શિવ, વિષ્ણુ અને લોકશાહી

શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા
ભૂતકાળમાં અર્થના અનર્થથી સનાતન ધર્મીઓમાં શિવમાર્ગી અને વિષ્ણુમાર્ગી એમ બે પંથ પડી ગયા હતા. આ પંથ એટલા કટ્ટર બની ગયા હતા કે શિવમાર્ગીઓ વિષ્ણુના અને વિષ્ણુમાર્ગીઓ શિવના દર્શન નહોતા કરતા. તે એટલે સુધી કે કપડું સીવડાવવું છે એમ ન કહેતાં ‘સંધાવવું’ છે એમ કહેતા. કારણ કે સિવડાવવું શબ્દમાં શિવ શબ્દ જેવો ઉચ્ચાર થતો હતો. આવી કટ્ટરતા હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળતી હોય તો એ દૂર થવી જોઇએ. સનાતન ધર્મમાં ભાતભાતના પંથ, સંપ્રદાયો કે નાતજાત હોય એ એમની જીવન જીવવાની કે પૂજા-પ્રાર્થના કરવાની પદ્ધતિ બતાવે છે, પણ છે તો બધાય સનાતનીઓ. આ લોકોએ જાતિ કે સંપ્રદાયના ચક્કરમાં પડવાને બદલે કે એકબીજા માટે વિરોધી સૂર કાઢવાને બદલે એકમેકના પૂરક બનવું જોઇએ. એક જ ક્રિકેટ ટીમમાં કોઇ બૉલર હોય, કોઇ બૅટ્સમેન હોય, કોઇ ફીલ્ડર હોય તો કોઇ વિકેટકીપર હોઇ શકે,બેટ્સમેનમાં પણ કોઇ ડાબોડી ને કોઇ જમોડી હોય શકે, બૉલરમાંય કોઇ ફાસ્ટ બૉલર તો કોઇ સ્પિનર હોઇ શકે .બધાના દેખીતા ગુણ, કર્મ અને સ્ટાઇલ અલગ અલગ હોય છે, પણ તેઓ અંદરઅંદર બાખડતા નથી.ઊલટાનું સંઘભાવના રાખી ટીમના અને દેશના હિતમાં રમે છે.
બસ આ જ રીતે આજે આપણે બધા જાતિ,વાડા, સંપ્રદાયના સમીકરણોથી ઉપર ઊઠી એકબીજાને પૂરક બની જઇએ તો દેશનો વિજય નક્કી જ છે.
હવે દેશથી ઉપર ઊઠીને આપણે દેવસૃષ્ટિની વાત કરીએ તો આપણે ત્યાં જે ત્રિદેવ- બ્રહ્મા, વિષ્ણુ, મહેશની થિયરી છેે તેમાં ત્રણે દેવો દેખાવ, ગુણ અને કર્મની દૃષ્ટિએ અલગ અલગ હોઇ શકે, પણ તેમનું ધ્યેય તો એક જ હોય છે. સૃષ્ટિને સારી રીતે ચલાવવાનું. આ થિયરી આપણી લોકશાહીને પણ કેટલી સુસંગત છે તે હવે જાણીએ જેમ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, તેમ ચૂંટણી કમિશનર ચૂંટણી યોજીને નવી સરકારનું સર્જન કરવામાં નિમિત્ત બને છે. હવે સૃષ્ટિનું સંચાલન વિષ્ણુ કરે છે તે જ રીતે વડા પ્રધાન દેશનું સંચાલન કરે છે અને છેલ્લે આપણા મહાદેવ સૃષ્ટિને નિયંત્રણમાં રાખે છે તેમ દેશના રાષ્ટ્રપતિ પણ સરકારને નિયંત્રણમાં રાખવાનું કાર્ય નિભાવે છે. ભૂતકાળમાં શિવ અને વિષ્ણુ વચ્ચે કશ્મકશ થતી કેટલાક શાસ્ત્રોમાં દેખાડી છે તેને લીધે તેમના અનુયાયીઓના બે ભાગ પડી ગયા હોય એ શક્ય છે. પરંતુ આ બે શક્તિ વચ્ચે સંવાદ હોય કે વિવાદ તે સૃષ્ટિના કલ્યાણ માટે છે. સૃષ્ટિરૂપી રથમાં બન્ને પૈડાં સમાન છે. શરીર ચલાવવા જેમ યોગ્ય ખોરાક ગ્રહણ કરવો જરૂરી છે તેમ યોગ્ય રીતે મળવિસર્જન પણ જરૂરી છે. એ જ રીતે સૃષ્ટિ માટે યોગ્ય સંચાલન (વિષ્ણુ) અને યોગ્ય નિયંત્રણ (શિવ) જરૂરી છે.વિષ્ણુ કલ્યાણકારી જીવનના તો શિવ કલ્યાણકારી મૃત્યુના દાતા છે. જેમ ફાંસી પામેલો ગુનેગાર પણ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે છે તેમ લાંબા આયુષ્ય અને વિવિધ રોગોથી બચી સ્વસ્થ અને કુદરતી મૃત્યુ માટે શિવની આરાધના કરી શકે છે.
આમ ત્રણે દેવ એકબીજાને પૂરક અને લોકકલ્યાણના કામ કરતી શક્તિઓ છે. દરેક જણ આપણા માટે એકસમાન છે. જો શિવ અને વિષ્ણુ એક થઇને કામ કરી શકતા હોય એક બીજાને આદર આપતા હોય તો આપણે શા માટે ઝઘડવું જોઇએ? સનાતનધર્મીઓના અંદર અંદરના કલહ અને ભેદભાવને કરાણે જ ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો છે. લોકોએ મતભેદ અને જાતિવાદથી ઉપર ઊઠી લોકશાહીને વરેલા વૈજ્ઞાનિક સનાતન ધર્મના ભલા માટે પ્રયાસ કરવો એ આજના સમયની મોટી જરૂરિયાત છે.