Important Alert: ટ્રાફિક ચલણના નામે સાઇબર ફ્રોડનો નવો પેંતરો, ફાઇલની APK લિંક કરશે તમારું ખાતું ખાલી…

શું તમને પણ મેસેજ આવ્યો છે કે તમારી ગાડીનું ટ્રાફિકનું ચલાણ આવ્યું છે? જો આ સવાલનો જવાબ હામાં છે તો આ સ્ટોરી તમારા માટે જ છે. સાઈબર સ્કેમર્સે લોકોને છેતરવાનો નવો પેંતરો અજમાવ્યો છે. આ માટે થઈને એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું.
છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો વાહનચાલકોને ઈ-વાહન ચલાણ (E-Vahan Challan) કે એમ વહાન ચલાણ (M Vahan Chalan)ના નામથી સાઈબર ફ્રોડસ્ટર લોકોને ચૂનો લગાવી રહ્યા છે. સાઈબર ક્રિમીનલ્સ એસએમએસ કે વોટ્સએપ મેસેજ દ્વારા પરિવહન વિભાગના નામે બોગસ ચલાણના મેસેજ મોકલાવે છે. આ મેસેજમાં એક લિંક પર મોકલવામાં આવે છે, જેના પર ક્લિક કરતાં જ તમારું એકાઉન્ટ ખાલી થઈ જાય છે.
આપણ વાચો: તૈયાર છે તમારું PAN 2.0, આ રીતે કરી શકશો E-PAN ડાઉનલોડ, જાણો આખી વિગત…
અગાઉ બની ચૂક્યા છે આવી કેસ
અહીંયા તમારી જાણ માટે કે આ પહેલાં પણ અનેક વખત આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. દિલ્હી પોલીસે આ બાબતે એક એડવાઈઝરી બહાર પાડી હતી. લોકોને બનાવટી ઈ-ચલાણવાળા મેસેજ મળી રહ્યા હતા અને ફ્રોડ કરવામાં આવતું હતું. નવા કેસની વાત કરીએ તો હેકર્સ વોટ્સએપ કે પછી એસએમએસના માધ્યમથી મેસેજ મોકલવામાં આવે છે. મોકલવામાં આવેલા મેસેજમાં એક એપીકે ફાઈલની લિંક હોય છે અને તેને એમ પરિવહન ચલાણ એવું નામ આપવામાં આવ્યું છે.
પર્સનલ ડેટા થાય છે ચોરી
યુઝર્સ જેવું આ લિંક પર ક્લિક કરે છે એટલે તેમના ફોનમાં સ્પાઈવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. આ સ્પાઈવેર યુઝર્સના ફોનનો પર્સનલ ડેટા ચોરી કરે છે. આવી સ્થિતિમાં કોઈ પણ મેસેજ કે લિંક પર ક્લિક કરતાં પહેલાં ખૂબ જ સાવધાન રહેવું જોઈએ, જેથી થનારા નુકસાનથી બચી શકાય અને તમારી પર્સનલ ડિટેઈલ્સ પણ ચોરી થતાં અટકી જાય.
આપણ વાચો: RBI અને SBIના નામે થઈ રહ્યો છે મોટો સ્કેમ, તમને પણ તો નથી આવ્યો ને આવો મેસેજ?
એપીકે ફાઈલ કરશે તમારું ખાતું ખાલી
એપીકે ફાઈલ્સ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એપ ઈન્સ્ટોલ કરનારું એક પેકેજ હોય છે, જે ગૂગલ પ્લે સ્ટોર વિના પણ તમારા ફોનમાં કોઈ એપને ઈન્સ્ટોલ કરી દે છે. સામાન્યપણે એપીકે ફાઈલ્સ થર્ડ પાર્ટી એપને ફોનમાં ઈન્સ્ટોલ કરવા માટે હોય છે. જો તમે તમારા ફોનમાં ઈન્સ્ટોલ એપ ફ્રોમ અનનોન સોર્સના ઓપ્શનને ઓન રાખો છો તો તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરને બાયપાસ કરીને એપને ઈન્સ્ટોલ કરે છે.
કઈ રીતે બચશો?
વાત કરીએ આ ફ્રોડથી કઈ રીતે બચી શકાય એની તો દિલ્હી પોલીસની એડવાઈઝરીમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ પ્રકારના કોઈ પણ મેસેજને ખૂબ જ ધ્યાનથી વાંચવા જોઈએ. બનાવટી લિંક કે યુઆરએલ કે મેસેજ બોડીમાં તમને ભૂલો જોવા મળશે. આ સિવાય કોઈ પણ એપીકે ફાઈલ ડાઉનલોડ કરનારા મેસેજને ઈગ્નોર કરવા જોઈએ.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ આવા ફ્રોડથી બચી શકે. આવી બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



