
શ્રાવણ એટલે ભગવાન ભોળાનાથને ભજવાનો મહિનો અને તેમની કૃપા મેળવવાનો સમય. 25મી જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે અને દેશભરના જાણીતા શિવમંદિરોમાં શિવભક્તોની ભીડ ઉમટશે. આ પવિત્ર માસની શરૂઆત પહેલાં જ આજે અમે અહીં તમને દેશમાં આવેલા કેટલાક મહત્ત્વના શિવમંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દર્શન કરીને તમે પણ શિવજીની કૃપા મેળવી શકો છો…
કાશી વિશ્વનાથ મંદિર, વારાણસીઃ
વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર આ શિવ મંદિરોની યાદીમાં સૌથી પહેલાં આવે છે. 1780માં મહારાણી અહિલ્યાબાઈ હોળકર દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. દેશના વિવિધ શહેરોમાંથી ભક્તો આ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન કરવા માટે આવે છે અને આ મંદિરનો સમાવેશ 12 જ્યોર્તિલિંગમાં કરવામાં આવે છે.

સોમનાથ મંદિર, ગુજરાત
ગુજરાતના સોમનાથ ખાતે આવેલું આ સોમનાથ મંદિર ખૂબ જ જાણીતું આસ્થાસ્થાન છે. 12 જ્યોર્તિલિંગમાં આ મંદિર પહેલાં સ્થાને આવે છે. અનેક વખત દુષ્ટ શાસકો દ્વારા આ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ 1947માં તેનો પુનઃબાંધકામ કરવામાં આવ્યું હતું. આ મંદિર ચાલુક્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે.

કેદારનાથ, ઉત્તરાખંડઃ
ઉત્તરાખંડમાં આવેલું કેદારનાથ ધામ આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. ચાર ધામની યાત્રામાં પણ આ સ્થાનનો સમાવેશ કરવામાં આવે છે. અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. એવું કહેવાય છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ત્ર્યંબકેશ્વર મંદિર, મહારાષ્ટ્રઃ
મહારાષ્ટ્રના નાશિક ખાતે આવેલું ત્ર્યંબકેશ્વર મંદિર આ મંદિરમાં આવેલા ત્રણ મુખવાળા શિવલિંગ માટે ખૂબ જ જાણીતું છે. આખા વર્ષ દરમિયાન અહીં ભક્તો મોટી સંખ્યામાં બાબાના દર્શન કરવા આવે છે પણ શ્રાવણમાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

મલ્લિકાર્જુન સ્વામી ટેમ્પલ, આંધ્રપ્રદેશ:
આંધ્રપ્રદેશ ખાતે આવેલું મલ્લિકાર્જુન સ્વામી ટેમ્પલનો સમાવેશ જ્યોર્તિલિંગ અને શક્તિપીઠ છે. અહીં ભક્તો ભગવાન શિવજી અને દેવી બ્રહ્મારંબિકા દેવીના દર્શન અને પૂજા કરવા આવે છે. આ મંદિરની બાંધકામ શૈલીમાં મરાઠા અને ચાલુક્ય બંને શૈલીની છાંટ જોવા મળે છે.
મહાકાલેશ્વર મંદિર, ઉજ્જૈન
મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલું આ મહાકાલેશ્વર મંદિર 12 જ્યોર્તિલિંગમાં આવે છે. આ મંદિર અહીં કરવામાં આવતી ભસ્મ આરતી માટે ખૂબ જ જાણીતું છે. હિંદુઓનું ખૂબ જ મોટું તીર્થસ્થાન છે આ મંદિર.

ઓમકારેશ્વર મંદિર, ઉજ્જૈનઃ
ઉજ્જૈનમાં આવેલું આ ઓમકારેશ્વર મંદિર પણ શિવભક્તોમાં ખૂબ જ જાણીતું છે. આ મંદિર નર્મદા નદીના કિનારે આવેલું છે અને તેનો સમાવેશ પણ 12 જ્યોર્તિલિંગમાં કરવામાં આવે છે. ઉજ્જૈન મહાકાલેશ્વર આવનારા ભક્તો અવશ્ય ઓમકારેશ્વર મંદિરની મુલાકાત લે છે.
તારકેશ્વર મંદિર, પશ્ચિમ બંગાળઃ
પશ્ચિમ બંગાળમાં આવેલું તારકેશ્વર મંદિર આ મંદિરમાં આવેલા સ્વયંભૂ શિવલિંગ માટે પ્રખ્યાત છે. કોલકાતાનું આ જાણીતું શિવમંદિર શિવભક્તો માટે ખૂબ જ મોટું શ્રદ્ધાસ્થાન છે. આ મંદિર પરિસરમાં અનેક બીજા નાના નાના મંદિરો આવેલા છે, જે પૌરાણિક ઘટનાઓનું પ્રદર્શન કરે છે.