Allu Arujn ને જામીન અપાવવામાં Shahrukh Khan નો છે હાથ? જાણો શું છે કનેક્શન…
હાલમાં બોક્સ ઓફિસ પર સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ની ફિલ્મ પુષ્પા-ટુ (Pushpa-2) ભલે રેકોર્ડ પર રેકોર્ડ બ્રેક કરી રહી છે. પરંતુ વાત કરીએ અભિનેતાની પર્સનલ લાઈફ વિશે તો ગઈકાલનો દિવસ અલ્લુ અર્જુન, તેમના પરિવાર અને ફેન્સ માટે ખૂબ જ પીડાદાયક રહ્યો હતો. સંધ્યા થિયેટર્સમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થતાં હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને તેણે રાત જેલમાં ગુજારવી પડી હતી. જોકે, આ બધા ઝમેલામાં બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shahrukh Khan)નું નામ પણ વચ્ચે આવી રહ્યું છે. ચાલો તમને જણાવીએ આખરે આખો મામલો શું છે-
વાત જાણે એમ છે કે સંધ્યા થિયેટર્સમાં થયેલી દુર્ઘટનામાં અલ્લુ અર્જુન સાથે તેના બોડી ગાર્ડની પણ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ નીચલી કોર્ટમાં સુનાવણી થઈ હતી અને એક્ટરને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. આખરે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટમાં સુનાવણી બાદ અલ્લુ અર્જુનને જામીન મળ્યા હતા. બસ અહીં જ થાય છે આપણા શાહરૂખ ખાનની એન્ટ્રી. કોર્ટમાં દલીલ કરતી વખતે અલ્લુ અર્જુનના વકીલે શાહરૂખ ખાન સાથે સંકળાયેલા કેસનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો : જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને માફી માંગી અલ્લુ અર્જુને, કહ્યું કે…
વકીલે જણાવ્યું હતું કે ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન કિંગખાનને જોવા માટે ભીડ એકઠી થઈ હતી અને આ ભીડ તરફ શાહરૂખે ટી-શર્ટ્સ ફેંક્યા હતા અને એને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ સ્થિતિમાં શાહરૂખ સામે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શાહરૂખ ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. વકીલે કોર્ટમાં શાહરૂખના કેસનો ચુકાદો વાંચી સંભળાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોથી ડિસેમ્બરના સાંજે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા ટુનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું અને એવું પણ કહેવાયું હતું કે અલ્લુ અર્જુન અહીં ફિલ્મ જોવા આવશે. બસ અલ્લુ અર્જુનના ફેન્સ તેની એક ઝલક જોવા માટે થિયેટરની બહાર ભેગા થઈ ગયા હતા. ભીડને કાબુમાં લેવા પોલીસે કાઢી ચાર્જ પણ કરવો પડ્યો હતો. અલ્લુ અર્જુન ભીડને મળવા પહોંચ્યો અને અલ્લુ અર્જુનને જોઈને ફેન્સમાં નાસભાગ મચી ગઈ, જેમાં 35 વર્ષીય રેવતી નામની મહિલાનું મૃત્યુ થયું હતું.