આજે પાંચમું નોરતું: સંતાન સુખ અને આરોગ્ય માટે કરો મા સ્કંદમાતાની આરાધના, જાણો પૂજા વિધિ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

આજે પાંચમું નોરતું: સંતાન સુખ અને આરોગ્ય માટે કરો મા સ્કંદમાતાની આરાધના, જાણો પૂજા વિધિ

શરદીય નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. જો કે આ વર્ષે ત્રીજની તિથી બે હોવાથી નવ નહિ પણ દસ નોરતા છે, ત્યારે આજે પાંચમું નોરતું છે. નવરાત્રિની પાંચમી તિથિએ મા દુર્ગાના પાંચમા સ્વરૂપ માતા સ્કંદમાતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન સ્કંદ (કાર્તિકેય)ના માતા હોવાના કારણે દેવીને આ નામ પ્રાપ્ત થયું છે. શાસ્ત્રો અનુસાર, તેમના પૂજનથી સાધકને માત્ર સાંસારિક સુખ-સમૃદ્ધિ જ નહીં, પરંતુ દિવ્ય જ્ઞાન અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે.

સ્કંદમાતાનું સ્વરૂપ અને મહત્ત્વ

દેવી સ્કંદમાતાને સિંહ પર સવાર અને ચાર ભુજાઓવાળી દેવી તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમના વિગ્રહમાં બાળસ્વરૂપ ભગવાન કાર્તિકેય ગોદમાં બિરાજમાન હોય છે. દેવી એક હાથથી વરદ મુદ્રામાં આશીર્વાદ આપે છે, જ્યારે અન્ય બે હાથમાં કમળ ધારણ કરે છે. તેમનો રંગ શ્વેત છે અને તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે, આ કારણથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે.

નવરાત્રિની પંચમીના દિવસે સાધકનું મન ‘વિશુદ્ધ ચક્ર’માં સ્થિત થઈ જાય છે. આ દિવસે સાધકની લૌકિક અને સાંસારિક વૃત્તિઓ શાંત થાય છે અને તે પરમ ચેતન્ય તરફ આગળ વધે છે.

માતાની ઉપાસનાથી આરોગ્ય, બુદ્ધિમત્તા અને જ્ઞાનની પ્રાપ્તિ

સ્કંદમાતાની સાધનાથી આરોગ્ય, બુદ્ધિમત્તા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમની ઉપાસનાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ભક્તને સુખ-શાંતિ મળે છે. વિશેષતા એ છે કે તેમની પૂજા કરવાથી ભગવાન કાર્તિકેયની પણ આપોઆપ ઉપાસના થઈ જાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાથી, તેમના ઉપાસકમાં દિવ્ય કાંતિ અને તેજનો સંચાર થાય છે. સંતાન સુખ અને રોગમુક્તિ માટે સ્કંદમાતાની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

પંચમીના દિવસે માના શ્રૃંગારમાં સુંદર રંગોનો ઉપયોગ કરવો જોઈએ. વિનમ્રતા સાથે દેવી સ્કંદમાતા અને બાલ કાર્તિકેયની પૂજા કરવી જોઈએ. પૂજનમાં કુમકુમ, અક્ષત, પુષ્પ, ફળ અને ચંદનનો ઉપયોગ કરવો અને ઘીનો દીવો પ્રગટાવવો. આ દિવસે મા દુર્ગાને કેળાનો ભોગ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે. ભોગનો પ્રસાદ બ્રાહ્મણને દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને સાધક જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચો…નવરાત્રિનું ચોથું નોરતું: જાણો કેવી રીતે અષ્ટભુજા ધારી મા કુષ્માંડાએ રચ્યું હતું બ્રહ્માંડ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button