ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સુખનો પાસવર્ડ : પ્રતિભા હોય તો અવરોધોને અવગણીને આગળ વધો

આશુ પટેલ

એક યુવાન ફિલ્મલેખકે કહ્યું: ‘મને કોઈ તક આપતું નથી અને ઘણા તો મને દબાવવાની કોશિશ કરે છે. ફલાણા પ્રોડક્શન હાઉસમાં મારી સ્ટોરી ફાઇનલ થવાની જ હતી ત્યાં એક જાણીતા ગાયકે ડિરેક્ટરને વણમાગી સલાહ આપી કે આ સ્ટોરીમાં દમ નથી. એને કારણે ડિરેક્ટરે મને ના પાડી દીધી…’

એ યુવાને ઘણી હૈયાવરાળ ઠાલવી. મેં એને શાંતિથી સાંભળ્યા પછી સલાહ આપી કે ‘તું પહેલો લેખક નથી કે જેને આવો અનુભવ થયો હોય, પણ તારે આ ક્ષેત્રે આગળ વધવું હોય તો હિંમત હાર્યા વિના કોશિશ ચાલુ રાખવી જોઈએ. તારામાં પ્રતિભા સાથે ધીરજ હશે તો કોઈ તને અટકાવી નહીં શકે. અને જે ડિરેક્ટર પોતે નિર્ણય ન લઈ શકતો હોય અને બીજાની સલાહના આધારે કામ કરતો હોય તો એની સાથે કામ કરવાનો મતલબ નથી.’

એ પછી મેં એને ગઈ સદીના વિખ્યાત ગીતકાર નીરજના જીવનનો એક કિસ્સો કહ્યો.

છ દાયકા અગાઉ નીરજ ગીતકાર તરીકે જાણીતા બની ચૂક્યા હતા એ પછીની આ વાત છે. એ સમયમાં પૃથ્વીરાજ કપૂર સાથે એમને ગાઢ દોસ્તી થઈ ગઈ હતી.

એક દિવસ નીરજે સામેથી પૃથ્વીરાજ કપૂરને કહ્યું: ‘તમે તમારા દીકરા રાજ કપૂરને મારી ભલામણ કરો ને કે તે તેની કોઈ ફિલ્મ માટે મારી પાસે ગીત લખવાની તક આપે.’

એ વાતને પછી થોડા મહિનાઓ વીતી ગયા. એક મધરાતે નીરજના ઘરનો દરવાજો કોઈએ ખખડાવ્યો. નીરજ આંખો ચોળતા ઊભા થયા. ઘડિયાળમાં જોયું તો રાતના બે વાગ્યા હતા : ‘અત્યારે વળી કોણ હશે?’ એમ વિચારીને દરવાજો ખોલ્યો તો બહાર પૃથ્વીરાજ કપૂર ઊભા હતા! એમણે કહ્યું : ‘તમને રાજે એની નવી ફિલ્મનું ગીત લખવા માટે બોલાવ્યા છે.’

રાજ કપૂરને મળવા નીરજ ગયા. રાજ કપૂરે કહ્યું, ‘મેરા નામ જોકર’ ફિલ્મ માટે મને જોકર પર એક ગીત જોઈએ છે.’

એ પછી નીરજે ગીત લખ્યું: ‘કહેતા હૈ જોકર સારા જમાના, આધી હકીકત આધા ફસાના. ચશ્મા ઉતારો ફીર દેખો યારોં, દુનિયા નઇ હૈ ચહેરા પુરાના…’

નીરજે એ ગીત સંભળાવ્યું તો રાજ કપૂર ખુશ થઈ ગયા : ‘મારે આવું જ ગીત જોઈતું હતું.’

જોકે, એ વખતે રાજ કપૂરને વહાલા થવા માગતા કેટલાક નમૂનાઓએ કહ્યું: ‘આ ગીતમાં તો દમ નથી.’

નીરજે કહ્યું, ‘આ સિચ્યુએશન માટે આ ગીતથી સારું ગીત કોઈ લખી આપે તો હું લખવાનું છોડી દઈશ.’

રાજ કપૂરે કહ્યું: ‘ના, મારે આ જ ગીત જોઈએ છે.’

એ ગીત લખ્યા પછી નીરજ અલીગઢ (ઉત્તર પ્રદેશ) ચાલ્યા ગયા હતા. વળી એક દિવસ રાજ કપૂરે એમને કોલ કર્યો અને કહ્યું: ‘નીરજજી, મને જોકર અને સરકસ પર હજુ એક ગીત જોઈએ છે… મળવા આવી જાઓ.’

નીરજ મુંબઈ આવ્યા. રાજ કપૂરે સિચ્યુએશન સમજાવી કે ‘સરકસ પર એક ગીત લખવાનું છે. જોકર એ ગીત ગાઈ રહ્યો છે…’ ફિલ્મની સિચ્યુએશન સમજીને નીરજ વિચારવા લાગ્યા કે જોકર શું ગાશે. એમણે કહ્યું: ‘આ ગીત લખવાનું કામ અઘરું છે. જોકર ન તો કોઈ ગીત ગાઈ શકે, ન ગઝલ કે ન તો ભજન ગાઈ શકે. એ કેવી રીતે ગાશે એ વિચારવું પડશે.’

રાજ કપૂરે કહ્યું: ‘એ તમે વિચારો.’

એ પછી રાજ કપૂર એમને પોતાના પૂનાના ઘરે લઈ ગયા. રસ્તામાં કારમાં પણ બંને વચ્ચે એ ગીત વિષે વાત થતી રહી.

નીરજે કહ્યું, ‘આ સિચ્યુએશન પર એક જ પ્રકારનું ગીત લખી શકાય, જેનો કોઈ પ્રકાર જ ન હોય! આ ગીતમાં વાતો હશે. જોકર એ રીતે ગીત ગાશે જાણે વાતો કરતો હોય. એવું લાગશે કે કોઈ માણસ બીજા સાથે વાત કરી રહ્યો છે અને એને જ ગીત બનાવી દીધું છે.’

એ પછી નીરજે લખ્યું: ‘એ ભાઈ, જરા દેખ કે ચલો. આગે હી નહીં પીછે ભી, દાયે ભી નહીં બાયે ભી, ઉપર હી નહીં નીચે ભી’

એમણે એ વિચાર્યું કે આ સરકસ છે. જેવી રીતે એ ફિલ્મનો સૂર છે કે જિંદગી ત્રણ કલાકનો શો છે. બાળપણ-જવાની અને ત્રીજા તબક્કામાં વૃદ્ધત્વ. એમણે એ ગીત એવી રીતે લખ્યું કે એમાં સરકસ અને માણસની જિંદગીને જોડી દીધી.

રાજ કપૂરને એ ગીત પણ ગમી ગયું. એને સંગીતબદ્ધ કરવા માટે શંકર-જયકિશનને આપ્યું ત્યારે તકલીફ ઊભી થઈ. એમણે એ ગીતની ધૂન બનાવવાની કોશિશ કરી, પરંતુ ઘણા પ્રયત્નો પછી ય એ ગીતની ધૂન ન બની શકી. બહુ માથાકૂટ કર્યા પછી પણ ધૂન ન બની શકી એટલે શંકર-જયકિશન અકળાઈ ઊઠ્યા.

એમણે નીરજજીને કહ્યું: ‘આ ગીત તદ્દન વાહિયાત છે. આ ગીતની ધૂન બની જ નહીં બની શકે. રાજ કપૂરને મૂર્ખ બનાવી રહ્યા છો તમે! નવું ગીત લખી આપો. આ તો ગીત છે જ નહીં!’

નીરજે કહી દીધું: ‘હા, હું તમારી વાત સાથે સહમત છું. આ ગીત છે જ નહીં!’

આ પણ વાંચો…આરોગ્ય પ્લસઃ શરીરની કામગીરી ખોરવી નાખે જિદ્દી કબજિયાત

રાજ કપૂર વચ્ચે પડ્યા. બધાને શાંત પાડ્યા અને નીરજજીને કહ્યું: ‘મારે આ જ ગીત જોઈએ છે. તમે આ ગીતની ધૂન બનાવવાની કોશિશ કરો.’ એ પછી નીરજે એ ગીતની થોડી ધૂન બનાવી. શંકર-જયકિશને એ ધૂન આગળ વધારી અને છેવટે એ ધૂન ફાઇનલ થઈ અને આજે પણ લોકો એ ગીતને યાદ કરે છે.

સાર એ છે કે પોતાનામાં પ્રતિભા હોય તો ધીરજ સાથે જે-તે ક્ષેત્રમાં આગળ વધવા માટે કોશિશ ચાલુ રાખવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button