ઈન્ટરવલવીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

એલ કોટિલ્લોમાં કુદરતે બનાવેલા સ્વિમિંગ પૂલ્સ…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
ફુઅર્ટેવેન્ટુરાથી પાછાં જવાનો દિવસ આવી ગયો હતો. છેલ્લો દિવસ એલ કોટિલ્લોના લાઇટહાઉસ પાસે એક આકર્ષક બીચ પર વિતાવવા અમે નીકળી પડ્યાં હતાં. તે બીચથી નજીકનું ગામ થોડું દૂર હતું અને અહીં આટલા દિવસનો અનુભવ હવે એટલું તો શિખવાડી ચૂક્યો હતો કે અહીં નિશ્ર્ચિત સ્થળો અને ટાઉન્સ ને બાદ કરતાં બધે ખાવા-પીવાનું સાથે લઈને ચાલવું. આ વખતે અમે હોટલથી જ મીલ પેક કરાવ્યું. અપેક્ષા તો એક સાધારણ પણ સુંદર બીચની જ હતી. ત્યાંનું લાઇટહાઉસ જરા વધુપડતું જ બ્યુટીફુલ લોકેશન પર હતું, પણ એલ કોટિલ્લોના નેચરલ પૂલ્સ આવા હશે તેની કલ્પના ન હતી. આ પહેલાં આઇસલેન્ડમાં અને સ્કોટલેન્ડના આયલ ઓફ સ્કાયમાં આ પ્રકારના પૂલ્સ જોયા હતા. ત્યાંનો અનુભવ જરા અલગ હતો. ઉપરાંત ત્યાંનો અનુભવ બરાબર ઠંડીનો હતો. આ વખત્ો પહેલી વાર આવા પૂલ્સમાં પાણીમાં પડવાની મજા લેવા મળવાની હતી.

રોજ જ્યારે હોટલથી ફરવા નીકળતાં ત્યારે રસ્તામાં એક સોલ્ટ મ્યુઝિયમ આવતું. દર વખતે નક્કી કરતાં કે પાછાં આવતાં ત્યાં જતાં આવીશું. જોકે આટલા દિવસમાં એક વાર પણ એ મોકો નહોતો મળ્યો. તે દિવસે સોલ્ટ મ્યુઝિયમ બંધ થાય તે પહેલાં પાછાં આવવાનો પ્લાન હતો. એલ કોટિલ્લોએ પહોંચવાના રસ્તાનો છેલ્લો ભાગ સાવ કાચો હતો. ત્યાં પાર્કિંગ કરીને પૂલ્સનું ચક્કર લગાવ્યું પછી ખબર પડી કે આ સ્થળ કોઈ જાદુઈ નગરીથી કમ નથી. આ સ્થળને નેચરલ પૂલ્સ નહીં ફેરી પૂલ્સ જ કહીને બોલાવવા જોઈએ. દરિયાની એક તરફ બીચના બદલે ખડકોની હારમાળા હતી. ખડકોની બીજી તરફ દરિયાનું બ્લુ પાણી નાના અને સાવ છીછરા પૂલ્સ બનાવતું હતું. સાંજ પડ્યે ભરતીમાં આ ખડકો પર પાણી ફરી વળતું. એવામાં આ પૂલ્સ રોજ રાત્રે જાતે જ ક્લિન થઈ જતા. એક રીતે જોવા જાઓ તો કુદરતે બનાવેલા આ સ્વિમિંગ પૂલ્સ જોઈને લાગતું હતું કે આખી ટ્રિપની હાઇલાઇટ જ આ છે.

આવી ઓવર પાવરિંગ બ્યુટી પૂરતી ન હોય તેમ પૂલ્સ એક તરફથી જરા અંતરે લાઇટહાઉસ દેખાય છે. ફોનથી પાડેલો ફોટો પણ કોઈ પોઇન્ટિંગ જેવો લાગતો હતો. પૂલ પાસે ખડકોથી આપમેળે બની જતી હોય તેવી નાની ગૂફાઓછે. લોકો તેમાં પિકનિક મેટ પાથરીને બેઠાં હતાં. અમે તો સીધું પાણીમાં જ ઝંપલાવ્યું. એક સમયે એવી વાત પણ થઈ કે નેક્સ્ટ ટાઇમ અહીંથી નજીક રહેવું અને રોજ અહીં આવવું. જાણે એક નાનકડો દરિયો સ્વિમિંગ પૂલ્સના રૂપમાં ખાસ તમારા માટે જ બન્યો હોય તેવું લાગતું હતું. જોકે ટૂરિસ્ટી સિઝનમાં આ પૂલ્સ પર કેટલી ભીડ રહેતી હશે તેની તે સમયે તો અમારે કલ્પના જ કરવી રહી. અમારા જેવાં જે પણ મુલાકાતીઓ ત્યાં હતાં તે બધાં માટે પ્રાઇવેટ પૂલ્સ હતા. એક ચક્કર લગાવ્યું ત્યારે કમસે કમ સાત પૂલ્સ તો હતા જ. ઘણાં મુલાકાતીઓ તો આ લા ઓલિવા વિસ્તારનાં રહેવાસી જ હોય તેવું લાગતું હતું. અહીં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી સિવાય ભાગ્યે જ કોઈ અંગ્રેજી બોલતું. એવામાં કોઈની સાથે વાત શક્ય ન હતી.

ફુઅર્ટેવેન્ટુરામાં બીજા ઘણા છૂટાછવાયા આવા કુદરતી પૂલ્સ છે. જોકે આટલી ભવ્ય જગ્યા અને પૂલ્સની સંખ્યા ક્યાંય નથી. એક વાર પાણીમાંથી બહાર નીકળ્યાં, ત્યાંનું ચક્કર લાગી ગયું, સાથે લાવેલું ખાવાનું ખાધું, લાઇટ હાઉસના ફોટા પાડ્યા, ત્યાં સુધી હજી માંડ બપોર પડી હતી. તે પછી ત્યાં લાંબું બેસીને વાંચવાની અને કશું ન કરવાની પણ મજા આવી. અંતે ત્યાં ગરમી અને તડકો જરા વધારે લાગવા માંડ્યાં, પછી સોલ્ટ મ્યુઝિયમ યાદ આવ્યું. આ પૂલ્સ પાસે કોઈ બીચ લાઉન્જ કે અમ્બ્રેલા જેવું નથી. અહીં જો ભરતડકામાં કલાકો ગાળવા હોય તો સાથે બીચ અમ્બ્રેલા લાવવી પડે. પૂલ્સ ભારી હૃદયે અલવિદા કહીને અમે સોલ્ટ મ્યુઝિયમ તરફ ઊપડ્યાં.

કેનેરી ટાપુઓ પર મીઠું ક્યારથી એક કોમોડિટી છે, તેને બનાવવાની પ્રક્રિયા, પ્રકારો, બધું આ નાનકડા મ્યુઝિયમમાં અત્યંત વિગતે રેકોર્ડ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, અહીં ઓગણીસમી સદીની શરૂઆતમાં અગરિયાઓ આ જગ્યાએ કેવા ઘરમાં રહેતાં, કેવાં કપડાં પહેરતાં, કેવાં સાધનો વાપરતાં, તે બધું અમને જાતે જોવા મળ્યું. સાથે અલગ અલગ સ્ટેજમાં પાકેલું મીઠું અત્યંત સિમેટ્રિકલ રીતે બનાવેલા અગરમાં જોવા મળ્યું. મ્યુઝિયમમાં સોલ્ટ બનાવવાની પ્રોસેસની એક નાનકડી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ છે જ. મ્યુઝિયમની એન્ટ્રી સાઇડની બીજી તરફ તો બીચ જ છે. આ બીચની દિશામાં એક મોટી વ્હેલનું સ્કેલેટન એક થાંભલા પર લગાવેલું છે. મ્યુઝિયમ ભલે નાનકડું હોય, તેની ડિઝાઇન અને એક્સપિરીયન્સ ખરેખર મજાનાં નીકળ્યાં. અહીં એક નાનકડી મ્યુઝિયમ સુવિનિયર શોપ પણ હતી. ત્યાંથી અહીંનું પારંપરિક સી સોલ્ટ અને સાથે ઘણા પ્રકારનાં લેવર્ડ સોલ્ટનાં ગિફ્ટ બોક્સ મળ્યાં. અહીં સ્થાનિક આર્ટિઝને બનાવેલાં ઘણાં સુવિનિયર પણ મળી ગયાં. મ્યુઝિયમનું પોતાનું રેસ્ટોરાં પણ છે. અહીં કેક અને કોફી માટે ઘૂસ્યાં. ત્યાંથી બીચનો વ્યુ મજેદાર હતો અને અંદર એસી ચાલુ હતું. અંતે તો દરિયા કિનારે પણ વધુ પડતી ગરમીમાં એસીવાળી જગ્યા આશીર્વાદ રૂપ જ લાગતી હોય છે. એટલે જ કદાચ કેનેરી ટાપુઓ પર ઉનાળામાં ભાગ્યે જ કોઈ જાય અને જાય તો રિસોર્ટ અને વોટરપાર્કમાં વિતાવીને પાછાં આવે છે. આ એપ્રિલમાં અમે ફુઅર્ટેવેન્ટુરામાં શક્ય હતા તે બધા અનુભવો કરીને પણ અહીં કોઈ પણ સિઝનમાં પાછાં આવવા તૈયાર હતાં. હજી લાન્ઝારોટે જવાનું બાકી હતું. ઘણાં અહીંથી ફેરી લઈને ત્યાં એક-બે દિવસ જઈ આવે છે. ત્યાંની અલગ ટ્રિપ મગજમાં રાખીને અમે ઘરે પાછાં ફર્યાં. હજી આ વર્ષનો ટૂરિસ્ટી સમય શરૂ જ થઈ રહૃાો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button