મેટિનીસ્પેશિયલ ફિચર્સ

વહીદાજીએ બંધ કરેલો દરવાજો શબાના માટે ખુલ્યો…

હેન્રી શાસ્ત્રી

આયુષ્યના અમૃત મહોત્સવમાં પ્રવેશ કરનારી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુવર્ણ જયંતી પૂર્ણ કરનારી શબાના આઝમીનું યોગદાન સો ટચના સોના જેવું રહ્યું છે

‘બેસ્ટ એક્ટ્રેસ’ના પાંચ નેશનલ એવોર્ડ, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી સાથે ૧૯૭૦ના દાયકામાં ખીલી ઊઠેલા ‘સમાંતર સિનેમા’નાદોરની એક મહત્ત્વની આધારસ્તંભ અને ૧૯૮૦ના તબક્કામાં હિન્દી કમર્શિયલ ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન મજબૂત કરનારી અભિનેત્રી શબાના આઝમીએ તાજેતરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષ પૂરા કર્યા.

૧૮ સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે જન્મેલી શબાનાએ આયુષ્યના અમૃત મહોત્સવી વર્ષમાં પ્રવેશ કર્યો છે. શબાનાનું કાર્યફલક એટલું વિશાળ છે કે એને એક લેખમાં સમાવી ન શકાય, પણ આ અનોખા સંગમ નિમિત્તે કેટલીક વિશિષ્ટ વાતનો ઉલ્લેખ જરૂરી બને છે.

પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં અભિનયનો એકડો ઘૂંટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કોન્ફિડન્સ સાથે પ્રવેશેલી શબાના આઝમી ખ્વાજા એહમદ અબ્બાસની ‘ફાસલા’, કાંતિલાલ રાઠોડની ‘પરિણય’ અને શ્યામ બેનેગલની ‘અંકુર’નું શૂટિંગ વારાફરતી કરી રહી હતી, પણ રિલીઝ પહેલી થઈ ‘અંકુર’. શ્યામ બેનેગલ વહીદા રેહમાનનેલઈ ‘અંકુર’ બનાવવા માગતા હતા. ‘ગાઈડ’ની રોઝીથી બેનેગલ એટલા પ્રભાવિત હતા કે ‘અંકુર’ની લક્ષ્મીનો રોલ એમની પાસે જ કરાવવાની એમની ખાસ તમન્ના હતી.

વહીદાજીને રોલ પણ પસંદ પડ્યો હતો. જોકે, શ્યામ બેનેગલ પાસે ફિલ્મ કરવાનો કોઈ અનુભવ ન હોવાથી આ ફિલ્મ એ સરખી રીતે બનાવી શકશે કે કેમ એવી શંકા વહીદાજીને હોવાથી એમણે ના પાડી દીધી. સાઉથની એક અભિનેત્રી માટે સુધ્ધાં વિચાર કર્યો, પણ જામ્યું નહીં. એ સમયે શબાના નાટકોમાં કામ કરતી હતી અને બેનેગલના સહાયકને એનું કામ પસંદ પડ્યું હોવાથી શબાનાને કહેણ ગયું. શબાના પૂર્ણપણે શહેરી વાતાવરણમાં ઉછરેલી અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતરને કારણે આધુનિક વિચારસરણી અને એવો જ પહેરવેશ ધરાવતી યુવતી હતી. શ્યામ બેનેગલને મળવા ગઈ ત્યારે પોતાના ગ્લેમરસ ફોટોગ્રાફ લઈને ગઈ હતી, એ આશા સાથે કે બેનેગલ ઈમ્પ્રેસ થઈ જશે અને ફિલ્મમાં કામ મળી જશે. જોકે, ફિલ્મ મેકરે એ ફોટોગ્રાફ પર અછડતી નજર નાખી બાજુમાં મૂકી દીધા, પણ શબાનાને જોઈ લક્ષ્મી (અંકુરનું શબાનાનુંપાત્ર) મળી ગઈ હોવાની ખાતરી એમને થઈ ગઈ… ગ્રામ્ય પરિવેશની કથાનો અને એ પણ નાજાયઝ સંબંધ ધરાવતી લક્ષ્મી નામની યુવતીનો.

કેટલાક લોકોએ શબાનાને ચેતવી કે કારકિર્દીનો પ્રારંભ આવી ફિલ્મથી કરવામાં જોખમ છે, જોકે, લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી એ શબાનાએ સ્વીકારી લીધું. ફિલ્મને ફાંકડી સફળતા મળી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક નવી એક્ટ્રેસ અને એક નવા દિગ્દર્શક મળ્યા, જેમણે પોત પોતાના કાર્યકાળમાં મહામૂલું યોગદાન આપ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સિને રસિકો વહીદા રેહમાનના ઋણી છે. એમણે ના પાડી એમાં શબાના આઝમી માટે નવો દરવાજો ખુલ્યો.

અભિનેત્રી તરીકે શબાનાની રેન્જ અદભુત રહી છે. કોઈ પણ રોલ આપો, એ પાત્રમાં એવી ઢળી જાય કે પડદા પર તમને શબાના નહીં પણ લક્ષ્મી (અંકુર), ફિરદૌસ (જુનૂન), રુક્મિણી બાઈ (મંડી) કે પછી સંતોક બેન ( ગોડમધર ) જ લાગે. એટલું જ નહીં અમિતાભ બચ્ચન, શશી કપૂર કે રાજેશ ખન્નાની મસાલા ફિલ્મોની હિરોઈન તરીકે પણ અફલાતૂન પરફોર્મન્સ આપે.

શબાના કેટલી સક્ષમ અભિનેત્રી છે એ સમજવા માટે રાજેશ ખન્ના સાથેની તેની ‘અવતાર’નો એક સીન પૂરતો છે. ફિલ્મમાં ૧ કલાક ૩૦ મિનિટ પછી એક સીન આવે છે, જેમાં જે પુત્રને કારણે રાજેશ ખન્ના – શબાના આઝમીએ ઘર છોડી બેઘર થવું પડ્યું હોય છે એ જ પુત્ર રાજેશ ખન્નાને મનાવવા પાછો આવ્યો હોય છે ત્યારે એની કાર બગડી જાય છે. સ્વાભાવિક છે કે રાજેશ ખન્ના કોઈ મદદ ન કરે, પણ શબાનાનું – માનું દિલ કકળી ઊઠે છે અને માત્ર આંખના ઈશારાથી એ જે રીતે રાજેશ ખન્નાને કાર રિપેર કરવા જણાવે છે એ જોઈ પ્રેક્ષકો બે હાથે તાળીઓનો ગડગડાટ કરી પછી એક હાથમાં રૂમાલથી ભીની થયેલી આંખો લૂછવા મજબૂર થાય છે.

‘અવતાર’માં રાજેશ ખન્નાનો રોલ અત્યંત દમદાર- મેલોડ્રામેટિકછે, પણ શબાનાએ કોઈ પણ પ્રકારનો અતિરેક કર્યા વિના દર્શકોને પ્રભાવિત કર્યા છે. શબાનાના આવા દમદાર અભિનયનો પરચો ઘણી ફિલ્મોમાં થયો છે.

The door closed by Waheedaji opens for Shabana…

‘અંકુર’માં શબાનાનું પરફોર્મન્સ જોઈ સત્યજિત રાય પણ પ્રભાવિત થયા હતા. જાહેરમાંએના અભિનયની પ્રશસ્તિ કરી ફિલ્મના બે સીન શબાનાને મૂઠી ઊંચેરીએક્ટ્રેસ સાબિત કરે છે એમ જણાવ્યું હતું. મિસ્ટર રાયની ‘શતરંજ કે ખિલાડી’માં શબાનાએ કામ કર્યું હતું. ‘અંકુર’ પછી શ્યામ બેનેગલ અને શબાનાએ ‘નિશાંત’ (૧૯૭૫), ‘જુનૂન’ (૧૯૭૮), ‘મંડી’ (૧૯૮૩) અને ‘હરિ ભરી’ (૨૦૦૦)માં કામ કર્યું અને આજે પણ આ ફિલ્મોમાં સિને રસિકોને અભિનેત્રીનોં દમદાર પરફોર્મન્સ યાદ હશે એમાં બેમત નથી.

શબાનાની કાબેલિયત કેવી કે ૧૯૭૦ના દોરમાં ‘સમાંતર સિનેમા’માં એ કાઠુ ંકાઢી રહી હતી જેના રોલમાં કોઈ ગ્લેમર ન હોય, દમદાર પાત્રાલેખન હોય, કેરેક્ટર સાથે ઓતપ્રોત થઈ પાત્રને ઉપસાવવાનું હોય. એ જ સમયે શબાના શોભાના ગાંઠિયા જેવા રોલ, ભારોભાર ગ્લેમર અને અભિનયના ઊંડાણની જરૂર ન હોય એવી ‘ફકીરા’ (૧૯૭૬), ‘અમર અકબર એન્થની’ (૧૯૭૭), ‘પરવરીશ’ (૧૯૭૭) વગેરે ફિલ્મોમાં પણ સફળતા મેળવી રહી હતી. ૧૯૮૨માં આવેલી મહેશ ભટ્ટની ‘અર્થ’ની સફળતાએ શબાના માટે નવું શિખર બનાવી દીધું. ૧૯૮૦નો દાયકો શબાના માટે સુવર્ણ અંકિત રહ્યો જે દરમિયાન ‘અર્થ’, ‘માસૂમ’, ‘ખંડહર’, ‘પાર’, ‘નમકીન’, ‘ભાવના’ ‘ખામોશ’, અને ત્યારબાદ ૧૯૯૦ના દાયકામાં ‘પેસ્તનજી’, ‘ગોડમધર’ જેવી ફિલ્મોમાં શબાના આઝમીએ અભિનયના અજવાળા પાથર્યા.

આમ એક તરફ શ્યામ બેનેગલ અને બીજી તરફ મનમોહન દેસાઈ – ફિલ્મમેકિંગના ઉત્તર – દક્ષિણ છેડા કહી શકાય એવા ફિલ્મમેકરો શબાના આઝમી સાથે કામ કરવા ઉત્સુક હોય એ બહુ મોટી વાત કહેવાય.
શબાના આઝમી વિશે શ્યામ બેનેગલે એક બહુ સરસ વાત કહી છે. ૨૦૧૯માં એમને સવાલ કરવામાં આવ્યો હતો કે ‘અંકુર’ની શબાના અને આજની શબાના એક્ટ્રેસ તરીકે કે વ્યક્તિ તરીકે કેટલી બદલાઈ છે? ‘ખાસ નહીં’

બેનેગલ જવાબ આપે છે પછી સ્મિત કરી જણાવે છે કે સિવાય કે એનું વજન, જે ખાસ્સું વધી ગયું છે. મને એનું ભારેખમ શરીર જરાય નથી ગમતું અને મેં એને ઘણી વાર એ વિશે કહ્યું છે. જોકે, એના માટે હું જ જવાબદાર છું. ‘મંડી’ના રુક્મિણી બાઈના રોલ માટે મેં તેને સાઈન કરી ત્યારે

એ એકવડિયા બાંધાની હતી. મને રુક્મિણી બાઈ ઠસ્સાદાર જોઈતા હતા અને એટલે મેં જ તેને વજન વધારવા કહ્યું

હતું. શબાના એકવડિયો બાંધો ગુમાવી બેઠી એ માટે ‘મંડી’ અમુક અંશે જવાબદાર છે અને એનો મને કાયમ અફસોસ રહેશે!’

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત