Right to Disconnect: ઓફિસ અવર્સ પછી ડીઈઓના કોલ્સ નહીં ઉપાડે સ્કૂલના ટ્રસ્ટીઓ

મોબાઈલ ફોન્સ આવ્યા બાદ એક વાત ઘણી સારી છે કે તમે ગમે ત્યારે, ગમે તે સમયે કોઈનો સંપર્ક સાધી શકો છો, પરંતુ આ સવલત માથાનો દુઃખાવો બની જાય છે કારણ કે તમારી શાંતિ અન પ્રાઈવસી છીનવાઈ જાય છે અને ટાણે કટાણે તમારે ફોન પર હાજર રહેવું પડે છે. કામ કરનારા લોકોને પણ આ ત્રાસ સતત સહન કરવો પડે છે અને ઘણીવાર વર્કિંગ અવર્સ બાદ ફોન સમયસર ન ઉપાડ્યો હોય તો પણ નોકરી જવાનો ડર રહે છે.
લોકોને પોતાના વર્કિંગ અવર્સ બાદ ફોનથી દૂર રહેવાનો અધિકાર છે તેવા આશય સાથે કેરળ સરકારે Right to Disconnect નાગરિકોને આપ્યો છે ત્યારે ગુજરાતની લગભગ 3,700 ગ્રાન્ટ સ્કૂલના સંગઠન ગુજરાત સ્ટેટ મહામંડળ એસોસિયેશન દ્વારા તેમના સભ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓ ઓફિસ અવર્સ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીના ફોનકોલ્સ રિસિવ ન કરે.
મોડી રાત્રે ફોન આવે છે
આ અંગે એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્કૂલ અંગેની સામાન્ય વિગતો માટે પણ ઘણીવાર મોડી રાત્રે શિક્ષણ વિભાગ તરફથી ટ્રસ્ટીઓને અથવા સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફને ફોનકોલ્સ આવતા હોય છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ કેટલા, ટીચર્સ કેટલા એવા સવાલો પૂછવા માટે રાત્રે 10 વાગ્યે ફોન આવતા હોય છે. આ કામ તેઓ ઓફિસ અવર્સમાં પણ કરી શકે છે. આથી સ્કૂલ ટ્રસ્ટીઓને પત્ર લખી ઓફિસ અવર્સ પછીના ફોન્કોલ્સ ન લેવા જણાવ્યું છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે શિક્ષણ વિભાગમાં આરોગ્ય વિભાગ જેવી ઈમરજન્સી હોતી નથી, આથી તેઓ કામના કલાકો દરમિયાન જ કામ કરી શકે છે.
મહામંડળના ચેરમેન ભાસ્કર પટેલે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની 3,700 સ્કૂલના ટ્રસ્ટી-મેનેજમેન્ટને આ પત્ર લખવામાં આવ્યો છે. ઘણીવાર રાત્રે દસ વાગ્યે ઓનલાઈન મિટિંગ ગોઠવે છે. કોઈપણ પ્રકારનું એવું કામ નથી હોતું જે ઓફિસ અવર્સ દરમિયાન ન થાય, તેથી અમારે આવો નિર્ણય લેવો પડ્યો છે.
શું કહ્યું શિક્ષણાધિકારીએ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે આવા કોઈ પત્ર અંગે મને જાણકારી નથી, પરંતુ અમારે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ફોનકોલ્સ કરવા પડતા હોય છે. અમે પણ ઓફિસ અવર્સ બાદ કામ કરતા હોઈએ છીએ. અમારી સારથી હેલ્પલાઈન 24 કલાક ચાલુ રહે છે. વિદ્યાર્થીઓ-વાલીઓ અને સમાજના હીતને ધ્યાનમાં રાખી કામના કલાકો ઉપરાંત પણ ફરજ પૂરી કરવી પડતી હોય છે.
આપણ વાંચો: ગુજરાતના હરિયાળુ બનાવવા અનોખી પહેલ, આ રીતે 7 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર



