સ્પેશિયલ ફિચર્સ

દસ કરોડ રોપા ને બકરીનું બચ્ચું !

વ્યંંગ -ભરત વૈષ્ણવ

‘બેંએંબેંએં બેંએં….’
બકરીનું બચ્ચું પર્ણાનંદથી બોલી ઊઠ્યું. આપણા માટે પરમાનંદ અલગ છે. બકરીના બચ્ચા માટે પરમાનંદ એટલે પર્ણાનંદ. ચ્યુગમની જેમ પાન ચાવતાં ચાવતાં જે આનંદની પ્રાપ્તિ થાય એ દિવ્યાનંદથી પણ ઉત્તમોત્તમ હોય છે.

‘મૂંઆં પિટ્યાંવ જપવા કે જંપવા દેતા નથી.’ બકરીબાઇએ આંખ ખોલ્યા વગર જ અજોદગાર (અજ એટલે બકરી. બકરીએ કાઢેલો ઉદગાર એટલે અજોદગાર.) બકરીબાઇના છાંસિયાથી બચ્ચું હેબતાઈ ગયું. ‘તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ’ની જેમ ખામોશ થયું.
બચ્ચું ક્યાં સુધી ચૂપ રહે? બિલાડીના પેટમાં ખીર ન ટકે એવું કહેવાય છે. બકરીના બચ્ચાના પેટમાં પર્ણાનંદ ક્યાં સુધી મૌન રહી શકે?

‘બેંએંબેંએંબેંએ.’ બકરીનું બચ્ચું આનંદના અતિરેકમાં પુન:ઉવાચ. ગાયક નાભિમાંથી સૂર કાઢી ખરજ રાગનું ગાયન કરે તેમ બચ્ચાએ નાભિમાંથી આનંદોસૂર છેડ્યો. બચ્ચાંને પણ મનની વાત કહેવી હતી. તેને જ્ઞાની સહદેવ જેવો આનંદનો આફરો ચડ્યો હતો.

‘મૂંઆ પિટ્યા કેમ બેંએં બેં બેં કરે છે?’ બકરીબાઇએ એક અડબોથ મારીને બચ્ચાંને કંટાળાથી પૂછ્યું. ઊંઘ બગડે એટલે બકરી પણ બગડે કે નહીં?

‘મોમ, આ ખબર સાંભળીશ તો તું પણ પેલા સુપર ડાન્સર હિતિકની જેમ ઝૂમી ઊઠીશ.’ બકરીના બચ્ચાએ આનંદમાં નાચતાં નાચતાં કહ્યું.

‘એમ? એવું તે શું થયું કે તું ભરબપોરે પણ જપતું નથી અને બીજાને જપવા દેતું નથી?’ બકરીબાઇએ કડકાઈ દાખવી.

‘લે, આ છાપું. તું ખીંચ ઉસકી ફોટું.’ બચ્ચાએ કંઇ કહેવાના બદલે આજનું અખબાર ધર્યું.

‘મારા રોયા, તું સ્કૂલે જાય છે. નોટબુક, પુસ્તક, ગાઇડ, સ્યોર સજેશન, નકશાપોથી ઝાપટે છે. મેં તો નિશાળનાં પગથિયાં તો ઠીક, પણ નિશાળનું કમ્પાઉન્ડ સુધ્ધા જોયું નથી. મને ક્યાં વાંચતા આવડે છે? મારા માટે કાળા અક્ષર શિંગડા બરાબર છે.’ બકરીબાઇએ તેની કમજોરી જાહેર કરી.

‘મોમ, છાપામાં વરસાદના લીધે દ્વારકામાં વૃક્ષારોપણ મહોત્સવ રદ થયાના સમાચાર હતા તેમ સસલા મામા કહેતા હતા. ‘તેના સમાચાર છાપામાં આવ્યા છે?’ બકરીબાઇએ પૂછયું.

‘ના મોમ, આ તો આનંદના સમાચાર છે.’ બકરીના બચ્ચાએ રહસ્ય ઘેરું કર્યુ. બચ્ચું શેરલોક હોમ્સના અંગ્રેજી ચોપડા આરોગતું હશે કે શું?

કોર્પોરેશન નામના કઠિયારાએ બસો વરસ જૂનાં વૃક્ષો કાપી નાખ્યાં. વિકાસના નામે દર વરસે ચાર-પાંચ લાખ વૃક્ષો રણલોકમાં નિવાસ કરે છે એ સમાચારની વાત કરે છે?’ બકરીબાઇની આંખમાં આતુરતા હતી.
‘ના, મમ્મી, તું કંઇ દુનિયામાં વસે છે?’ બચ્ચાએ બકરીબાઇના અજ્ઞાનનો ઉપાલંભ કર્યો.

‘ભઇ, તું હવે કોન્વેન્ટ સ્કૂલમાં જઇ ગોટપીટ શીખી ગયો છું. હવે તું જ કહે કે છાપામાં શું આવ્યું છે?’ બાપડી બિચારી બકરીબાઇએ હથિયાર હેંઠાં મુકયાં.

‘મા, સરકારે ગ્રીન કવર વધારવા દસ કરોડ રોપાનું વાવેતર કર્યું છે.’ બકરીબાઇના બચ્ચાએ સમાચાર જણાવ્યા.

‘અલ્યા, ડફોળ સરકાર તો દર વરસે વનમહોત્સવ ઉજવે છે. લાખો રોપા એકની એક જ જગ્યાએ વાવે છે. ક્યાંક છોડવા માટે પાંજરા ખરીદવાનું કૌભાંડ થાય છે. ક્યાંક ખાડા ખોદવાનું કૌભાંડ થાય છે. રોપાની ખરીદીમાં ઘાલમેલનો તાલમેલ થાય છે.
બાકીની કસર આપણે અને ગાય, ભેંસ પૂરી કરીએ છીએ. કુમળા પાન ખાવાની લિજ્જત બત્રીસ જાતના ભોજન અને તેત્રીસ જાતના પકવાન કરતાં પણ સ્વાદિષ્ટ હોય છે. આપણે દર વરસે વૃક્ષોભક્ષણ પર્વની પ્રતીક્ષા કરતા હોઇએ છીએ.’ બકરીબાઇએ વનમહોત્સવની ઐંસી કી તૈંસી કરી નાખી.

‘મા મેં, ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની શાખે વડ, પીપળા, સરગવા, કણજી, ગુલમહોર, લીમડા, ગોરસ આમલી, આંબા, આંબળાના કુમળા પાન અને લીલી ડાંખળીઓ ખાધાનું યાદ છે.’ બચ્ચું તો આધુનિક રમેશ પારેખ બનતાં બનતા રહી ગયું!

બેટા, વૃક્ષારોપણના આંકડા અને વાઇબ્રન્ટમાં કરેલા મૂડીરોકાણના આંકડાનો હકીકત સાથે મેળ ખાતો જ નથી. માત્ર વીસ ટકા મૂડીરોકાણ થાય છે.
બાકી, પેલા ગીત જેવું છે. ‘બિજલી ગિરાને મેં હૂં આઇ, કહેતે હે મુજકો હવાહવાઇ!’ ‘આપણે ત્યાં રોપેલ રોપાનો સરવાળો કરો તો નાખી દેતાં બસો કરોડ વૃક્ષો હોવા જોઇએ. વાસ્તવમાં છે માત્ર ચાલીસ કરોડ વૃક્ષ’. બકરીબાઇ તો આંકડાશાસ્ત્રી બની ગયા.

‘હે, મા, આપણે વાઇબ્રન્ટમાં ચારસો લાખ રોપા ખાવાનો એમઓયુ ન કરી શકાય?’ બચ્ચાએ નવો આયામ પેશ કર્યો.
‘અલ્યા, સરકાર ગાંડી થઇ છે? સામે ચાલીને કુહાડા પર પગ મારે? સરકાર પ્રસિદ્ધિ માટે એમઓયુ કરે. ટીકા માટે થોડા એમઓયુ કરે?’ બકરીબાઇએ બચ્ચાંની દરખાસ્ત ધરમૂળથી ખારીજ કરી.
‘મા, દસ કરોડ રોપા એટલે કેટલા રોપા? આપણને ચરતાં કેટલા દિવસો લાગે?’ બચ્ચાના મગજમાં કુતૂહલનો કીડો સળવળી રહ્યો હતો.
‘પાગલ, આટલા રોપા ખાતા દિવસો, મહિના, વરસો નહીં પણ ભવોના ભવ ઓછા પડે. આપણને તો રેશનકાર્ડ પર પાંચ સૂકા અને એક લીલા રોપા રોજના મળે છે. છતાં ભૂખ્યાંના ભૂખ્યા રહીએ છીએ.

આટલા રોપા ખાઇએ એટલે હિપોપોટેમસ ન થઇ જઇએ? આપણી તો કિસ્મત ખુલી ગઇ કહેવાય!’ બકરીબાઇએ છાપાના ઓવારણા લેતા મન કી બાત કહી.
મા, આપણે સરકારને રોપાની ‘સ્વીગી’ કે ‘ઝોમેટો’ ની જેમ હોમ ડિલિવરી કરવા રજૂઆત ન કરી શકાય?’ બચ્ચાના મગજમાં શેતાનનો કીડો કેમ કરીને શાંત થતો ન હતો!
‘બેટા, તું ગવંડર છે કે હાથપગ હલાવ્યા સિવાય બધું ઝાડ પરથી ટપકતાં ફળની માફક મળી જાય? બેટા, સિંહ જંગલનો રાજા છે. છતાં, તેને પણ શિકાર માટે દોડાદોડી ભાગાભાગી, છીનાઝપટી કરવી પડે છે.

સૂતેલા સિંહના મોઢાના હરણ આપમેળે લંચ કે ડિનર તરીકે ટપકતું નથી. ભગવાન દાંત આપે. ચાવણુ મેળવવા આપણે મથવું પડે. સરકાર આપણા માટે રોપાનું વાવેતર કરે અને રોપાની હોમ ડિલિવરી પણ કરે એવું ન બને.’ બકરીબાઇએ કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એ બચ્ચાને સાનમાં સમજાવી દીધું ને બચ્ચાંને ચુપચાપ સૂઇ જવા અલ્ટિમેટમ આપ્યું.
‘ધરરરર ધરર્રરર, ધરરરરરરર,’ બકરીબાઇ નસ્કોરા બોલાવવા માંડ્યા.બકરીનું બચ્ચું પણ ઘોરવા માંડ્યું ને સપનામાં દસ કરોડ રોપા ચબડ ચબડ ચાવવા માંડ્યું!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button