એક વૃદ્ધ ફિલોસોફરના ત્રણ પુત્રો હતા. ત્રણેય બહુ જ શેતાન, ખૂબ ચંચળ અને મસ્ત. ફિલોસોફરની ગંભીરતા એમને સ્હેજેય સ્પર્શી શકી નહોતી. ફિલોસોફરને બહુ દુ:ખ થતું કે એના દીકરાઓ બૂરી વાતોમાં રસ લેતા, ગંદી ગંદી વાતો કરતા. એણે એક દિવસ ત્રણેયને બોલાવ્યા ને કહ્યું: ‘તમે લોકો વાંદરા જેવા ચંચળ છો, પણ તમે પેલા ત્રણ વાંદરાઓ જેવા હોત તો કેવું સારું હોત કે ત્રણ આદર્શ વાનર બની શકતે!’ ત્રણેય છોકરાને કાંઇ સમજાયું નહીં, છતાં એમને કુતૂહલવશ નાના છોકરાએ પૂછ્યું: ત્રણ આદર્શ વાંદરાઓ કોણ છે? અમને સમજાવો.
પિતાએ પેલા ત્રણ વાંદરા વિશે સમજાવ્યું કે એક વાંદરાએ આંખો બંધ રાખી છે, જેથી એ કોઇનું બૂરું ના જુએ બીજાએ મોં બંધ રાખ્યું છે, જેથી બૂરું ના બોલે અને ત્રીજાએ કાન બંધ રાખ્યા છે, જેથી બૂરું ના સાંભળે! બાપે સમજાવ્યું કે તમે લોકો પણ એ ત્રણ વાંદરાઓની જેમ રહો તો કેવું સારું? મારો આત્મા કેટલો પ્રસન્ન રહે! ત્રણેય દીકરા માથું ઝુકાવીને ચાલતા થયાં. નદી કિનારે ઘણીવાર સુધી પાણીમાં પથ્થરો ફેંકતા રહ્યા અને પછી નાના દીકરાએ કહ્યું: હવે મને થાય છે કે પિતાની આજ્ઞા માનું ને જીવનભર મોંમાંથી કશું જ બોલીશ નહીં. એકદમ સાચી વાત હોય તોય કોઇની બૂરાઇ નહીં કરું.
બીજા દીકરાએ કહ્યું: હું પણ મારા કાનથી બૂરી વાત સાંભળીશ નહીં! ત્રીજાએ પણ આંખોનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો. આમ ત્રણેય દીકરાએ આદર્શ વાંદરાઓની જેમ વર્તવાનો નિર્ણય લીધો પછી પિતાને કહેવડાવ્યું કે હવેથી એ ત્રણેય આદર્શ વાંદરાની જેમ વર્તશે અને શહેરમાં નોકરીની ખોજમાં રવાના થઇ ગયા. ત્રણેય દીકરા ચાર રસ્તે પહોંચ્યા અને ફરીથી પોતપોતાની પ્રતિજ્ઞા યાદ કરી અને ત્રણ અલગ અલગ રસ્તા પર નોકરી શોધવા રવાના થઇ ગયા. ફિલોસોફર પિતાએ બહુ સમય સુધી ત્રણેય દીકરાઓની પાછા ફરવાની રાહ જોઇ પણ એ લોકો પાછા ના જ આવ્યા.
પુત્રોના વિરહથી પિતા હવે દુ:ખી રહેવા લાગ્યા. પુસ્તકોમાં પણ એમનું મન નહોતું લાગતું. એક દિવસ ગુસ્સામાં આવીને એણે પેલા ત્રણ આદર્શ વાંદરાઓની મૂર્તિ ફેંકી દીધી, કારણ કે એના લીધે જ એ આજે પોતાનાં સંતાનોથી વિખૂટો પડી ગયો હતો… પછી એ ફિલોસોફર વિચારવા માંડ્યો કે જેવી એના દીકરાઓની છાપ હતી કે પછી ગામમાં પ્રચાર હતો એટલા ખરાબ નહોતા. આખો વાંક સમાજનો છે. હવે એ ફિલોસોફર પિતા બધાની બૂરાઇ કરવા માંડ્યો. હવે બધા લોકોમાં એને કોઇને કોઇ દોષ દેખાવા માંડ્યો. ફિલોસોફર સૌની બૂરાઇઓને કાન ધરીને સાંભળવા માંડ્યો.
એણે પોતાનું એકાંતભર્યું જીવન છોડી દીધું ને સૌની બૂરાઇ-ભલાઇ શોધવામાં મચી પડ્યો. થોડા દિવસ સુધી તો લોકોએ એ ફિલોસોફરની આવી વાતનું સન્માન કર્યું પણ પછી કંટાળીને એ લોકો ફિલોસોફરની જ બૂરાઇ કરવા માંડ્યા. પછી ફિલોસોફરને સમજાયું કે આજકાલ એનું માણસોની બૂરાઇ વિશેનું અને સમાજની બદીઓ વિશેનું જ્ઞાન કે નિરીક્ષણ વધી રહ્યું છે. એના દીકરાઓમાં પણ એવું જ જ્ઞાન હતું. એ લોકો સાવ ખરાબ નહોતા. સાચા હતા! થોડા વરસ બાદ ત્રણેય દીકરા ઘરે પાછા આવ્યા. એમનું રૂપ અને દેખાવ સાવ બદલાઇ ગયેલા. એ લોકો જાણે ઓળખાતા જ નહોતા. ફિલોસોફર પિતાની આંખોમાં આંસુ આવી ગયા. એણે પૂછ્યું:
તમે લોકો આજકાલ શું કરો છો? અને છો ક્યાં તમે? સૌથી મોટા દીકરાએ કહ્યું: મેં મારી આંખોથી કોઇની બૂરાઇ ના જોવાની પ્રતિજ્ઞા લીધી હતી તો એનું પાલન કરું છું. હું સરકારી પ્રચારક બની ગયો છું. આંખોથી કાંઇ જોતો નથી, માત્ર કાનથી સરકારનો હુકમ લઉં છું અને મોઢેથી એનો જ પ્રચાર કરું છું. બીજા દીકરાએ કહ્યું : હું તો નેતા બની ગયો છું.
કાનથી કોઇની વિનંતિ હોય, અરજી હોય કે કોઇની બૂરાઈ હોય એ કશું નથી સાંભળતો અને દેશમાં બધે ફરે રાખું છું અને મોંથી ભાષણ આપ્યા કરું છું. ત્રીજાએ કહ્યું: તમે બે તો હજી યે બહુ સારા છો. મેં તો મોંથી કાંઇ ના બોલવાનો નિર્ણય લીધેલોને? તો હવે હું સરકારી વિભાગમાં ક્લાર્ક છું. બધી બૂરાઇ કાનથી સાંભળું છું, મારી આંખોથી જોઉં છું, પણ મોંથી કાંઇ જ નથી બોલતો!
Also Read –