એક એવું ગણેશ મંદિર જ્યાં બાપ્પા આખા પરિવાર સાથે બિરાજમાન છે, 700 વર્ષ જૂનો છે ઇતિહાસ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

એક એવું ગણેશ મંદિર જ્યાં બાપ્પા આખા પરિવાર સાથે બિરાજમાન છે, 700 વર્ષ જૂનો છે ઇતિહાસ…

હાલમાં મુંબઈ સહિત દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, પણ જરા વિચાર કરો કે જો તમને મંદિરમાં ભગવાન ગણેશજીના સહપરિવાર દર્શન કરવાનો લહાવો મળે તો? આઈ નો આઈ નો તમને થશે કે ભાઈસાબ આવું તો કઈ રીતે શક્ય છે, કારણ કે આવું કોઈ મંદિર છે જ નહીં કે જ્યાં ગણેશજી સહપરિવાર બિરાજમાન છે. હકીકતમાં એવું નથી, ભારતમાં જ આવું મંદિર આવેલું છે, જ્યાં બાપ્પા આખા પરિવાર સાથે ભક્તોને દર્શન આપે છે. ચાલો આજે તમને આ મંદિર વિશે જણાવીએ…

ક્યાં આવેલું છે મંદિર?

અમે અહીં જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ મંદિર છે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આવેલા રણથંભોરના ઐતિહાસિક કિલ્લામાં આવેલું ત્રિનેત્ર ગણેશ મંદિર. જી હા, અત્યાર સુધી તમે રણથંભોરનું નામ માત્રને માત્ર ટાઈગર રિઝર્વ અને જંગલ સફારી માટે જ સાંભળ્યું હશે. પણ આ જગ્યા જંગલ સફારી અને ટાઈગર રિઝર્વ સિવાય ત્રિનેત્ર ગણેશ મંદિર માટે પણ જાણીતી છે. આ મંદિરનો ઈતિહાસ 700 વર્ષ જૂનો છે. આ મંદિરમાં બાપ્પા તેમની બંને પત્ની રિદ્ધિ-સિદ્ધિ અને બંને પુત્ર શુભ-લાભ તેમ જ તેમના વાહન મુષકરાજ સાથે બિરાજે છે.

શું છે ઇતિહાસ?

આ મંદિર સાથે એક અનોખો ઈતિહાસ જોડાયેલો છે. એવું કહેવામાં આવે છે કે 13મી સદીના અંતમાં રણથંભોરના રાજા હમીરજી અલાઉદ્દીન ખિલજી સાથે યુદ્ધ કરી રહ્યા હતા. લાંબા સમય સુધી ખિલજીએ રાજ્યને ઘેરી રાખ્યું હતું જેને કારણે અનાજના કોઠારો ખાલી થઈ ગયા, જીવનવશ્યક વસ્તુઓની અછત થવા લાગી. આ સમયે રાજાને ચિંતા થવા લાગી કે હવે તેમની પ્રજાનું શું થશે. આવી સ્થિતિમાં એક રાતે રાજાને સ્વપ્નમાં ગણેશજીએ દર્શન આપ્યા અને કહ્યું કે સવાર સુધી બધું ઠીક થઈ જશે.

સવારે જ્યારે રાજા ઊઠ્યા ત્યારે જાણે ચમત્કાર થયો હોય એમ અચાનક ગણેશજીની ત્રણ આંખવાળી મૂર્તિ પ્રગટ થઈ, અનાજ કોઠારો ભરાઈ ગયા. થોડાક સમયમાં યુદ્ધ પણ સમાપ્ત થઈ ગયું. આ ઘટના બાદ રાજાએ ત્રિનેત્ર ગણેશ મંદિરનું નિર્માણ કરાવડાવ્યું.

ભક્તોમાં એવી માન્યતા છે કે આ મંદિરમાં બાપ્પાના પરિવાર સાથે દર્શન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ગણેશજીના ત્રીજા નેત્રને જ્ઞાન અને શક્તિના પ્રતિક સમાન માનવામાં આવે છે. લોકોનું એવું પણ માનવું છે કે અહીં આવ્યા બાદ તેમના જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

પત્ર લખે છે ભક્તો બાપ્પાને

આ મંદિરની બીજી ખાસિયત વિશે વાત કરીએ તો અહીં ભક્તો પોતાની સમસ્યા, ઈચ્છાઓ બાપ્પા સુધી પહોંચાડવા માટે ચિટ્ઠીનો સહારો લે છે. ભક્તો ચિઠ્ઠીમાં પોતાના મનની વાત લખે છે અને મંદિરના પૂજારીઓ બાપ્પાના ચરણે આ ચિઠ્ઠીઓ ધરે છે. આવું કરવાથી ભક્તોના જીવનમાં કષ્ટ દૂર થાય છે અને તેમની મનોકામના પૂરી થાય છે એવી માન્યતા છે.

છે ને એકદમ અનોખી સ્ટેરી? હવે જ્યારે પણ રાજસ્થાન કે રણથંભોર તરફ જવાનું થાય તો આ ગણેશ મંદિરની મુલાકાત ચોક્ક્સ લેજો. આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આ પણ વાંચો…ભારતનું એકમાત્ર ગણેશ મંદિર જ્યાં બાપ્પાનું વાહન મોર છે, જાણો આ મંદિરની વિશેષતાઓ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button