ક્રેડિટ કાર્ડથી કરજ નહીં, કમાણી પણ કરી શકાય? ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ… | મુંબઈ સમાચાર

ક્રેડિટ કાર્ડથી કરજ નહીં, કમાણી પણ કરી શકાય? ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ…

હેડિંગ વાંચીને તમે ચોંકી ગયા હશો કે ભાઈસાબ આવું તો કઈ રીતે શક્ય છે? પરંતુ આ શક્ય છે અને આજે આપણે અહીં આ વિશે જ વાત કરીશું કે ક્રેડિટ કાર્ડથી તમે દેવું નહીં પણ કમાણી કઈ રીતે કરી શકો, એટલું જ નહીં પણ આપણે આજે અહીં એ જાણવાનો પ્રયાસ કરીશું કે તમે આ ક્રેડિટ કાર્ડથી જ તમારી ફાઈનાન્શિયલ હેલ્થ કઈ રીતે ઠીક કરી શકો છો…

અત્યાર સુધી આપણામાંથી મોટાભાગના લોકોની એવી માન્યતા હતી કે ક્રેડિટ કાર્ડ એ શોપિંગ કરવાનું એક માધ્યમ છે. પરંતુ હકીકતમાં એવું નથી. તમે આ ક્રેડિટ કાર્ડ તમારી ફાઈનાન્શિયલ હેલ્થને પણ સુધારવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે, એની શરત એટલી જ કે તમે એનો ઉપયોગ ખૂબ જ સમજદારીપૂર્વક કરો. જો તમે સમયસર બિલ ચૂકવો, લિમિટનું ધ્યાન રાખો અને ઓફર્સનો ફાયદો ઉઠાવો તો આ ક્રેડિટ કાર્ડ તમારા માટે એક્સ્ટ્રા બર્ડન નહીં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પણ એક નાનકડી ભૂલ તમને દેવાના દલદલમાં ધકેલી શકે છે.

ક્રેડિટ લિમિટનું રાખો ધ્યાન

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં પહેલાં તેની ક્રેડિટ લિમિટ ધ્યાનમાં હોય એ ખૂબ જ જરૂરી છે. દરેક ક્રેડિટ કાર્ડની એક લિમિટ હોય છે, જેથી તમને ખ્યાલ આવે કે તમે આ કાર્ડના માધ્યમથી વધુમાં વધુ કેટલા પૈસા ખર્ચી શકો છો. પ્રયાસ કરો કે તમે તમારા કાર્ડની લિમિટના 30 ટકા જેટલો જ ખર્ચ કરો. ક્રેડિટ લિમિટ કે તેનાથી થોડો ઓછો ખર્ચ તમારા ક્રેડિટ સ્કોરને બગાડી શકે છે અને બેંકને ખ્યાલ આવશે તમે તમે સંપૂર્ણપણે તેમની લોન પર આધાર રાખો છો.

સમય પર ચૂકવો બિલ

દર મહિને જ્યારે પણ ક્રેડિટ કાર્ડનું બિલ આવે ત્યારે પ્રયાસ કરો કે તમે સમયસર તેનું પેમેન્ટ કરી દો. જો તમે મિનિમમ એમાઉન્ટ ચૂકવો છો તો બાકી રહેલી રકમ પર તમારે ભારે વ્યાજ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ધીરે ધીરે એવું થશે કે તમારું આ દેવું વધતું જશે અને તમે દેવાના ડુંગર નીચે દબાવવા લાગશો.

ખર્ચ પર રાખો લગામ

ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવું ખૂબ જ સરળ હોય છે અને એને કારણે ખર્ચનો કોઈ ટ્રેક રેકોર્ડ પણ રહેતો નથી. આવું ના થાય એટલે બેંકની મોબાઈલ એપ કે એસએમએસ એલર્ટની મદદથી પોતાના મહિનાના ખર્ચ પર વોચ રાખો. આ દરમિયાન તમને ખ્યાલ આવશે કે તમે મહિનામાં કેટલા બિનજરૂરી ખર્ચ કર્યા છે અને તમે એ ખર્ચ બીજી વખત કરવાનું ટાળશો અને બજેટની અંદર રહેશો.

રિવોર્ડ્સ અને ઓફર્સનો ઉઠાવો ફાયદો

મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર કેશબેક, રિવોર્ડ્સ પોઈન્ટ અને શોપિંગ ડિસ્કાઉન્ટ વગેરે મળે છે. જો તમે ધ્યાનથી આ ઓફર જોશો અને સમજદારીથી તેનો ઉપયોગ કરશો તો તેનો ફાયદો થશે. ઉદાહરણ તરીકે જો તમારા કાર્ડ પર ગ્રોસરી પર છૂટ છે તો તેનો ફાયદો ઉઠાવો અને પૈસા બચાવો.

ક્રેડિટ કાર્ડ નહીં, ઈમર્જન્સી ફંડ પર રાખો ભરોસો

જ્યારે કોઈ પણ ઈમર્જન્સી આવે તો તરત જ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવાની જગ્યાએ પહેલાંથી તૈયાર રાખેલા ઈમર્જન્સી ફંડ પર ભરોસો કરો. આ ફંડ ત્રણથી 6 મહિનાનો ખર્ચ સરળતાથી ચાલી જાય એટલું હોવું જોઈએ. આ સિવાય લાઈફ ઈન્શ્યોરન્સ પણ ખૂબ જ જરૂરી છે, જેથી જો કોઈ અનિચ્છનિય ઘટના બને તો પરિવાર પર કે તમારા પર એનો બોજો ના આવે

મોટી શોપિંગનું પ્રિ-પ્લાનિંગ કરો

જો તમારે કોઈ મોટી વસ્તુ ઘર માટે કે તમારા પર્સનલ યુઝ માટે ખરીદવી છે તો એ માટે પહેલાંથી પ્લાનિંગ કરો. ઉદાહરણ તરીકે જો ઘર માટે ટીવી, ફ્રિજ કે બીજી કોઈ વસ્તુ કે પછી ક્યાંય વેકેશન પર જવાનું પ્લાનિંગ છે તો એની યોજના બનાવો. જેથી છેલ્લી ઘડીએ કોઈ બોજો ના આવી પડે. ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરો જેથી રિવોર્ડ્સ મળે, પણ એ જ સમયે સેવિંગ્સથી તેનું બિલ ચૂકવી દો. આનાથી તમને રિવોર્ડ્સ પોઈન્ટ પણ મળી જશે અને ક્રેડિટ કાર્ડનું બિનજરૂરી દેવું પણ માથે નહીં રહે.

આપણ વાંચો:  આ રીતે પૂજા અર્ચના કરવાથી તમને થશે ભગવાનની દિવ્ય ઉર્જાનો અનુભવ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button