બોલો આ માણસે રેલવેની ટિકિટ ખરીદી છતાં રેલવેને લાગ્યો એક લાખનો ચૂનો

ઈન્ડિયન રેલવે હોય કે અન્ય કોઈ દેશની રેલસેવા હોય, પ્રવાસીઓની હંમેશાં પહેલી પસંદ રહેતી હોય છે. લાંબા પ્રવાસ માટે સૌથી આરામદાયક અને કિફાયતી સેવાઓ રેલવે આપે છે. પણ રેલવેને નુકસાન કરનારા પણ ઘણા છે. આપણા દેશમાં દર મહિને એવા ખુદાબક્ષો ઝડપાઈ છે જે રેલવેની મુસાફરી ટિકિટ વિના કરવાની મજા માણવા માગતા હોય છે. આવો જ એક યુવાન બ્રિટેનમાં પણ પાક્યો જેણે રેલવેને એકાદ બે હજાર નહીં લગભગ રૂ. લાખનો ચૂનો લગાવ્યો. હવે સવાલ એ છે કે બિ્રટન રેલવેને ખબર ન પડી કે કોઈ તપાસ ત્યાં થતી નથી…તો ભઈ બ્રિટન રેલવેને ખબર છે, છતાં તે આ સ્માર્ટીનું કંઈ બગાડી શકે તેમ નથી. તેનું કારણ તમારે જાણવું છે તો આ આખી ન્યૂઝ વાંચો.
આ રીતે રેલવેનો ફાયદો ઉઠાવ્યો આ રાઈટરે
માત્ર 29 વર્ષના રાઈટર એડએ ટિકિટ તો ખરીદી પણ તે પહેલા તેણે ટ્રેનના ટાઈમટેબલનો એકદમ બારીકાઈથી અભ્યાસ કર્યો. કઈ ટ્રે ક્યા કેટલી મિનિટ લેટ આવે જાય છે તેની સંપૂર્ણ માહિતી મેળવી. આમ કરવાથી તે ટિકિટ ખરીદતો ગયો, મુસાફરી કરતો ગયો અને રિફંડ પણ મેળવતો ગયો. તે બુકિંગ એવી રીતે જ કરતો કે મોટેભાગે તે ટ્રેન લેટ હોય અને તેને રિફંડ મળી જતું.
જો અહેવાલનું માનીએ તેણે 2023 માં કરેલી બધી મુસાફરીના પૈસા પાછા મેળવ્યા અને ત્રણેક વર્ષમાં મોટેભાગે પૈસા ખર્ચ્યા વિના મુસાફરી કરી અને તેને ₹1.06 લાખથી વધુ બચાવ્યા.
નિયમો મુજબ જો ટ્રેન 15 મિનિટ મોડી થાય છે, તો 25% રિફંડ આપવામાં આવે છે, જો ટ્રેન 30 મિનિટ મોડી થાય છે, તો 50% રિફંડ આપવામાં આવે છે, અને જો ટ્રેન એક કલાકથી વધુ મોડી થાય છે, તો સંપૂર્ણ રકમ પરત કરવામાં આવે છે.
એડની આ ટ્રિક ઘણાને ગમી છે અને તેના હૉમવર્કના લોકો વખાણ કરી રહ્યા છે. બીજી બાજુ રેલવે પાસે તેની સામે પગલાં લેવા જેવું કંઈ નથી કારણ કે રેલવેને પોતાના વાંકે જ તેને રિફંડ આપવું પડ્યું છે. ખાલી વિચાર એટલો જ આવે કે જો મુંબઈની લોકલ ટ્રેનને મોડી પડવા માટે આ રીતે રિફંડ મળે તો પ્રવાસીઓને જલસા પડી જાય.