આવતીકાલે પુત્રદા એકાદશી જાણો આ વ્રત કેમ કરવામાં આવે છે
21મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે વર્ષની બીજી એકાદશી, પૌષ પુત્રદા એકાદશી છે. એકાદશીનું આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે એકાદશીના રોજ નિયમિત ઉપવાસ કરવાથી મનની ચંચળતા દૂર થાય છે અને ધન અને સ્વાસ્થ્ય મળે છે. મહાભારતમાં આ એકાદશી માટે જણાવવામાં આવ્યું છે કે ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૌષ પુત્રદા એકાદશીના વ્રતનું વર્ણન કરવા પ્રાર્થના કરી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ એક કથા સંભળાવી હતી.
ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમાન નામનો રાજા હતો. તે ખૂબ જ બહાદુર, કુશળ શાસક અને સેવાભાવી રાજા હતો. તેના રાજ્યમાં લોકો તેના શાસનથી સંતુષ્ટ અને ખુશ હતા. સમયાંતરે રાજા પ્રજાના હિતમાં શુભ કાર્યો કરાવતા હતા. પરંતુ તે રાજાને કોઈ સંતાન ન હતું. તેથી રાજાને હંમેશા ચિંતા રહેતી હતી કે મારો કોઈ વારસદાર નથી. રાજા રાત-દિવસ વિચારતા હતા કે તેના મૃત્યુ પછી તેનું પિંડદાન કોણ કરશે.
એક દિવસ શિકાર કરવા ગયેલો રાજા ભટકતો ભટકતો જંગલમાં ખૂબજ આગળ પહોંચી ગયો. જ્યાં એક ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. રાજા એ ઋષિને વંદન કર્યા અને પોતાની બધી તકલીફો ઋષિને કહી અને કહ્યું હે ઋષિ, કૃપા કરીને મારા દુઃખનો અંત કરો. પછી ઋષિએ પોષ માસના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ પોષ પુત્રદા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત કરવાથી તમને પુત્રની પ્રાપ્તિ થશે. રાજાએ ઋષિની વાત સાંભળી અને ઉપવાસની રીત વિશે પૂછ્યું અને પરત પોતાના મહેલમાં આવ્યા. ત્યારબાદ રાજાએ તેની પત્ની સાથે ઉપવાસ કર્યો અને સમય જતાં રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ.
વ્રતના દિવસે સવારે સ્નાન કરીને તમારા પૂજા ઘરમાં ભગવાનની પૂજા કરવી. ખાસ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજામાં માતા લક્ષ્મીની પણ મૂર્તિ રાખવી આ ઉપરાંત તુલસી, તલ વગેરેની પૂજાની સામગ્રીમાં રાકવું અને હાથમાં જળ લઈને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. તેમને અને તમારા બાળક સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે પ્રાર્થના કરવી. દિવસ દરમિયાન ઉપવાસ સંબંધિત તમામ જરૂરી નિયમોનું પાલન કરવું, તેમજ મન અને આચારમાં શુદ્ધતા જાળવવી, પૂજા સમયે કથાનો પાઠ કરવો અને બીજા દિવસે પારણા માટે યોગ્ય વ્યક્તિને ભોજન કરાવીને અને દક્ષિણા તરીકે યોગ્ય દાન આપવું.
હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે પૌષ પુત્રદા એકાદશી 21મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. એકાદશી તિથિ 20 જાન્યુઆરી એટલે કે આજે સાંજે 7.26 કલાકે શરૂ થઈ રહી છે અને તે 21મી જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે સાંજે 7.26 કલાકે સમાપ્ત થશે. પૌષ પુત્રદા એકાદશીના પારણાનો શુભ સમય 22 જાન્યુઆરીએ સવારે 7.14 થી 9.21 સુધીનો રહેશે.