સ્ટ્રોક એલર્ટ: સવારે ઉઠતાંની સાથે જ દેખાય છે આ લક્ષણો? FAST ટેસ્ટથી કરો ઓળખ…

દિવસે દિવસે જેમ મેડિકલ સાયન્સ એડવાન્સ થતું જઈ રહ્યું છે તેમ તેમ ગંભીર અને જીવલેણ બીમારીઓ પણ એડવાન્સ થઈ રહી છે. જોકે, કોઈ પણ બીમારી થતાં પહેલાં શરીરમાં કેટલાક સંકેતો ચોક્કસ દેખાય છે. જો સમયસર એ સંકેતને પારખીને તેના પર એક્શન લેવામાં આવે તો મોટી મુશ્કેલીમાં ફસાતા બચી શકાય એમ છે. આવી જ એક ગંભીર સમસ્યા છે સ્ટ્રોક (Stroke). સ્ટ્રેક એક સીરિયસ મેડિકલ ઈમર્જન્સી છે. સ્ટ્રોક આવતા પહેલાં પણ કેટલાક સંકેતો આપણને બોડી આપે છે, જેને સમજી લઈએ તો આ ઈમર્જન્સીને પહોંચી વળાય એમ છે. આજે આપણે અહીં એના વિશે જ વાત કરીશું…
સ્ટ્રોક શું છે?
જ્યારે મગજ સુધી પહોંચતો લોહીનો પ્રવાહ અચાનક અટકી જાય છે અથવા ઓછો થઈ જાય છે ત્યારે સ્ટ્રોક આવે છે. સ્ટ્રોકને કારણે મગજને ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો મળતા બંધ થઈ જાય છે. જો સમયસર સારવાર ન મળે તો મગજ કાયમી ધોરણે ડેમેજ થઈ શકે છે અને પેરાલિસીસનો એટેક પણ આવી શકે છે કે પછી જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે. જોકે, સ્ટ્રોક આવતા પહેલાં વહેલી સવારે કેટલાક ખાસ લક્ષણો જોવા મળે છે. જો આ લક્ષણોને પારખીને સમયસર તેના પર સારવાર કરવામાં આવે તો સ્ટ્રોકનો જોખમને ટાળી શકાય છે. ચાલો જોઈએ કયા છે આ લક્ષણો…
ડોક્ટરોના મતે, સ્ટ્રોકના લક્ષણો ઘણીવાર સવારે ઉઠતી વખતે જોવા મળે છે, જેને આપણામાંથી મોટાભાગના લોકો નોર્મલ વીકનેસ સમજીને અવગણતા હોઈએ છીએ. આપણી આ જ આંખ આડા કાન કરવાની વૃત્તિ આપણને પાછળથી જોખમમાં મૂકી દે છે. મગજની નસોમાં લોહીનો ગઠ્ઠો જામી જવો અથવા નસ ફાટી જવી એ સ્ટ્રોક આવવાનું મુખ્ય કારણ છે. તેના પ્રકારો અને કારણો સમજવા ખૂબ જરૂરી છે.
સ્ટ્રોક કેટલા પ્રકારના છે?
સ્ટ્રોક આવતાં પહેલાં જોવા મળતાં લક્ષણોની વાત કરીએ, પરંતુ સૌપ્રથમ એ સ્ટ્રોક કેટલા પ્રકારના છે અને તે કેમ આવે છે એના કારણો વિશે ટૂંકમાં જાણી લઈએ. સ્ટ્રોક મુખ્યત્વે બે પ્રકારના હોય છે પહેલું એટલે ઇસ્કેમિક સ્ટ્રોક કે જેમાં મગજની નસમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે. સ્ટ્રોકનો બીજો પ્રકાર એટલે હેમરેજિક સ્ટ્રોક. આ સ્ટ્રોકમાં મગજની નસ ફાટી જાય છે અથવા તેમાંથી બ્લડ લીક થવા લાગે છે.
સ્ટ્રોક આવવાના શું છે કારણો?
સ્ટ્રોક કેટલા પ્રકારના છે એ જાણી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ કે સ્ટ્રોક કયા કારણોસર આવે છે એની. સ્ટ્રોક આવવાના મુખ્ય કારણોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, ધૂમ્રપાન, મેદસ્વીપણું, હૃદયરોગ, શારીરિક શ્રમનો અભાવ અને વધુ પડતો દારૂનું સેવન વગેરેનો સમાવેશ થાય છે.
સ્ટ્રોક આવતા પહેલાં સવારમાં દેખાય છે આ લક્ષણો
સ્ટ્રોક આવતા પહેલાં અનેક વખત સવારના પહોરમાં નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છે. જો આમાંથી કોઈ લક્ષણો જણાય તો સાવધ થઈ જવાની જરૂર છે…
⦁ ચહેરાનો એક ભાગ ઢીલો પડી જવો અથવા ત્રાંસો થઈ જવો. સ્મિત કરતી વખતે ચહેરો અસમાન દેખાય.
⦁ અચાનક હાથ કે પગમાં નબળાઈ આવવી, અંગો સુન્ન થઈ જવા તેમ જ ઝણઝણાટી થવી (ખાસ કરીને શરીરની એક બાજુ પર).
⦁ શબ્દોનો અસ્પષ્ટ ઉચ્ચાર, વાત સમજવામાં મુશ્કેલી, સાદા વાક્યો બોલવામાં પણ મુશ્કેલી પડવી.
⦁ અચાનક આંખોએ ઓછું દેખાવું, ડબલ વિઝને કે પછી એક આંખે સાવ દેખાતું બંધ થઈ જવું.
⦁ સવારે ઉઠતાની સાથે જ મૂંઝવણ થવી, ચાલતી વખતે લથડાવું અથવા બોડીનું બેલેન્સ ગડબડ થવું
સ્ટ્રોક કઈ રીતે ઓળખશો?
ડોક્ટરો સ્ટ્રોકની તાત્કાલિક ઓળખ માટે FAST ફોર્મ્યુલા અપનાવવાની સલાહ આપે છે:
F – Face (ચહેરો): શું ચહેરો એક તરફ નમેલો કે ત્રાંસો દેખાય છે?
A – Arm (હાથ): શું એક હાથ ઉઠાવવામાં નબળાઈ કે અસમર્થતા જણાય છે?
S – Speech (બોલી): શું બોલવામાં જીભ લથડાય છે અથવા અવાજ વિચિત્ર લાગે છે?
T – Time (સમય): જો આમાંથી એક પણ લક્ષણ દેખાય, તો વિલંબ કર્યા વગર તરત જ ઇમરજન્સી મેડિકલ મદદ (૧૦૮) બોલાવો.
ગોલ્ડન અવર છે ઈમ્પોર્ટન્ટ
સ્ટ્રોકની સારવારમાં ‘ગોલ્ડન અવર’ (પ્રથમ કલાક) ખૂબ જ મહત્વનો હોય છે. જેટલી જલ્દી દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે, એટલો જ મગજના ડેમેજને રોકવાનો અને જીવ બચાવવાનો ચાન્સ વધી જાય છે. સવારની આ નબળાઈને ઊંઘની કમી કે થાક સમજીને અવગણવાની ભૂલ ક્યારેય ન કરો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરો, જેથી તેઓ કોઈ પણ મુસીબતમાં ના ફસાય અને તાત્કાલિક મેડિકલ હેલ્પ મેળવી શકે. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…



