સ્પેશિયલ ફિચર્સ

આખરે કેમ મેદાની પ્રદેશમાં જોવા મળતાં વાઘ ઉંચાઈવાળા વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે?

વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને દેખાવમાં રોયલ લાગતું આ પ્રાણી વાઈલ્ડલાઈફ લવર્સના દિલો પર રાજ કરે છે… પરંતુ આ પ્રાણીને લઈને જ એક ચિંતાજનક તારણ સામે આવી રહ્યું છે. હંમેશા મેદાન અને સપાટ પ્રદેશમાં જોવા મળતાં વાઘ હવે ઊંચાણવાળા પ્રદેશની તરફ આગળ વધી રહ્યા છે. આ ચોંકાવનારું તારણ ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાંથી હિમાલયમાં ઊંચાણવાળા વિસ્તારની તરફ આગળ વધી રહ્યા છે એ પેટર્નનો અભ્યાસ કરીને તારવવામાં આવ્યું છે.

વાઘ હવે ઉંચાણવાળા વિસ્તારમાં આગળ વધી રહ્યા છે અને સામાન્યપણે 1263 ફૂટ પરના સપાટ અને જંગલ વિસ્તારમાં જોવા મળતાં હતા પરંતુ છેલ્લાં કેટલાક દિવસમાં ઉત્તરાખંડના 7000 ફૂટથી વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. 12મી ડિસેમ્બર, 2023ના વાઘ 1870 મીટર (6135 ફૂટ)ની ઉંચાઈ પર અલ્મોડામાં જાગેશ્વર ખાતે વાઘ જોવા મળ્યો હતો અને ત્યાર બાદ બિનસરમાં પણ વાઘ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બિનસર 2250 મીટરની ઉંચાઈ પર આવેલું છે એટલે કે આશરે 7382 ફૂટ…


આટલી ઠંડીવાળા વિસ્તારમાં વાઘ જોવા મળતાં લોકોમાં ગભરાટની લાગણી જોવા મળી રહી છે. વનવિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં સવાલ એ ઉપસ્થિત થાય છે કે આખરે મેદાની અને સમતળ પ્રદેશમાં જોવા મળતાં વાઘ આખરે કયા કારણસર ઉંચાઈવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે?


સામાન્યપણે મેદાની પ્રદેશમાં જોવા મળતો વાઘ 12મી ડિસેમ્બર જાગેશ્વર ધામ પાસે શૌકિયાથલમાં જોવા મળ્યો હતો સ્થાનિકોએ આ વાઘને મોબાઈલમાં કેદ કર્યો હતો. એક દિવસ બાદ જ એટલે કે 13મી ડિસેમ્બરના આ વાઘ ડીએફઓ ધ્રુવ મર્તોલિયાને બિનસરમાં જોવા મળ્યો હતો. વાઘનું આ અસામાન્ય વર્તન વનઅધિકારીઓને તો ચિંતામાં મૂકી જ રહ્યું છે પણ એની સાથે સાથે સ્થાનિકોમાં પણ ભયની લાગણી જોવા મળી રહી છે.


જોકે, આ પહેલી વખત નથી કે વાઘ પહાડોની તરફ આગળ વધી રહ્યા હોય. આ પહેલાં પણ તેઓ પહાડ તરફ જતાં હતા. શિયાળામાં જ્યારે પણ વધારે બરફ પડે ત્યારે ગોવાળિયા પોતાના ઘેટા-બકરા ચરાવવા મેદાની પ્રદેશમાં આવતા હતા અને જેવું બરફ પિગળી જાય એટલે તેઓ પાછા ઉંચાણવાળા વિસ્તારમાં પહોંચી જતા હતા. એ સમયે વાઘ સરળ શિકારની શોધમાં તેમની પાછળ પાછળ પર્વતીય વિસ્તારમાં પહોંચી જતા હતા.


જિમ કોર્બેટની બુક મેન ઈટર્સ ઓફ કુમાઉંમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કદાચ વાઘના આ અસામાન્ય વર્તન પાછળ શિકાર એક કારણ હોઈ શકે છે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button