શૉકિંગઃ વજન ઉતારવા ગુજરાતીઓ વર્ષે 60 કરોડની દવાઓ ગળી જાય છે…

ગુજરાતી નામ પડે એટલે સીધું ફાફડા,જલેબી, ઢોકળાં અને થેપલા જ યાદ આવે. વાર-તહેવારે જ નહીં, પરંતુ રોજને માટે સ્વાદિષ્ટ ભોજનની જયાફત ઉડાડતા ગુજરાતીઓ આરોગ્ય પ્રત્યે ઉદાસિન હોવાનું વારંવાર કહેવાય છે અને અમુક અંશે સાબિત પણ થયું છે. ત્યારે ફરી એક એવો આંકડો બહાર આવ્યો છે જે ચોંકાવનારો તો છે જ, પરંતુ સાથે માત્ર ભોજન નહીં પણ દવાઓ પણ કરોડોની ઝાપટી રહ્યા છીએ તે પણ બહાર આવ્યું છે.
દવાની કંપની પણ મૂકાઈ ગઈ આશ્ચર્યમાં
માત્ર છ એક મહિના પહેલા ટિર્ઝેપાટઈડ નામની એક મેડિસિન માર્કેટમાં આવી હતી અને દેશભરમાં તેનું એટલું વેચાણ થયું કે છ મહિનામાં કંપની દવાઓની કંપનીના ક્રમાંકમાં બીજા નંબરે આવી ગઈ. આ દવા એન્ટિ-ઓબેસિટી મેડિસિન કેટેગરીમાં આવે છે અને તેની માગ ગુજરાતમાં પણ બહુ છે. ગુજરાતમા લોંચ થયા બાદ કંપનીએ સપ્ટેમ્બર 2025 સુધીમાં રૂ. 61 કરોડનું વેચાણ કર્યું છે, તેમ તેમનો અહેવાલ જણાવે છે.

ચાર વર્ષમાં એન્ટિ-ઓબેસિટી મેડિસિનના વેચાણમાં ચારગણો વધારો થયો છે. ફાર્મા બિઝનેસ સાથે જોડાયેલા લોકો આને લોકોમાં આરોગ્ય માટે આવેલી જાગૃતિ ગણાવે છે. આ સાથે વજન વધવાની સાથે ડાયાબિટિસ કે હાઈપર ટેન્શનના પેશન્ટ પણ આનો ઉપયોગ કરે છે.
જોકે ડોક્ટરોનો વર્ગ આ ટ્રેન્ડને જોખમી ગણાવી રહ્યા છે. તેમના કહેવા અનુસાર વેઈટ લોસ મેનેજમેન્ટ ડોક્ટર, ડાયેટિશિયન અને પેશન્ટ એમ ત્રણેયના સાગમટા પ્રયાસથી થાય છે. આ રીતે દવાઓ ખાવાથી અમુક સમયે કિડની સહિતની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
અમુક ડોક્ટરો એમ પણ જણાવે છે કે આવી દવાઓને ઓનલાઈન ટ્રેન્ડિંગમાં લાઈફસ્ટાઈલ સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ તે મેડિસિન છે અને તેને ડોક્ટરની સલાહ અનુસાર જ લેવી જોઈએ.



