મન મોહી લેશે આ દિલ્હીનો રિક્ષાવાળો! માંજરી આંખોના કામણથી રાતોરાત ઇન્ટરનેટ પર થયો વાઇરલ
તમને પાકિસ્તાનનો પેલો દેખાવડો ચા વાળો યાદ છે? તે હતો તો ચા વાળો, પરંતુ તેના લુક્સ પર લોકો એટલા ફિદા થઇ ગયા કે જોતજોતામાં તે ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ગયો. રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની જતા તેને મોડિલિંગની ઓફર પણ મળવા લાગી અને તેનું જાણે જીવન પલટાઇ ગયું.
હવે આ જ પ્રકારે દિલવાલી દિલ્હીના રસ્તા પર સાઇકલ રિક્ષા ચલાવતો એક યુવક તેની માંજરી આંખોને કારણે ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યો છે. ફ્રેમ્સ બાય અંકિત નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ રિક્ષાવાળાની તસવીરો પોસ્ટ થઇ હતી. આ પેજ અંકિત નામના એક યુવકનું છે, જૂની દિલ્હીની ગલીઓમાં ફરતા ફરતા તે આ રિક્ષાવાળાના સંપર્કમાં આવ્યો, તેની સાથે થોડીઘણી વાતચીત કરી અને પછી તેણે તેના ફોટા પાડ્યા. રિક્ષાવાળાએ અંકિત સાથે ઘણી વાતો શેર કરી, કહ્યું કે તે સવારના 5 વાગ્યાથી લઇને રાત્રે 8 વાગ્યા સુધી કામ કરે છે. યુપીના એક ગામડામાં રહેતા તેના પરિવારને સપોર્ટ કરવા તે દરરોજ સતત 15 કલાક કામ કરે છે.
અંકિતની પોસ્ટ પર ઇન્સ્ટા યુઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે તે ઈટાલિયન મોડલ જેવો લાગે છે. કેટલાક યુઝર્સે તેની સરખામણી હૃતિક અને અન્ય હીરો સાથે કરી છે. એક યુઝરે લખ્યું કે ફોટો લેનાર વ્યક્તિ તેની આંખોની સુંદરતાને સારી રીતે સમજી ગયો હતો. એક યુઝરે લખ્યું કે આ રિક્ષાચાલકની સામે મોડલ પણ ફેલ થઈ ગયા. કેટલાય યુઝર્સે તેની પાકિસ્તાની ચા વાળા સાથે સરખામણી કરતા લખ્યું કે તેણે ચોક્કસ મોડલ બનવું જોઈએ.