શંકર ભગવાનની જેમ પલાંઠી વાળીને બેસો, તન-મનથી સ્વસ્થ રહો
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા
અત્યારે સમય એવો આવ્યો છે કે માણસ શંકર ભગવાનની જેમ પલાંઠી વાળીને ધ્યાનસ્થ મુદ્રામાં બેસવાનું ભૂલી ગયો હોય એવું લાગે છે.
સવારે ઊઠીને ડાઇનિંગ ટેબલ પર ચા-નાસ્તો, કિચનની અંદર ઊભા રસોડા, પ્રવાસ વખતે કાર, બસ, કે ટ્રેનમાં પણ બેસવાનું, ઓફિસમાં ટેબલ-ખુરશી પર કામ કરતી વખતે પણ બેસવાનું- આ બધી જ પ્રક્રિયામાં પગ લટકતા જ રહે છે.
પલાંઠી વાળવાનું ઓછું થતું જાય છે તેમ તેમ માણસ તનમનના વિવિધ રોગોથી પણ ઘેરાતો જાય છે. આ બીમારીઓથી બચવું હોય તો અનુકૂળતા પ્રમાણે પલાંઠી વાળીને બેસવાની ક્રિયા કરી શકાય. સપ્તાહમાં એક કે બે વાર ડાઇનિંગ ટેબલ પર બેસવાનું માંડીવાળી બધા ઘરવાળાઓએ સર્કલમાં બેસીને પલાંઠી વાળીને જમવાનો રિવાજ રાખવો જોઇએ. આ રીતે ખાવાથી જ્યારે જ્યારે તમે થાળીમાંથી કોળિયો ઉઠાવો છો, ત્યારે ત્યારે આપણે નમવું પડે છે અને પેટ થોડું દબાય છે. વળી પાછા કોળિયો ભરીને ચાવતી વખતે પેટ સહિત શરીર પાછળ જાય છે. આ પ્રક્રિયામાં આપણું પેટ અર્થાત્ જઠર વારંવાર સંકોચન અને વિસ્તરણ પામે છે. આમ થવાથી પેટની અંદરના પાચક રસો વધુ ઉત્તેજિત અને સક્રિય થાય છે. પાચનશક્તિ સરળ અને ઝડપી બને છે.
બીજું જ્યારે તમે અનેક સમારંભોમાં ઊભાં ઊભાં ખાતા હોવ છો ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે શરીરનું લોહી પગ તરફ ધસતું હોય છે, પણ પલાંઠી વાળીને બેસવાથી જમતી લખતે લોહી પેટમાં જમા થાય છે. ખાવાનું સુપેરે પચાવવા પેટને વધુ લોહીની જરૂર હોય છે એની આ મુદ્રામાં યોગ્ય પૂર્તિ થાય છે અને પાચન સારી પેઠે થાય છે. પલાંઠી વાળીને બેસવાથી ઘૂંટણને પણ યોગ્ય કસરત મળે છે. પૂરતું લોહી અને શક્તિ મળે છે. વૃદ્ધાવસ્થામાં ઘૂંટણની મોટી બીમારીથી બચી શકાય છે.
આપણે જ્યારે જમીન પર પલાંઠી વાળીને બેસીએ છીએ ત્યારે મોટો ફાયદો એ થાય છે કે અંગૂઠામાંથી નીકળતી ઊર્જા વળી પાછી આપણા શરીરમાં જાય છે કારણ કે બેઉ નિતંબને સ્પર્શ કરે છે. હૃદયમાંથી નીકળતું લોહી હાથપગના ટેરવાં સુધી ટકરાઇને પાછુ ફરતું હોય ત્યારે આ અથડામણને લીધે ઊર્જા પેદા થાય છે. અંગૂઠા સહિત આંગળીઓ વાઇબ્રેશન અનુભવે છે. આ વાઇબ્રેશનથી પેદા થયેલી ઊર્જા આમ તો વાતાવરણમાં વેડફાઇ જાય, પણ જો તમે હાથ જોડીને પલાંઠી વાળીને બેઠા હોવ તો એ ઊર્જા શરીરને પાછી મળે છે.
પલાંઠી વાળીને મેડિટેશન કર્યું હોય તો જલદીથી ધ્યાનસ્થ થઇ શકાય છે. પલાંઠી યોગમાં ‘સુખાસન’ તરીકે ઓળખાય છે. ખરેખર આ સુખાસન શરીરને સ્થિરતા, શાંતિ અને સુખ આપે છે. તમે ક્યારેક ઊભા ઊભા ખાવ, ક્યારેક ખુરશી પર બેસીને ખાવ તો ક્યારેક શાંતિથી પલાંઠી વાળીને ભોજન કરો તો તમને પોતાને સુખની અનુભૂતિનો ફરક સમજમાં આવી જશે. અફસોસ તો એ છે કે પહેલાં તો બેસણાં માં રીતસરની સાદડી વપરાતી, પણ હવે તો શોકસભામાંય ખુરશીઓ જોવા મળે છે. મોટી ઉંમરના તો ઠીક યુવાનો પણ ખુરશી પર ગોઠવાઇ જાય છે. પ્રાર્થના ખુરશી પર ને હવે તો ઘણા લોકો પૂજા પણ ઊભા ઊભા કરીને ઓફિસ જવા નીકળી જાય છે. પૂજા-પાઠ માટે પલાંઠી વાળતા હતા એ ક્રિયા પણ ગાયબ થતી જાય છે. પ્રગતિ થઇ છે પણ સુખશાંંતિ છીનવાઇ ગયા છે. શરીરની સુખાકારી સાથે મનની શાંતિ મેળવવી હોય તો શંકર ભગવાનને યાદ કરી ક્યારેક ક્યારેક પલાંઠી વાળતા રહેજો.