આ જાહેર રજાઓમાં પણ મુલાકાત લઈ શકશો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં તા.૨ ઓકટોબર ગાંધી જયંતિ,તા.૨૭ નવેમ્બર ગુરુનાનક જયંતિ અને તા. ૨૫ ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે.
પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી આ ત્રણ જાહેર રજાના દિવસે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હોવાનુ સ્ટેચ્યુ ઑફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું.
પ્રવાસીઓ આ જાહેર રજાના દિવસોમા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકશે.
વધુમાં એ તારીખ પછીના આવતા મંગળવાર એટલે કે તા.૩ ઓક્ટોબર, તા.૨૮ નવેમ્બર અને તા. ૨૬ ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે જેની સૌએ નોંધ લેવા જણાવવામાં આવ્યુ છે.