આપણા દેશની શાળાઓ, ભણતર અને ફીની ચર્ચા હંમેશા એક મહત્વનો વિષય રહ્યો છે. બિહારની એક શાળા તેના બાળકો પાસેથી ફી વસૂલવાની પદ્ધતિને લઇને વાહવાહી મેળવી રહી છે. આ સ્કૂલમાં શિક્ષકો બાળકોને ફી તરીકે રૂપિયા નહી પરંતુ કચરો લાવવાનું કહે છે, અને બાળકો પર ફક્ત તેમના ઘરેથી જ નહિ પરંતુ રસ્તામાં મળેલા કચરાને પણ સ્કૂલે લઇ આવે છે. બાળકો પાસેથી મેળવેલા આ કચરાને શાળા રિસાયકલીંગ માટે મોકલી આપે છે અને આ રીતે બાળકોમાં પણ સ્વચ્છતાના સંસ્કારનું સિંચન થાય છે.
આ શાળા બિહારના ગયા જિલ્લામાં આવેલી છે. તેનું આખું નામ પદ્મપાણિ સ્કૂલ છે જે પદ્મપાણિ એજ્યુકેશનલ એન્ડ સોશિયલ ફાઉન્ડેશન વડે સંચાલિત છે. આ ગામની આસપાસ અન્ય કોઈ સરકારી શાળા નથી અને અહીંના બાળકો ખૂબ જ ગરીબ પરિવારના છે. આ શાળાની સ્થાપના ગરીબ બાળકોને શિક્ષણ આપવાના હેતુસર થઇ હતી. આ શાળા સંપૂર્ણપણે દાન પર ચાલે છે અને શાળાને જે પણ દાન મળે છે તેમાંથી બાળકોને મફત શિક્ષણ, ખોરાક, નોટબુક, પેન, પગરખાં અને કપડાં આપવામાં આવે છે.
હાલમાં આ શાળામાં ધોરણ 1 થી ધોરણ 8 સુધી કુલ 250 બાળકોને ભણાવવામાં આવે છે. સ્કૂલ મેનેજમેન્ટે કેટલાક સમય પહેલા નિર્ણય લીધો હતો કે બાળકોને એવું ન લાગવું જોઇએ કે તેમને મફતમાં ભણાવવામાં આવે છે, તેના બદલે, તેમને દરરોજ કચરો ભેગો કરવાનું કહેવામાં આવે છે. આથી હવે બાળકો શાળા માટે જેવા ઘરેથી નીકળે કે તરત જ તેઓ રસ્તામાં જે પણ કચરો મળે તે ઉપાડી લે છે. ત્યારપછી શાળામાંથી તે કચરો રિસાયકલીંગ માટે મોકલી દેવાય છે.
આ શાળામાં વીજ કનેક્શન પણ નથી, સૌર ઉર્જાથી આખી શાળા ચાલે છે. ગયાની આ શાળા પર્યાવરણ સંરક્ષણનો મોટો સંદેશ આપી રહી છે. શાળાના બાળકોએ ગામના રસ્તાની બાજુમાં હજારો વૃક્ષો વાવ્યા છે. હવે આ શાળાથી પ્રેરિત થઈને આસપાસના લોકોએ પણ તેમના ગામ અને વિસ્તારની નિયમિત સફાઈ કરવાનું શરૂ કર્યું છે.