સ્મરણાંજલિઃ નાસીપાસ થતાં તમામ વિદ્યાર્થી-યુવાનો માટે શ્રેષ્ઠ પ્રેરણા છે આ મહાવિભૂતિ
જીવનમાં જે સપનુ જોયું હોય તે તૂટે ત્યારે દુખ તો થાય. આજકાલ નાના-મોટા આઘાતોને લીધે પણ માનસિક રોગના શિકાર બનતા કે આત્યંતિક પગલું ભરતા યુવાનો તમારી જાણમાં પણ હશે. આ સમયે એવા કેટલાય મહાનુભાવો હશે જેનું જીવન તમને પ્રેરણા આપશે. આમાંના શ્રેષ્ઠ એવા મહાન વૈજ્ઞાનિક, ઉત્તમ વ્યક્તિ એવા દેશના 11માં રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામનો આજે જન્મદિવસ છે.
અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમના ધનુષકોડી ગામમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા માછીમારોને બોટ ભાડે આપતા અને ક્યારેક પોતે બોટ દ્વારા હિંદુઓની તીર્થયાત્રાઓ કરાવતા. બાળપણમાં, કલામના પરિવારની ગરીબીને કારણે, કલામને અખબાર વેચનાર તરીકે પણ કામ કરવું પડ્યું.
ઘરમાં ન તો અભ્યાસનું વાતાવરણ હતું કે ન તો કોઈ પ્રકારની આર્થિક સુવિધાની અપેક્ષા. પરંતુ કલામ હંમેશા તેમના અભ્યાસને લઈને ખૂબ જ હકારાત્મક રહ્યા. અભ્યાસમાં સરેરાશ માર્ક્સ મેળવવા છતાં તેમને ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં ઊંડો રસ હતો. તેણે પોતાનું પ્રાથમિક શિક્ષણ રામનાથપુરમમાં પૂર્ણ કર્યું.
કલામ જ્યારે પાંચમા ધોરણમાં હતા ત્યારે તેમના શિક્ષક તેમને પક્ષીઓની ઉડવાની રીત વિશે માહિતી આપતા હતા, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓને કંઈ સમજાયું નહીં તો તેઓ બાળકોને દરિયા કિનારે લઈ ગયા અને તેમને ઉડતા પક્ષીઓ બતાવ્યા અને તેમને સારી રીતે સમજાવ્યા. આ પક્ષીઓને જોઈને કલામે નક્કી કર્યું હતું કે તેઓ એરોનોટિક્સનો અભ્યાસ કરશે અને આ વિચાર ફાઈટર પાઈલટ બનવાની મહત્વાકાંક્ષામાં ફેરવાઈ ગયો.
કલામે 1954માં સેન્ટ સ્ટીફન્સ કોલેજ, ત્રિચિરાપલ્લીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવીને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. ફાઈટર પાઈલટ બનવા માટે તેણે ઈન્ડિયન એરફોર્સમાં 8 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા આપી, પરંતુ કમનસીબે તે નવમા ક્રમે આવ્યો. કલામ માટે આ ખૂબ જ મોટો આઘાત હતો, પણ નિરાશ કે નાસીપાસ થવાને બદલે તેમણે આગળ વધવાનું પસંદ કર્યું ને મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. જ્યાંથી તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સર્વિસમાં સભ્યપદ મેળવ્યું અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું.તેમની કારકિર્દીને નવી દિશા આપતાં તેમણે એક નાનકડું હોવર ક્રાફ્ટ ડિઝાઇન કરીને જીવનની શરૂઆત કરી.
આ પછી ડૉ. કલામે પાછું વળીને જોયું નથી. તેઓ ISROમાં પ્રથમ સેટેલાઇટ લોંચ વ્હીકલના પ્રોજેક્ટ ડાયરેક્ટર બન્યા જેણે રોહિણી ઉપગ્રહને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યો. પછી પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલના સફળ પરીક્ષણમાં પણ યોગદાન આપ્યું. આ પછી, તેને બેલેસ્ટિક મિસાઇલ વિકસાવવા માટે પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલિયન્ટની જવાબદારી પણ મળી. પાછળથી, કલામને ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) જેવા મહત્વાકાંક્ષી અને મોટા અભિયાનના વડા બનાવવામાં આવ્યા, જેની સફળતા પર તેઓ મિસાઈલ મેન તરીકે પ્રખ્યાત થયા.
કલામ અહીં જ ન અટક્યા, તેમની દેખરેખ હેઠળ ભારતે પોખરણ-2નું સફળ પરમાણુ પરીક્ષણ કર્યું. તે સમયે તેઓ વડાપ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અને ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સચિવ પણ હતા. 2002માં તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને દેશના 11મા રાષ્ટ્રપતિ બન્યા. તેમણે 27 જુલાઈ 2015ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. પરંતુ ઘણી ઊંચાઈઓ પર પહોંચ્યા પછી પણ તેઓ હંમેશા શિક્ષક અને વૈજ્ઞાનિક રહ્યા. આજે પણ તેમના વિચારો સોશિયલ મીડિયામાં શેર થતા હોય છે, જે પ્રેરણા અને આગળ વધવાનો જુસ્સો આપે છે.
આજે ભારત અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ મહાન વૈજ્ઞાનિકને ભાવભરી સ્મણાંજલિ