SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો, લોનના EMIમાં થશે વધારો, જાણો કેમ

મુંબઈ: ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ સ્વતંત્રતા દિવસના દિવસે કરોડો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. SBIએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ(MCLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે વિવિધ મુદત માટે તેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. નવા દરો આજે ગુરુવાર, 15 ઓગસ્ટ, 2024થી લાગુ થઇ ગયા છે.
MCLRએ રેટ છે જેની નીચે બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી. MCLR વધારવાના નિર્ણય બાદ ગ્રાહકોની હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી અનેક પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. જેને કારણે પહેલેથી મોંઘવારી વચ્ચે પીસાતા લોકોને ફટકો પડ્યો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઓવરનાઈટ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને તે 8.10 ટકાથી વધીને 8.20 ટકા કરવામાં આવ્યો છે. એક મહિનાનો MCLR 8.35 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. ત્રણ મહિનાનો MCLR 8.40 ટકાથી વધીને 8.50 ટકા થયો છે. છ મહિનાનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને એક વર્ષનો MCLR 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે. બે વર્ષનો MCLR 8.95 ટકાથી વધીને 9.05 ટકા અને ત્રણ વર્ષનો MCLR 9.00 ટકાથી વધીને 9.10 ટકા થયો છે.
સસ્તી લોનની અપેક્ષા રાખતા કરોડો ગ્રાહકોને SBI તરફથી સતત ઝટકા મળી રહ્યા છે. જૂન 2024 થી બેંકે તેના વ્યાજ દરોમાં કુલ ત્રણ વખત વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમુક મુદત માટેના વ્યાજ દરોમાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો થયો છે. નોંધનીય છે કે રિઝર્વ બેંકની તાજેતરમાં મળેલી MPC બેઠકમાં સતત 9મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
એસબીઆઈ ઉપરાંત કેનેરા બેંક, યુકો બેંક અને બેંક ઓફ બરોડાએ પણ તાજેતરમાં તેમના MCLR માં વધારો કર્યો હતો. કેનેરા બેંકે તેના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકના નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. આ સિવાય યુકો બેંકે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને નવા વ્યાજ દરો 10 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ પણ તેના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકના નવા દરો 12મી ઓગસ્ટ 2024 એટલે કે સોમવારથી અમલમાં આવ્યા છે.