એક સિગારેટ પીવાથી વ્યક્તિના જીવનની 20 મિનિટ ઓછી થાય છે, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો
આપણે સિગારેટ પીવાથી થતા નુક્સાન વિશે ઘણી વાતો સાંભળી છે. આ વિશે અનેક સંશોધનો થયા છે અને ચાલી પણ રહ્યા છે, પણ હાલમાં જ ધુમ્રપાન કરવા વિશે એક ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સિગારેટ પીવાથી વ્યક્તિના જીવનની લગભગ 20 મિનિટ ઓછી થઇ જાય છે. યુકેની કૉલેજના રિસર્ચરોએ શોધી કાઢ્યું છે કે એક સિગારેટ વ્યક્તિના જીવનમાંથી લગભગ 20 મિનિટનો સમય ઘટાડે દે છે, એનો મતલબ એ છે કે જો વ્યક્તિ પાસે 20 સિગારેટનું પેકેટ હોય જેને તે દિવસભરમાં ખાલી કરતો હોય તો આ 20 સિગારેટનું પેકેટ વ્યક્તિનું જીવન લગભગ સાત કલાક ઓછું કરી શકે છે.
આ પણ વાંચો: સિગારેટ, તમાકુ, કોલ્ડડ્રિન્ક્સ પર 35% GST લદાશે! GoMનો આ ફેરફારોનો પ્રસ્તાવ રજુ કર્યો
દર વર્ષે દુનિયામાં અગણિત લોકોના ધુમ્રપાન કરવાને કારણે મૃત્યુ થાય છે. યુકેમાં દર વર્ષે લગભગ 80 હજાર લોકો ધુમ્રપાનને કારણે થનારા કેન્સરથી મૃ્યુ પામે છે, જે જુદા જુદા કેન્સરથી થનારા કુલ મૃત્યુના 25 ટકા છે. ધુમ્રપાન એક એવો રોગ છે જેને કારણે થનારા મૃત્યુને અટકાવી શકાય છે, કારણ કે આ રોગ તો ધુમ્રપાનની ખરાબ આદતને કારણે જ થાય છે. તમે ધુમ્રપાનની આદત છોડો એટલે તમે ટૂંક સમયમાં સ્વસ્થ થઇ શકો છો.
આ પણ વાંચો: આ છે દુનિયાની સૌથી મોંઘી સિગારેટ, કિંમત સાંભળીને તો…
જોકે, કેટલાક લોકો ખાસ કરીને અમેરિકા અને યુકેના લોકો એવું માને છે કે દરેક ધુમ્રપાન કરનારાને કંઇ કેન્સરનો જાનલેવા રોગ થતો નથી. તેઓને ધુમ્રપાનને કારણે જીવનના થોડા વર્ષો ગુમાવવામાં કોઈ વાંધો નથી, કારણ કે તેઓ એવું માને છે કે વૃદ્ધાવસ્થામાં ઘણી વાર ક્રોનિક રોગ અથવા અપંગતા આવતી જ હોય છે. એવા સમયે જિંદગીના થોડા વર્ષો ઓછા થઇ જાય તો કોઇ વાંધો નથી, પણ રિસર્ચરો જણાવે છે કે ધૂમ્રપાન જીવનના અંતમાં તમારી માંદગીના વર્ષોમાં જીવનની અવધિ ઘટાડતું નથી, પણ તે તમારા ધુમ્રપાનના જીવન દરમિયાન જ તમારું સ્વાસ્થ્ય બગાડે છે. આનો અર્થ એ છે કે 60-વર્ષના ધૂમ્રપાન કરનારની સ્વાસ્થ્ય પ્રોફાઇલ સામાન્ય રીતે 70-વર્ષના ધૂમ્રપાન ન કરનારાની જેવી જ હશે.
હકીકત તો એ છે કે ધૂમ્રપાન જીવલેણ છે. તે તમારી સારી અને સ્વસ્થ જિંદગી ઘટાડી નાખે છે, તેથી ધૂમ્રપાન ના કરવું જોઇએ.