સ્પેશિયલ ફિચર્સ

વજન ઘટાડવા માત્ર જીમ નહીં, સ્માર્ટફોનની લત પણ છોડવી જરૂરી: જાણો અસરકારક ઉપાયો…

આજના સમયમાં વિજ્ઞાને આપણને આંગળીના ટેરવે આખી દુનિયા આપી છે, પરંતુ તેની કિંમત આપણે આપણા સ્વાસ્થ્ય દ્વારા ચૂકવી રહ્યા છીએ. છેલ્લા દાયકામાં વૈશ્વિક સ્તરે સ્થૂળતાના દરમાં જે ચિંતાજનક ઉછાળો આવ્યો છે, તેની પાછળનું એક મુખ્ય કારણ સ્ક્રીન એડિક્શન છે. સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી હવે માત્ર મનોરંજનના સાધનો નથી રહ્યા, પરંતુ તે આપણા સ્વાસ્થયને ભરખી જનારું ડિજિટલ ઝેર સાબિત થઈ રહ્યા છે.

વધારે પડતો સ્ક્રીન ટાઈમ એ માત્ર સમયનો બગાડ નથી, પરંતુ તે શરીરમાં ચયાપચયની ક્રિયા(Metabolism)ને પણ ધીમી પાડે છે. જ્યારે આપણે કલાકો સુધી એક જ સ્થિતીમાં બેસીને સ્ક્રીન સામે સમય પસાર કરીએ છીએ, ત્યારે આપણું શરીર સેડેન્ટરી મોડમાં જતું રહે છે. આ સ્થિતિમાં હૃદયના ધબકારા અને રક્ત પરિભ્રમણની ગતિને ધીમી પાડે છે, જે લાંબા ગાળે મેદસ્વિતા ઉપરાંત ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનો પાયો નાખે છે. ખાસ કરીને બાળકોમાં આ અસર ખૂબ જ ઘાતક જોવા મળી રહી છે, કારણ કે ખુલ્લા મેદાનની રમતોની જગ્યા હવે વીડિયો ગેમ્સ અને સોશિયલ મીડિયાએ લઈ લીધી છે.

સ્ક્રીન ટાઈમ કેવી રીતે સ્થૂળતા વધારે છે?

બેઠાડુ પ્રકારની જીવનશૈલી
જ્યારે આપણે ટીવી કે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે શરીરની ઊર્જાનો વપરાશ નહિવત થઈ જાય છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી મળતી કેલરી વપરાવાને બદલે ચરબીના સ્વરૂપે પેટ અને કમરના ભાગે જમા થવા લાગે છે.

ધ્યાન વગર ખાવું
સંશોધનો મુજબ, જે લોકો સ્ક્રીન સામે બેસીને જમે છે તેઓ સામાન્ય કરતાં ૨૦% થી ૩૦% વધુ કેલરી લે છે. સ્ક્રીન પરના દ્રશ્યોમાં ખોવાયેલું મગજ પેટ ભરાઈ ગયાના સંકેતોને ઓળખી શકતું નથી, જેને પેસિવ ઓવરઈટિંગ કહેવામાં આવે છે.

ઊંઘનું ચક્ર ખોરવાવું
ડિજિટલ સ્ક્રીનમાંથી નીકળતી વાદળી લાઈટ (Blue Light) શરીરમાં મેલાટોનિન હોર્મોનના સ્ત્રાવને અટકાવે છે. ઊંઘ પૂરી ન થવાને કારણે લેપ્ટિન ઘટે છે અને ઘ્રેલિન (ભૂખ વધારતો હોર્મોન) વધે છે, જેના કારણે વ્યક્તિને રાત્રે પણ જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય છે.

ખોરાકની જાહેરાતોનું મનોવૈજ્ઞાનિક દબાણ
ડિજિટલ પ્લેટફોર્મ પર સતત હાઈ-કેલરી ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ ફૂડની આકર્ષક જાહેરાતો આપણને ન જોઈતી ભૂખ લગાડે છે, જે સ્થૂળતા માટે સીધી રીતે જવાબદાર છે.

સ્ક્રીન મેનેજમેન્ટ દ્વારા મેદસ્વિતાથી બચવાના અસરકારક ઉપાયો

ગેજેટ-ફ્રી મીલ ટાઈમ
નિયમ બનાવો કે ડાઈનિંગ ટેબલ પર કોઈ પણ પ્રકારનો ફોન કે ટેબ્લેટ રાખવામાં આવશે નહીં. પરિવાર સાથે વાતચીત કરતાં અને ખોરાક પર ધ્યાન આપીને જમવાથી ઓટોમેટિકલી વધુ પડતું ખાવાની આદત છૂટી જશે.

સક્રિય વિરામ
જો તમારું કામ સ્ક્રીન સાથે જોડાયેલું હોય, તો દર ૪૫ મિનિટે એલાર્મ મૂકીને ૫ મિનિટનો વોકિંગ બ્રેક લો. લાંબો સમય બેસી રહેવાને બદલે ઊભા થઈને સ્ટ્રેચિંગ કરવાથી મેટાબોલિઝમ જળવાઈ રહેશે.

સ્લીપ હાઈજીન
સૂવાના ૬૦ થી ૯૦ મિનિટ પહેલા તમામ સ્ક્રીન બંધ કરી દો. તેના બદલે પુસ્તક વાંચવાની કે ધ્યાન કરવાની આદત પાડો. ઊંઘ સુધરશે તો હોર્મોનલ સંતુલન જળવાશે અને વજન ઘટાડવામાં સરળતા રહેશે.

બાળકો માટે સ્ક્રીન લિમિટ
બાળકો માટે સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખવો જોઈએ. તેમને શારીરિક રમતો અને આઉટડોર એક્ટિવિટીઝ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી બાળપણથી જ સ્થૂળતાના બીજ ન રોપાય.

આ સાથે સંકળાયેલા અન્ય જોખમી પાસાઓ

સ્ટ્રેસ ઈટિંગ
સોશિયલ મીડિયા પર અન્યની સરખામણી કરવાથી માનસિક તણાવ વધે છે. આ તણાવને ઓછો કરવા લોકો ઘણીવાર વધુ પડતું ગળ્યું કે તળેલું ખાય છે, જે મેદસ્વીતાનું છૂપું કારણ છે.

વિટામિન D ની ઉણપ
સતત ઘરમાં પુરાઈને સ્ક્રીન સામે રહેવાથી સૂર્યપ્રકાશ મળતો નથી. વિટામિન D ની ઉણપ પણ શરીરમાં ચરબી વધારવા માટે જવાબદાર માનવામાં આવે છે.

સાંધા અને પોશ્ચરની તકલીફ સ્થૂળતાને કારણે ઘૂંટણ પર દબાણ આવે છે અને ખોટા પોશ્ચરને લીધે કાયમી શારીરિક અક્ષમતા આવી શકે છે.

અંતે, આપણે એ સ્વીકારવું પડશે કે ટેકનોલોજી આપણા જીવનને સરળ બનાવવા માટે છે, શરીરને રોગી બનાવવા માટે નહીં. સ્ક્રીન ટાઈમ અને સ્થૂળતા વચ્ચેનો સંબંધ માત્ર શારીરિક નથી, પરંતુ તે એક ગંભીર સામાજિક સમસ્યા પણ છે. જો આપણે આજે જાગૃત થઈને આપણી સ્ક્રીન આદતો નહીં બદલીએ, તો ભવિષ્યની પેઢી રોગોના ભરડામાં હોમાઈ જશે.

ખરેખર તો વજન ઘટાડવા માટે માત્ર જીમમાં જવું પૂરતું નથી, પરંતુ સ્માર્ટફોનનો વપરાશ ઘટાડવો એ પણ એક પ્રકારની શારીરિક શિસ્ત જ છે. લોગ ઓફ થઈને પ્રકૃતિ અને પરિવાર સાથે કનેક્ટ થવું એ જ તંદુરસ્ત જીવનની સાચી ચાવી છે.

નોંધઃ અત્રે આપવામાં આવતી સલાહ એ માત્ર એક સુચન છે, જેને અનુસરતા પુર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button