આશ્ચર્ય પમાડે તેવા છે ચોખાના લોટના ગુણો (ઉકડીચે મોદક બનાવવાની રેસીપી)
રોજબરોજ ઘરમાં બનતાં દાળ-શાક-રાયતાં-કચુંબર,અથાણાંનો સ્વાદ માણતી વખતે, સાથે ઘઉંના લોટમાંથી બનતી રોટલી-પરાઠા-ભાખરીનો ઉપયોગ મોટે ભાગે થતો જોવા મળે છે. વળી ઘરમાં બનતી વાનગી હોય કે ઘરેલું ઉપચાર હોય તેનો સૌથી મોટો ફાયદો હોય છે કે તેની આડઅસર જોવા મળતી નથી. રેસ્ટોરાં કે બ્યુટી પાર્લરમાં મોટી રકમ ખર્ચવી પડે છે તેનાથી બચી શકાય છે. ચોખાનો લોટ એક એવા પ્રકારનો જ લોટ છે. જેના સેવનથી કે તેનો લેપ બનાવીને ચહેરા ઉપર લગાવવાથી ત્વચા સંબંધિત અનેક સમસ્યાથી રાહત મેળવી શકાય છે. ચોખાનો લોટ ગ્લૂટેન મુક્ત ગણાય છે. ચોખાના લોટમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફોલિક એસિડ તથા ઍન્ટિ-ઓક્સિડન્ટ હોય છે.
શક્તિવર્ધક ગણાય છે
ચોખાના લોટમાં કાર્બોહાઈડ્રેટની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જે શરીરને શક્તિ પ્રદાન કરતું મુખ્ય સ્ત્રોત ગણાય છે. કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝમાં સમાઈને શરીરની માંસપેશી તેમજ મસ્તિષ્કને ઊર્જા પ્રદાન કરે છે. પ્રતિદિન ફક્ત ઘઉંની બનાવટ ખાવાને બદલે ચોખાના લોટનો ઉપયોગ કરવાથી શરીર શક્તિવર્ધક બને છે. વારંવાર થાક લાગવો કે નબળાઈ અનુભવાતી હોય તેમના માટે ગુણકારી ગણાય છે.
પ્રોટીનથી સમૃદ્ધ
ચોખાના લોટમાં પ્રોટીનની માત્રા સૌથી વધુ સમાયેલી હોય છે. તેમાં પણ બ્રાઉન રાઈસમાં સૌથી વધુ જોવા મળે છે. બ્રાઉન રાઈસના લોટમાં વિટામિન બીનું પ્રમાણ ઘણું હોય છે. બ્રાઉન રાઈસ તેમજ સફેદ ચોખા વચ્ચેનો તફાવત એટલો જ ગણી શકાય છે. બ્રાઉન રાઈસમાં તેની ઉપર છોતરા જોવા મળે છે. સફેદ ચોખા બનાવવા માટે તેની ઉપરના ફોતરાને સાફ કરી દેવામાં આવે છે. બ્રાઉન ચોખાનો લોટ બનાવવા માટે તેને છોતરા સાથે જ પીસી લેવામાં આવે છે. જેથી તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન, કેલ્શિયમ, ઝિંક વગેરે જોવા મળે છે. તેથી ચોખાના લોટનો ઉપયોગ કરતી વખતે બ્રાઉન રાઈસનો લોટ ઉપયોગમાં લઈ શકાય છે.
પાચનક્રિયા સુદૃઢ બનાવે છે
ચોખાનો લોટ પચવામાં હલકો ગણાય છે. પાચન સંબંધિત તકલીફ વારંવાર થતી હોય તેમને માટે ચોખાના લોટનો ઉપયોગ ઉત્તમ વિકલ્પ બની રહેશે. વારંવાર દસ્ત કે કબજિયાતની તકલીફ રહ્યા કરતી હોય તેવા બંને પ્રકારના દર્દી માટે ચોખાના લોટનો આહારમાં નિયમિત ઉપયોગ ફાયદાકારક ગણાય છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ગુણકારી
ચોખાના લોટમાં જટિલ કાર્બોહાઈડ્રેટને દૂર કરવાના ગુણો સમાયેલાં છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. ચોખાના લોટના સેવનથી જટિલ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગે છે. જેને કારણે શરીરમાં વહેતા રક્તપ્રવાહમાંથી ગ્લૂકોઝની માત્રા છૂટી પડે છે. જે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરે છે. જેને કારણે લોહીમાં અચાનક ઈન્સ્યૂલિનની માત્રા વધતી અટકે છે. આમ હૃદયની તંદુરસ્તી જાળવવામાં તેમજ હૃદયરોગના જોખમને ઘટાડવામાં લાભકારક બને છે.
વિટામિન તેમજ ખનીજનું સમૃદ્ધ સ્ત્રોત
ચોખાના લોટમાં સ્વાસ્થ્ય માટે ગુણકારી તેવા આવશ્યક વિટામિન તેમજ ખનીજનો ખજાનો છે. જેમાં વિટામિન બી-૧, વિટામિન બી-૩, તેમજ વિટામિન બી-૬નો સમાવેશ થાય છે. આયર્ન તેમજ ઝિંકની માત્રા સમાયેલી છે. જે શરીરનાં વિવિધ કાર્યો જેવા કે પાચનક્રિયા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ઉપયોગી બને છે.
ચોખાના લોટના લાભ
પિત્તાશયના સ્વાસ્થ્ય માટે ગુણકારી : ચોખાના લોટનો ઉપયોગ નિયમિત કરવાથી પિત્તાશય (લિવર)નું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કેમ કે ચોખાના લોટમાં કોલીન સમાયેલું હોય છે. જે પિત્તાશયમાંથી કૉલેસ્ટ્રોલ તથા ટ્રાઈગિલસરાઈડને અન્ય સ્થળે લઈ જાય છે, જ્યાં તેની આવશ્યક્તા હોય છે. તેથી તેને લિવર ક્લિનર તરીકે ઓળખવામાં આવે છે. વળી કોલીન ત્વચાની અંદરની દીવાલને જાળવી રાખવામાં મદદ કરે છે. ગ્લૂટેન મુક્ત હોવાથી સિલીએક બીમારીથી પીડિત દર્દી માટે અગત્યનો આહાર બની જાય છે. ફાઈબરની માત્રા ભરપૂર હોવાથી પેટ સંબંધિત તકલીફથી રાહત મળે છે.
હાડકાંના સ્વાસ્થ્ય માટે ગુણકારી
ચોખાના લોટમાં કેલ્શિયમ તેમજ ફોસ્ફરસ જેવા આવશ્યક ખનીજ સમાયેલાં છે. જે હાડકાં તેમજ દાંતની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. ચોખાના લોટનું નિયમિત પ્રમાણભાન રાખીને સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસ જેવી તકલીફથી બચી શકાય છે. તેમજ દાંતના દુખાવાની પીડાને દૂર ઠેલી શકાય છે.
ચહેરો નિખરી ઊઠે છે
ચોખાના લોટનો ઉપયોગ ચહેરા ઉપર ઊબટન બનાવીને લગાવવાથી ત્વચા નિખરી ઊઠશે. ખીલ, કાળા ડાઘ કે ત્વચા ઉપર કરચલી પડી ગઈ હોય તો ચોખાના લોટમાં કાકડી, લીંબુનો રસ તેમ જ દહીં ભેળવીને મિશ્રણ તૈયાર કરી ચહેરા ઉપર લગાવી લેવું. ઉબટન બરાબર સુકાઈ જાય ત્યારબાદ ચહેરો ઠંડા પાણીથી સાફ કરી લેવો. ત્વચા ઉપર ઘેર બેઠાં ચમક આવી જશે. તેનું મુખ્ય કારણ ચોખાની સાથે કાકડી, લીંબુ, દહીંમાં ઍન્ટિસેપ્ટિક -જર્મીસાઈડ ગુણો સમાયેલાં હોય છે. જે બૅક્ટેરિયાની સામે લડે છે. જેથી ત્વચાની ઉપર પડેલાં કાળા ડાઘ, કરચલી, ખીલ વગેરે ઓછા થવા લાગે છે.
ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના લોકપ્રિય તેમજ સ્વાદિષ્ટ ‘ઉકડી ચે મોદક’ બનાવવા માટે ચોખાના લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે.
ઉકડીચે મોદક
બાફેલા લાડુ: સામગ્રી: ચોખાનો લોટ ૧ મોટી વાટકી, ૧ વાટકી પાણી, ૧ વાટકી દૂધ, જરૂર મુજબ ઘી, તાજા નાળિયેરનું છીણ ૧ વાટકી, અડધી વાટકી ઝીણો સમારેલો ગોળ, એલચી-જાયફળનો પાઉડર, ૧ નાની વાટકી કાજુ-બદામ-પિસ્તા, ખસખસને ઘીમાં શેકીને ભૂકો કરેલાં, ૨-૩ તાંતણાં કેસરના દૂધમાં પલાળેલાં.
બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈમાં પાણી તથા દૂધ ગરમ કરવું .તેમાં ચોખાનો લોટ ભેળવીને ધીમી આંચ ઉપર પાંચ મિનિટ પકાવી લેવું. લોટમાં ચપટી મીઠું ભેળવવું. લોટને થોડો સમય સિઝવા દેવો. ગેસ બંધ રાખવો.
ભરવા માટેનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી: એક નૉન સ્ટીક પૅનમાં ૧ ચમચી ઘી લેવું. તેમાં કાજુ -બદામ-પિસ્તા-ખસખસને ધીમા તાપે શેકી લેવાં. તેને એક બાઉલમાં કાઢી લેવાં. તેજ પૅનમાં નાળિયેરનું છીણ સાંતળી લેવું. ગોળ
ભેળવીને તે ઓગળી જાય ત્યાં સુધી પકાવી લેવું. ગોળ બરાબર ઓગળી જાય ત્યાર બાદ તેમાં એલચી-જાયફળનો પાઉડર ભેળવવો. તેમજ સાંતળીને તૈયાર કરેલાં સૂકામેવાને ભેળવવા.
મોદક બનાવવાની પદ્ધત્તિ : બાફેલા ચોખાના લોટને એક મોટી થાળીમાં લઈને લગભગ ૧૦ મિનિટ માટે મસળી લેવો. તેમાંથી એક સરખા લુવા બનાવી લેવા. લોટને હાથેથી થેપીને નાની પૂરી બનાવી લેવી. તેમાં નાળિયેરનું મિશ્રણ ભરી દેવું. હવે નાની પૂરીને હાથેથી મોદકનો આકાર આપીને બરાબર બંધ કરી લેવી. સ્ટીમરમાં એક સરખા વાળેલાં મોદકને કેળના પાન ઉપર ગોઠવવા. તેની ઉપર કેસરવાળું દૂધ
લગાવવું. મોદક બરાબર ૧૦-૧૨ મિનિટ માટે બાફી લેવાં. પરંપરાગત મોદકને હાથેથી સુંદર આકાર આપીને બનાવવામાં આવે છે. હવે તો ખાસ પ્રકારનો સંચો આવે છે જેમાં મોદકને આકર્ષક આકાર આપવામાં આવે છે. ગરમાગરમ મોદકની ઉપર ઘી -તુલસી પત્ર ગોઠવીને, ગણપતિ બાપાને નૈવેદ્ય પીરસ્યા બાદ તેને ભક્તોને વહેંચવામાં આવે છે.