20 કિલોના 15 ફૂટ લાંબા કોબ્રાને કાબૂ કરવા આ મર્દાનીને લાગી માત્ર છ જ મિનિટ, વીડિયો થયો વાઈરલ…

15 ફૂટનો કોબ્રા જો તમારી સામે આવે તો તમે શું કરો? સ્વાભાવિક છે કે તમે શક્ય હોય એટલું સાપથી દૂર જશો અને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસવાનો પ્રયાસ કરશો કે પછી કોઈ એને રેસ્ક્યુ કરવા આવે એની રાહ જોશો બરાબર ને? પણ તિરુવનંતપુરમની ફોરેસ્ટ ઓફિસર જીએસ રોશનીને 15 ફૂટના કોબ્રા પર કાબૂ મેળવવા માટે માત્ર 6 જ મિનિટનો સમય લાગ્યો હતો. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી-
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રોશની 20 કિલોના કોબ્રાને કન્ટ્રોલ કરતી જોવા મળી રહી છે. આઠ વર્ષના પોતાના કરિયરમાં રોશની 800થી વધુ ઝેરી અને જોખમી સાપને રેસ્ક્યુ કરી ચૂકી છે. રોશની પાંચ સદસ્યવાળી રેપિડ રિસ્પોન્સ ટીમનો હિસ્સો હતી, જે સ્થાનિકો દ્વારા ન્હાવા માટે ઉપયોગ લેવાતા ઝરણા પાસે સાપને રેસ્ક્યુ કરવા માટે પહોંચી હતી. આ જગ્યા અંચુમારુથુમુડ વન ક્ષેત્રમાં આ જગ્યા આવેલી છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રોશની એકલી જ આ કોબ્રાને કાબુમાં કરતી જોવા મળી રહી છે. તેના હાથમાં એક વળાંકદાર લાંબી છડી અને બીજા હાથમાં એક બેગ છે, જેમાં નાખીને કોબ્રાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ સાપ ફણ ફેલાવીને વારંવાર રોશની પર હુમલો કરવાની ફિરાકમાં હતો, જોકે રોશની પોતાની કાબેલિયત અને સાહસના જોરે તેને કાબુ કરવામાં સફળ રહી હતી.
કિંગ કોબ્રા સામાન્યપણે દક્ષિણ કેરળમાં ખૂબ જ ઓછા જોવા મળે છે અને આ જ કારણ છે કે આ પ્રજાતિના સાપનો રોશનીએ પહેલી જ વખત જ બચાવ કર્યો હતો. રોશનીએ જણાવ્યું હતું કે સાપને બપોરે 12.30 કલાકે પકડવામાં આવ્યો અને બાદમાં તેને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
ફોરેસ્ટ ઓફિસર રોશનીના આ વાઈરલ વીડિયો પર નેટિઝન્સ લાઈક અને કમેન્ટ કરીને રોશનીની બહાદુરીના વખાણ કરતાં નથી થાકી રહ્યા. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો… પછી કહેતા નહીં કે કીધું નહોતું એમ…