PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પાંચ વર્ષ થયા પૂર્ણ
જાણો અત્યાર સુધીમાં કેટલા પ્રવાસીઓ આવ્યા?

દેશના લોખંડી પુરૂષ તરીકે સન્માનિત અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની આજે 148મી જન્મતિથિ છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા પહેલા ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં તેનો શિલાન્યાસ કર્યો હતો અને પીએમ બન્યા બાદ વર્ષ 2018માં 31 ઑક્ટોબરના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અંદાજે રૂ. 2989 કરોડમાં પૂર્ણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 1.53 કરોડ પ્રવાસીઓ તેની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પ્રતિમા બન્યા બાદ સ્થાનિક લોકોને રોજગારીની તકો મળી અને ગુજરાત અને દેશના પ્રવાસીઓને પણ નવલું નજરાણું મળ્યું છે.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા અત્યાર સુધીમાં કેટલા પ્રવાસી આવ્યા? એની વાત કરીએ તો અહીં વર્ષ 2018માં 4.53 લાખ પ્રવાસીઓ, વર્ષ 2019માં 27.45 લાખ પ્રવાસીઓ, વર્ષ 2020 માં 12.81 લાખ (કોવિડ સમય) પ્રવાસીઓ, વર્ષ 2021માં 34.29 લાખ પ્રવાસીઓ, વર્ષ 2022માં 41.32 લાખ અને વર્ષ 2023માં 31.92 લાખ પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી હતી, ત્યારબાદ વર્ષ 2018માં આ પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ એક પછી એક 26 નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા અને કેવડિયા પણ હવે એકતા નગર બની ગયું છે.
અહીં વિશ્વ વન, , એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, એકતા ઓડિટોરિયમ, રિવર રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, આરોગ્ય વન, જંગલ સફારી, એકતા ક્રુઝ બોટ, એકતા મૉલ, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇ-બસ સેવા, નર્મદા આરતી અને સાઉન્ડ અને લાઇટ શો જેવા પ્રોજેક્ટો હાલમાં ચાલી જ રહ્યા છે જે અહીંના આકર્ષણમાં ઉમેરો કરે છે. આ ઉપરાંત ગોલ્ફ ગાડીઓ, પબ્લિક બાઇક શેરિંગ, પર્યટક કેન્દ્ર, કમલમ પાર્ક, વૉક-વે, 50 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સહકાર ભવન જેવા પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે.
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક સ્ટેચ્યુ ઓફ યુનિટીના 5 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.