Solar Eclips 2025: આવતીકાલે પિતૃપક્ષનો અંતિમ દિવસ, જાણો કયા સમયે લાગશે અને ભારતમાં સૂતક કાળ લાગશે કે નહીં?
સ્પેશિયલ ફિચર્સ

Solar Eclips 2025: આવતીકાલે પિતૃપક્ષનો અંતિમ દિવસ, જાણો કયા સમયે લાગશે અને ભારતમાં સૂતક કાળ લાગશે કે નહીં?

આવતીકાલે પિતૃપક્ષનો છેલ્લો દિવસ કે જેને આપણે સર્વપિતૃ અમાસ તરીકે પણ ઓળખીએ છીએ. 15 દિવસના પિતૃ પક્ષની શરુઆત જ ચંદ્ર ગ્રહણથી થઈ હતી અને હવે તેનું સમાપન પણ સૂર્ય ગ્રહણથી થઈ રહ્યું છે.

આવતીકાલે વર્ષનું છેલ્લું અને બીજું સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે, ત્યારે ચાલો જાણીએ કેટલા કલાકનું રહેશે સૂર્ય ગ્રહણ અને તેની લોકો અને દુનિયા પર કેવી અસર જોવા મળશે-

મળતી માહિતી અનુસાર 21મી સપ્ટેમ્બરના રોજ રાતે સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે ત્યારે લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે અને દેખાશે તો સૂતક કાળ ક્યારથી માન્ય રહેશે? જો તમને પણ સવાલો સતાવી રહ્યા છે તો આ સ્ટોરી તમારે છેલ્લે સુધી વાંચી જવી પડશે.

પિતૃપક્ષનું સમાપન અને નવરાત્રિનો આરંભ ગ્રહણકાળમાં થવા જઈ રહ્યો છે. આવતીકાલે એટલે કે 21મી સપ્ટેમ્બરના આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં, સૂતક કાળ માન્ય રહેશે કે નહીં જેવી તમામ જાણકારી તમને અહીં એક ક્લિક પર મળી જશે.

કેટલા કલાકનું હશે સૂર્ય ગ્રહણ?
વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 21મી સપ્ટેમ્બરના રાતે 10.59 કલાકે લાગશે અને 22મી સપ્ટેમ્બરના 3.23 કલાકે સમાપ્ત થશે. ગ્રહણ આસો મહિનાની કૃષ્ણ પક્ષની અમાસના કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લાગવા જઈ રહ્યું છે.

ભારતમાં દેખાશે કે નહીં?
વાત કરીએ આ ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં એની તો આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે, પરંતુ ન્યુઝી લેન્ડ, ફિજી, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગમાં જોવા મળશે. હવે ભારતમાં આ ગ્રહણ નહીં દેખાય તો સ્વાભાવિક છે કે સૂતક કાળ પણ નહીં માન્ય રહે, એટલે પાળવાની જરૂર નહીં રહે.

સૂતક કાળ ક્યારથી?
સૂતક કાળ ક્યારથી લાગુ થાય છે એ વિશે જણાવવાનું થાય તો સૂર્ય ગ્રહણનું સૂતક કાળ ગ્રહણ લાગવાના 12 કલાક પહેલાં લાગુ થાય છે. 21મી સપ્ટેમ્બર, 2025ના આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે, પણ તે ભારતમાં દેખાવવાનું નથી એટલે કોઈ સૂતક કાળ માન્ય નહીં રહે. જ્યાં આ ગ્રહણ દેખાશે ત્યાં ત્યાં સૂતક કાળનું પાલન કરવું અનિવાર્ય રહેશે

15 દિવસમાં બે ગ્રહણ, કુદરતી આપદાઓનો સંકેત
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યારે 15 દિવસમાં બે ગ્રહણ લાગે છે ત્યારે એની અશુભ અસર જોવા મળે છે અને આ કુદરતી આપદાઓના સંકેત આપે છે. આને કારણે ધરતીકંપ, ભૂસ્ખલન, પૂર જેવી કુદરતી આફતો આવી શકે છે. આ ઉપરાંત 15 દિવસમાં બે ગ્રહણની નકારાત્મક કુદરતી આપદાઓ પૂરતી જ મર્યાદિત નથી રહેતી.

તેની વિપરીત અસર સામાજિક અને રાજકીય ક્ષેત્રે જોવા મળે છે. દેશ દુનિયામાં યુદ્ધ અને તાણની સ્થિતિ જોવા મળી શકે છે. અર્થવ્યવસ્થા પર પણ આ બે ગ્રહણની અસર જોવા મળશે અને આર્થિક નીતિઓને લઈને કેટલાક દેશો એકબીજા પર હાવી થવાનો પ્રયાસ કરશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button