હવે માર્કેટમાં આવી આવા ડાઘવાળી જીન્સ, તમે ખરીદશો…..?
લક્ઝરી ફેશન બ્રાન્ડ્સ તેમના ગ્રાહકોને કંઇક નોખું અને યુનિક આપવા માટે અવનવી ફેશન લાવતા રહે છે. ક્યારેક તેઓ ફાટેલુ જીન્સ તો ક્યારેક ડેન્જરસલી લો-રાઇઝ જીન્સ વગેરે જેવી અતરંગી ફેશન માર્કેટમાં મૂકે છે અને પછી તો યુથમાં તેનો ક્રેઝ બની જાય છે. જોકે, એ વાત અલગ છે કે લક્ઝરી ફેશન બ્રાન્ડ્સ આસમાની હોય છે, પણ બજારમાં તેની સસ્તી નકલો આવતા વાર નથી લાગતી. હાલમાં વિદેશી બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાનાની રૂ.32,000ની “ખાકી સ્કી માસ્ક કેપ” અને હ્યુગો બોસની રૂ. 9,000 ફ્લિપ-ફ્લોપ સહિત ઘણી વસ્તુઓ ઇન્ટરનેટ પર યુથમાં લોકપ્રિય છે. હવે બ્રિટિશ-ઈટાલિયન બ્રાન્ડ તેનાથી પણ આગળ વધી ગઈ છે. આ બ્રાન્ડ મોટે ભાગે “સ્ટેન સ્ટોનવોશ જીન્સ” વેચે છે. હવે આ બ્રાન્ડ એવું જીન્સ વેચી રહી છે, જેના પર પેશાબના ડાઘ ‘પી સ્ટેઇન્ડ’ દેખાય છે. પેશાબના ડાઘવાળું આ જીન્સ ઊંચી કિંમતે વેચવામાં આવી રહ્યું છે. બ્રિટિશ-ઈટાલિયન લક્ઝરી બ્રાન્ડ લુકા માર્ચેટ્ટો અને જોર્ડન બોવેન દ્વારા બનાવવામાં આવેલું આ જીન્સ “જોર્ડનલુકા” નામથી વેચવામાં આવી રહ્યું છે.
આ ‘પી સ્ટેઇન્ડ’ જીન્સની ખાસિયત એ છે કે તેમાં નીચેની બાજુએ એક ડાઘ છે, જે બિલકુલ પેશાબના ડાઘ જેવો દેખાય છે અને Believe it or not પણ આ જીન્સની કિંમત ઘણી વધારે છે. આ જીન્સની કિંમત લગભગ રૂ. 67,600 છે અને લાઇટ કલરના જીન્સની કિંમત લગભગ રૂ. 50,000 છે. જોકે, આ લાઇટ કલરનું જીન્સ હાલમાં ઉપલબ્ધ નથી એમ કંપની જણાવે છે. આ એક હાઇવેસ્ટ જીન્સ છે અને પગમાં નીચેથી ફીટ (નેરો કટ) છે.
ઇન્ટરનેટ પર લોકોને આ જીન્સ બિલ્કુલ પસંદ નથી આવી રહ્યું અને તેઓ જુદી જુદી કમેન્ટસ કરી રહ્યા છે. આટલા મોંઘા જીન્સ પર પેશાબના ડાઘા! એમ નેટિઝન્સ જણાવી રહ્યા છે તો કેટલાક યુઝર્સ જણાવે છે કે આટલા મોંઘા જીન્સ પર આવા ડાઘા! … લોકો પોતાની પેન્ટ ભીની કરીને જાતે જ આવા જીન્સ બનાવી શકે છે. એમાં પૈસા શું કામ વેડફવાના… તો કેટલાક યુઝર્સે તો સીધો સવાલ કર્યો છે કે આવા જીન્સ શું કામ પહેરવાના….
આ જીન્સ વિશે તમારું શું કહેવું છે અમને જરૂરથી જણાવજો.