હોય તો આ ત્રણે ગુણોથી પર થવું જ રહ્યું. નહીં તો ત્યાં સુધી સારી, મધ્યમ કે નઠારી વ્યક્તિ તરીકે જન્મમરણના ચક્કર કાપવા જ રહ્યા. એનાથી બચવા શંકર જેવા ત્રિગુણાતીત થવું જ રહ્યું. ત્રિશૂળ -ત્રણ ગુણો ધરાવતું પ્રતીક છે. આપણે આ ત્રણ ગુણોના હાથમાં નથી રમવાનું, પણ શંકરની જેમ ત્રિશૂળને અર્થાત્ ત્રણે ગુણોને આપણા હાથમાં અર્થાત્ વશમાં રાખવાના છે.
ત્રિગુણાતીત વ્યક્તિ એ છે જે ત્રણે પ્રકારના ગુણોથી દબાતો નથી, પરંતુ એ ત્રણે ગુણોને દાબમાં રાખી શકે છે. આવી વ્યક્તિ મોક્ષ પામવાની અધિકારી છે. મહાદેવની સાથે ત્રિશૂળના દર્શન કરો ત્યારે આ વાત ધ્યાનમાં રાખજો. (ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો